Breaking News: અમદાવાદમાં ફૂટપાથ પર આરામ કરી રહેલા શ્રમિક પરિવારને ફોર્ચ્યુનર ચાલકે કચડ્યો, માતા-પુત્રનાં મોત, કારમાંથી બિયરના 6 ટીન મળ્યા
અકસ્માત એટલો ભયાનક હતો કે લોકોની ચીસો સાંભળીને આસપાસના રહીશો અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 112 પર કરવામાં આવી હતી. બીજી તરફ, કારચાલક ભાગી જાય તે પહેલાં સ્થાનિક લોકોએ તેને ઝડપી લીધો હતો. આરોપી કારચાલકની ઓળખ 36 વર્ષીય વિરલ ચૌધરી તરીકે થઈ છે.

અમદાવાદના નિકોલ વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી ફોર્ચ્યુનર કારે સર્જેલા ગમખ્વાર અકસ્માતમાં માતા-પુત્રનાં મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. નશાની હાલતમાં કાર હંકારતા ચાલકે ફૂટપાથ પર આરામ કરી રહેલા શ્રમિક પરિવારને અડફેટે લીધો હતો. આ અકસ્માતમાં પૂનમ નગવાડિયા અને તેમના પુત્ર સાગર નગવાડિયાએ જીવ ગુમાવ્યો છે. જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થતાં તેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અકસ્માત બાદ પોલીસે કારચાલક વિરલ ચૌધરીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફૂટપાથ પર બેઠેલા શ્રમિક પરિવારને ફોર્ચ્યુનર કારે કચડ્યો
સમગ્ર ઘટનાની વાત કરીએ તો નિકોલમાં અક્ષર હોસ્પિટલ અને દેવસ્ય સ્કૂલ નજીક ગત રાત્રે આશરે 9:30 વાગ્યા બાદ આ અકસ્માત સર્જાયો હતો. એક શ્રમિક પરિવાર ફૂટપાથ પર ચણિયાચોળી વેચીને ગુજરાન ચલાવતો હતો. પરિવારના સભ્યો ફૂટપાથ પર આરામ કરી રહ્યા હતા, તે દરમિયાન પૂરપાટ ઝડપે આવેલી ફોર્ચ્યુનર કાર સીધી ફૂટપાથ પર ચઢી ગઈ હતી. કારની અડફેટે આવતાં પરિવારના સભ્યો સહિત અન્ય લોકો પણ કચડાયા હતા. આ ગમખ્વાર અકસ્માતમાં પૂનમ નગવાડિયા અને તેમના પુત્ર સાગરનું મોત નીપજ્યું હતું. જ્યારે ખરીદી કરવા આવેલા કાર્તિક વચેજા અને એક અજાણી મહિલા ઈજાગ્રસ્ત થયાં હતાં.
કારમાંથી બિયરના 6 ટીન મળ્યા, બ્લડ રિપોર્ટ પોઝિટિવ
અકસ્માત એટલો ભયાનક હતો કે લોકોની ચીસો સાંભળીને આસપાસના રહીશો અને સ્થાનિકો તાત્કાલિક મદદ માટે દોડી આવ્યા હતા. ઘટનાની જાણ 112 પર કરવામાં આવી હતી. બીજી તરફ, કારચાલક ભાગી જાય તે પહેલાં સ્થાનિક લોકોએ તેને ઝડપી લીધો હતો. આરોપી કારચાલકની ઓળખ 36 વર્ષીય વિરલ ચૌધરી તરીકે થઈ છે, જે નાના ચિલોડાનો રહેવાસી છે. અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારની તપાસ દરમિયાન તેમાંથી બિયરના 6 ટીન મળી આવ્યા હતા. આ ઉપરાંત આરોપી વિરલ ચૌધરીનો બ્લડ રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો છે. જેના પગલે નશાની હાલતમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યો હોવાની બાબત સામે આવી છે.
અગાઉ પણ ફોર્ચ્યુનર કારને ઓવરસ્પીડિંગનો મેમો મળ્યો હતો
આ ઘટનામાં વધુ એક ચોંકાવનારી બાબત સામે આવી છે. જે ફોર્ચ્યુનર કારથી અકસ્માત સર્જાયો હતો તેને આ જ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ઓવરસ્પીડિંગ બદલ મેમો ફટકારવામાં આવ્યો હતો. આમ, અગાઉ પણ પૂરપાટ ઝડપે કાર ચલાવવાના મામલે મેમો મળ્યો હોવાની વિગતો સામે આવી છે. હાલ પોલીસે આરોપી વિરલ ચૌધરીને સકંજામાં લઈ સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. બીજી તરફ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા બે વ્યક્તિઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. એક તરફ શ્રમિક પરિવારના બે સભ્યોએ જીવ ગુમાવ્યા છે, ત્યારે બીજી તરફ બેફામ ડ્રાઇવિંગ અને નશામાં વાહન ચલાવવાના કિસ્સાઓ સામે કડક કાર્યવાહી કરવાની માગ ઊઠી રહી છે.
આ પણ વાંચો- Breaking News: અમદાવાદમાં બે વર્ષ બાદ કાંકરિયા લેકમાં આજથી ફરી શરૂ થશે બોટિંગ, 20 બોટ સાથે ફ્લોટિંગ કેફે પણ બનશે આકર્ષણનું કેન્દ્ર