રાજ્યવાસીઓ આકરી ગરમી સહન કરવા માટે રહેજો તૈયાર, 25 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડો થવાના નથી કોઈ એંધાણ- Video
રાજ્યવાસીઓએ હજુ આગામી 6 દિવસ આકરી ગરમી માટે તૈયાર રહેવુ પડશે. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા અનુસાર રાજ્યમાં 25 એપ્રિલ સુધી ગરમીમાં ઘટાડો થવાના કોઈ એંધાણ નથી. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં ભાવનગર, અમરેલી, જુનાગઢમાં તાપમાન ઉંચુ રહેવાનુ અનુમાન છે.
રાજ્યમાં હાલ ગરમીનું પ્રમાણ વધતા હવામાન વિભાગ દ્વારા હિટવેવનું એલર્ટ આપવામાં આવ્યુ છે. કાળજાળ ગરમીથી લોકો ત્રાહિમામ થઈ ગયા છે. ત્યારે આ કાળજાળ ગરમીથી લોકોને 25 એપ્રિલ સુધી રાહત મળવાના કોઈ એંધાણ હાલ તો દેખાતા નથી. હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં 25મી એપ્રિલ સુધી આકરી ગરમી પડવાની સંભાવના છે. રાજ્યમાં સરેરાશ તાપમાન કરતા 2 ડિગ્રી તાપમાન વધુ રહેશે.
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીના જણાવ્યા મુજબ આગામી 25 એપ્રિલ સુધી રાજ્યમાં ગરમીમાંથી કોઈ રાહત મળશે નહીં. આ તરફ સૌરાષ્ટ્રમાં અમરેલી, જુનાગઢ, રાજકોટ, મોરબી અને સુરેન્દ્રનગરમાં તાપમાન ઉંચુ રહેશે. મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ગાંધીનગર, આણંદ અને કપડવંજમાં ગરમીનો પારો ઉંચકાશે. ઉત્તર ગુજરાતમાં હિંમતનગર, અને ઈડરમાં તાપમાન ઉંચુ રહેવાની સંભાવના છે.
સૌરાષ્ટ્રમાં ગરમીનું યલો એલર્ટ
રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 44 ડિગ્રી કે તેથી ઉંચુ જવાની સંભાવના છે. સામાન્ય રીતે એપ્રિલના દિવસોમાં તાપમાન 40 થી 41 ડિગ્રી રહે છે. જેના બદલે હાલ તાપમાન 43 થી 44 ડિગ્રી સુધી જવાની સંભાવના છે. મે મહિનામાં પણ આકરી ગરમી પડવાની સંભાવના છે. હવામાન નિષ્ણાંતના જણાવ્યા મુજબ હિટવેવનો રાઉન્ડ 2016 અને 2018ની પેટર્ન મુજબનો છે. છેલ્લા 10 વર્ષના આંકડા મુજબ 2016, 2018 અને 2024 સૌથી ગરમ શહેર રહ્યા છે. 2024માં એપ્રિલ મહિનામાં ત્રીજા સપ્તાહમાં તાપમાનનો રેકોર્ડ તૂટ્યો છે.
ભાવનગરમાં સિવિયર હિટવેવની આગાહી
હવામાન વિભાગ દ્વારા પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં સિવિયર હીટવેવની આગાહી કરવામાં આવી છે. જ્યારે કચ્છના ઘણા વિસ્તારમાં પણ હીટવેવ સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હીટવેવને હળવાશથી લેવાની જરૂર નથી. કારણ કે, ગુજરાતમાં છેલ્લાં 11 વર્ષમાં હીટવેવના કારણે 295 વ્યક્તિઓનાં મૃત્યુ થયાં છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરોના 2011થી 2022 સુધીના એક્સિડેન્ટલ ડેથ રિપોર્ટના આંકડાઓમાં આ ખુલાસો થયો છે. 2015માં સૌથી વધારે 52 મૃત્યુ થયાં હતાં, જ્યારે 2014માં 45 મૃત્યુ થયાં હતા.
રાજકોટમાં કાળઝાળ ગરમી પડી રહી છે. ગરમીના પ્રકોપના કારણે હોસ્પિટલમાં ઇમરજન્સી કોલ વધ્યા છે. છેલ્લા 48 કલાકમાં ગરમીથી અસરના 72 કોલ આવ્યા છે. બપોરે 12થી 4 કલાક સુધી એમ્બ્યુલન્સને વધુ કોલ મળ્યા છે. માથાનો દુઃખાવો, ચક્કર આવવા, બેભાન થવાના કેસ વધ્યા છે. ડ્રીહાઇડ્રેશન અને છાતીમાં દુઃખાવાના કેસમાં વધારો થયો છે.
જો કે રાહતની વાત એ છે કે રાજ્યમાં કાળઝાળ ગરમીથી આગામી કેટલાક કલાકોમાં લોકોને આંશિક રાહત મળવાની શકયતાઓ છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 4 દિવસ બાદ તાપમાનમાં ઘટાડો થશે.
આ પણ વાંચો: ઉનાળામાં કાળજાળ ગરમી વચ્ચે હીટવેવથી અને લૂ થી બચવા આટલા ઉપાય ખાસ કરો