બોટાદઃ સાળંગપુરમાં કાળી ચૌદશે કષ્ટભંજન દેવને હીરાજડિત ચાંદીના વાઘા પહેરાવાયા, અન્નકુટના કરો દર્શન

TV9 GUJARATI

|

Updated on: Nov 03, 2021 | 2:12 PM

મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞ યોજાયો છે. કષ્ટભંજન દેવને 56 ભોગ અર્પણ કરાયા. ગાયના ઘી અને દૂધમાંથી તૈયાર કરાયેલી વાનગીઓ, ઠંડાપીણા, કેક, ફરસાણ, મીઠાઈ સહિતની ખાણીપીણી અર્પણ કરવામાં આવી.

સાળંગપુરમાં કાળી ચૌદશના આજના દિવસે કષ્ટભંજન દેવના દર્શનનું અનેરું મહત્વ છે. એટલે જ દૂર દૂરથી લોકો મોટી સંખ્યામાં દાદાના દર્શને ઉમટી પડે છે. આજે પણ સાળંગપુરમાં ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું. મોટી સંખ્યામાં લોકોએ હનુમાનજીના દર્શન કરીને ધન્યતા અનુભવી. મંદિર પરિસરમાં મારૂતિ યજ્ઞ યોજાયો છે. કષ્ટભંજન દેવને 56 ભોગ અર્પણ કરાયા. ગાયના ઘી અને દૂધમાંથી તૈયાર કરાયેલી વાનગીઓ, ઠંડાપીણા, કેક, ફરસાણ, મીઠાઈ સહિતની ખાણીપીણી અર્પણ કરવામાં આવી. આરતી બાદ મોટી સંખ્યામાં લોકોએ અન્નકૂટનો લાભ લીધો. રાજ્યના પૂર્વ શિક્ષણપ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા પણ આજે દાદાના દર્શન માટે આવ્યા હતા.

આ વર્ષે દાદાના વાઘા આકર્ષણનું કેન્દ્ર રહ્યા છે. કષ્ટભંજન દેવને ચાંદીના 1 લાખ 8 હજારથી વધુ હીરાજડિત વાઘા પહેરાવવામાં આવ્યા છે. હનુમાનજીને પહેરાવવામાં આવેલા આ વાઘાનું વજન 15 કિલો છે. સાથે જ શ્રીકષ્ટભંજનદેવના મુગટમાં 7000 અને કુંડળમાં 3000 હીરા લગાવવામાં આવ્યા છે.. સાળંગપુર મંદિરને આ વાઘા વડતાલ મંદિરના પિઠાધિપતિ આચાર્ય રાકેશપ્રસાદ સહિત મહંત પુરાણી વિષ્ણુંપ્રકાશદાસજી તથા હરિપ્રકાશદાસજી સ્વામી દ્વારા અર્પણ કરવામાં આવ્યાં છે. આ વાઘાનું સંપૂર્ણ કાર્ય સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગરદાસ સ્વામીની દેખરેખ હેઠળ કરવામાં આવ્યું છે. એક વર્ષથી આ વાઘાનું કામ અમદાવાદ અને કોલકાતામાં ચાલતું હતું. આ વાઘા 10થી 15 વખત દાદા પાસે લાવવામાં આવ્યા. જેમાં નાના-મોટા ફેરફાર પણ કરવામાં આવ્યા હતાં. એક વખત અડધા વાઘા બની ગયા પછી તેને ભાંગીને ફરીથી નવા વાઘા બનાવ્યા હતા. આમ દાદાના ચાંદીના 1 લાખ 8 હજાર હીરાજડિત વાઘા તૈયાર થયા છે.

Follow us on

Click on your DTH Provider to Add TV9 Gujarati