કેચ ધ રેઈન અભિયાન સામે ભાજપના જ ધારાસભ્યે ઉઠાવ્યા સવાલો, બોર બનાવવાની કામગીરીમાં બેદરકારીનો આરોપ
સુરતમાં કેચ ધ રેઇન અભિયાન હેઠળ બનેલા વોટર હાર્વેસ્ટિંગ બોરવેલ વિવાદમાં છે. ભાજપના ધારાસભ્ય અરવિંદ રાણાએ 39માંથી 20થી વધુ બોર વરસાદી પાણી જમીનમાં ઉતારવામાં નિષ્ફળ હોવાનો આક્ષેપ કર્યો છે.
સુરતમાં ‘કેચ ધ રેઇન’ અભિયાન અંતર્ગત બનાવવામાં આવતી વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સામે ખુદ ભાજપના જ ધારાસભ્યએ સવાલો ઉઠાવ્યા છે. સુરત પૂર્વ વિધાનસભા બેઠકના ધારાસભ્ય અરવિંદ રાણાએ બોર બનાવવાની કામગીરીમાં મોટી બેદરકારીનો આક્ષેપ કરી આ મામલે સંકલન બેઠકમાં રજૂઆત કરી છે. તેમણે કહ્યું કે પૂર્વ વિધાનસભામાં વરસાદી પાણી ભરાતી 50 જગ્યા આઇડેન્ટીફાય કરી બોર કરવા માટે પાલિકા કમિશનરને લિસ્ટ આપવામાં આવ્યું હતું. જે પૈકી 39 જેટલી જગ્યા પર બોરનું કામ પૂર્ણ કરી ધારાસભ્યને સર્ટિફિકેટ પણ આપવામાં આવ્યું હતું.
પરંતુ જુલાઇમાં જ્યારે ભારે વરસાદ પડ્યો ત્યારે 39 પૈકી 20થી વધુ બોરમાં વરસાદી પાણી ન જતું હોવાનું ધારાસભ્યનું કહેવું છે. તેમણે આ મામલે અગાઉ પાલિકા કમિશનરને ફરિયાદ કરી હતી છતાં નિરાકરણ ન આવતા હવે મામલો કલેક્ટર સુધી પહોંચ્યો છે. ધારાસભ્યએ સમગ્ર મામલે તટસ્થ તપાસની માગણી કરી છે. સાથે જ જો કોઇ બેદરકાર હોય તો તેની સામે કાર્યવાહીની પણ માગ કરી છે. બીજી તરફ કલેક્ટરે સિંચાઇ અધિકારીને આ બાબતે તપાસ કરવાની સૂચના આપી છે.
