રાજ્યમાં મેઘો અનરાધાર : બોટાદ અને ધંધૂકા સહિત આ શહેરોમાં મેઘાની ધમાકેદાર ઈનિંગ, ખેડૂતોમાં ખુશીનો માહોલ
બોટાદના(Botad) બરવાળા અને પાળીયાદ વિસ્તારોમાં સાંજના સમયે મેઘ મહેર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
શનિવારે રાજ્યમાં મેઘ મહેર જોવા મળી હતી. વિવિધ શહેરોમાં મેઘરાજના આગમનને પગલે લોકોને ગરમીથી રાહત મળી હતી. સુરત (Surat) અને આસપાસના તાલુકા વિસ્તારોમાં સવારથી જ મેઘરાજાનું આગમન થયું હતું. તો બીજી તરફ ભરૂચ અને વડોદરાના સાવલીમાં પણ સવારથી જ ભારે પવન સાથે વરસાદ (Rain) વરસ્યો હતો. તેમજ યાત્રાધામ પાવાગઢમાં (Pavagadh) વરસાદના પગલે આહ્વાદાયક નજારો જોવા મળ્યો હતો. પર્વત પરથી પાણીના ઝરણા વહી પડ્યા હતા.
બોટાદના ગ્રામ્ય વિસ્તારોમાં મેઘ મહેર
બીજી તરફ અમદાવાદના (Ahmedabad) ધંધુકામાં બપોર બાદ મેઘરાજાની તોફાની બેટિંગ જોવા મળી હતી. ધંધુકામાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો.ઉપરાંત બોટાદના બરવાળા અને પાળીયાદ વિસ્તારોમાં સાંજના સમયે મેઘ મહેર થઈ હતી. ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
ધંધૂકામાં અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ
અમદાવાદના ધંધુકામાં બપોર બાદ વરસાદ ખાબક્યો હતો.અડધા કલાકમાં 1 ઈંચ જેટલો વરસાદ પડતા મેઘરાજાની તોફાની ઇનિંગ જોવા મળી હતી. ધંધુકા અને રાયકા, ખડોળ, જાળિયા, પડાંણા, રોજકા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ ખાબકતા ઠેર-ઠેર વરસાદી પાણી ભરાયા હતા. ઉપરાંત ભારે વરસાદના પગલે હાઈ વે પર વિઝિબ્લિટી ઓછી થતા વાહનચાલકોને મુશ્કેલી પડી હતી.
ઉપરાંત વડોદરાના(vadodara) સાવલી તાલુકાના વાતાવરણમાં પલટો આવતા વરસાદી માહોલ જોવા મળ્યો હતો. ભારે ઉકળાટ અને બફારા બાદ વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.સાવલીના ટુંડાવ, લસુન્દ્રા, લામડાપુરા પંથકમાં ધોધમાર વરસાદ જોવા મળ્યો હતો.