AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હોસ્પિટલ કે રોગનું કેન્દ્ર ? ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ગંદકીના થર… દર્દીઓના સ્વાસ્થ્ય સામે ખતરો

ભાવનગરની સર ટી હોસ્પિટલ ગંદકી, ભંગાર અને ખુલ્લા મેડિકલ વેસ્ટના થરથી ઘેરાયેલી છે. સ્વચ્છતાના અભાવે દર્દીઓ સાજા થવાને બદલે વધુ બીમાર થવાની ભીતિ સેવાઈ રહી છે.

હોસ્પિટલ કે રોગનું કેન્દ્ર ? ભાવનગરની સર ટી હોસ્પિટલમાં ગંદકીના થર... દર્દીઓના સ્વાસ્થ્ય સામે ખતરો
| Updated on: Aug 15, 2026 | 3:10 PM
Share

ભાવનગરની સુપ્રસિદ્ધ સર ટી હોસ્પિટલ હાલ ગંદકી અને અયોગ્ય કચરા વ્યવસ્થાપનને કારણે વિવાદના કેન્દ્રમાં છે. હોસ્પિટલના પરિસરમાં ઠેર ઠેર ભંગારના થર, ખુલ્લો કચરો અને મેડિકલ વેસ્ટ જોવા મળી રહ્યો છે, જે દર્દીઓના સ્વાસ્થ્ય માટે ગંભીર ખતરો ઉભો કરી રહ્યો છે. રાજ્ય સરકાર સ્વચ્છતા અભિયાન પર વિશેષ ભાર મુકતી હોવા છતાં, ભાવનગર, અમરેલી અને બોટાદ જિલ્લામાંથી આવતા હજારો દર્દીઓને સેવા આપતી આ સરકારી હોસ્પિટલમાં સ્વચ્છતાના ધોરણોનો અભાવ સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે.

હોસ્પિટલ પરિસરમાં લાંબા સમયથી ખુલ્લામાં પડેલો બિનઉપયોગી સામાન અને ભંગાર વરસાદના પાણીથી ભીનો થતાં મચ્છર અને માખી જેવા જીવજંતુઓનો ઉપદ્રવ વધવાની પૂરી સંભાવના છે. આના કારણે દર્દીઓને રોગમુક્ત થવાને બદલે વધુ રોગોનો ભોગ બનવું પડે તેવી સ્થિતિ નિર્માણ પામી છે.

હોસ્પિટલમાં આવતા દર્દીઓ અને તેમના પરિવારજનો પણ આ ગંદકીથી ત્રસ્ત છે. તેઓ સવાલ ઉઠાવી રહ્યા છે કે દર્દીઓ સર ટી હોસ્પિટલમાં સાજા થવા આવે છે કે વધુ બીમાર થવા? એક નાગરિકે જણાવ્યું કે, “મને ખબર નથી પડતી અહીંયા લોકો સારવાર લેવા માટે આવે છે કે બીમાર થવા માટે આવે છે. ભાવનગરના શાસકો અને અધિકારીઓના મેનેજમેન્ટના અભાવના કારણે જ્યાં જાઓ ત્યાં ગંદકીના થર જોવા મળે છે.”

આ ઉપરાંત, હોસ્પિટલમાંથી નીકળતા મેડિકલ વેસ્ટનો પણ યોગ્ય નિકાલ ન થતો હોવાની ફરિયાદો ઉઠી છે. વારંવારની રજૂઆતો છતાં આ સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવતું નથી. આના પરથી સવાલ થાય છે કે શું આ પાછળ કોઈની દાનત ખરાબ છે? હોસ્પિટલમાં સફાઈ માટે યોગ્ય વ્યવસ્થા કેમ નથી, મેડિકલ વેસ્ટનો રોજબરોજ નિકાલ કેમ થતો નથી, અને ભંગારમાં નાખેલા સામાનનો તાત્કાલિક નિકાલ કેમ કરવામાં આવતો નથી તેવા અનેક પ્રશ્નો ઉભા થયા છે. આટલું જ નહીં, હોસ્પિટલ પરિસરમાંથી દારૂની ખાલી બોટલો પણ મળી આવતા સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા થયા છે.

આ સમગ્ર મામલે, આઠ દિવસ પહેલા જ નિમણૂક પામેલા સુપ્રિટેન્ડેન્ટ કિન્નરી દેસાઈએ પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, હોસ્પિટલના સમગ્ર કેમ્પસમાં સફાઈ કામગીરી સતત ચાલુ હોય છે. સ્ટાફ વધુ ચોકસાઈ રાખે તે માટે સ્વચ્છતાની હરીફાઈ પણ કરવામાં આવે છે.

મેડિકલ વેસ્ટ અંગે તેમણે સ્પષ્ટતા કરી હતી કે, બાયોમેડિકલ વેસ્ટના નિકાલ માટે આઇએમએ (IMA) અને ભાવનગર મેડિકલ એસોસિએશનને કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. તેઓ નિયમિતપણે રોજ એક સમયે કચરો લઈ જાય છે, તેથી નિકાલ નિયમિત થાય છે. જો ક્યારેક કચરો સ્ટોરેજ કરવો પડે તો તેની માટે કલર કોડેડ અને કાયદાકીય નિયમો મુજબની સાઈટ બનાવવામાં આવી છે. દારૂની બોટલો અંગે તપાસ કરીને પગલાં લેવાની પણ તેમણે ખાતરી આપી હતી.

જોકે, સુપ્રિટેન્ડેન્ટના ખુલાસા છતાં હોસ્પિટલ પરિસરમાં જોવા મળતી વાસ્તવિકતા ચિંતાજનક છે. ભાવનગરની સર ટી હોસ્પિટલનું કેમ્પસ ભંગારના ગોડાઉન જેવું દેખાતું હોવાનું ટીવી9 ગુજરાતીના ગ્રાઉન્ડ રિપોર્ટમાં સામે આવ્યું છે. હવે જોવું રહ્યું કે આ હોસ્પિટલ ભંગારના ગોડાઉન જેવી સ્થિતિમાંથી બહાર આવીને ખરેખર દર્દીઓને અનુરૂપ વાતાવરણ પૂરું પાડી શકશે કે પછી દર્દીઓને ગંદકી અને રોગચાળાની ભીતિ વચ્ચે સારવાર લેવાનો વારો આવશે.

સુરતના વેસ્ટફિલ્ડ શોપિંગમાં ભીષણ આગ, ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન ખાખ, જુઓ Video

Follow Us
g clip-path="url(#clip0_868_265)">