ડુંગળીની નિકાસને કેન્દ્ર સરકારે આપી લીલી ઝંડી, કોંગ્રેસે નિર્ણયને ગણાવ્યો દેખાડા સમાન, ડુંગળી પતી ગયા પછી હટાવાઈ નિકાસબંધી!
ડુંગળી પર કરાયેલ નિકાસબંધીનો પ્રતિબંધ સરકારે હટાવી લેતા નિકાસની છૂટ આપી છે. દેશમાં 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપવામાં આવી છે. અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરાયો છે. જો કે કોંગ્રેસે આ નિર્ણયને દેખાડા સમાન ગણાવતા કહ્યુ છે કે ડુંગળી પતી ગયા પછી આ નિર્ણયથી ખેડૂતોને કોઈ ફાયદો થશે નહી.
ડુંગળીના ખેડૂતો માટે આખરે રાહતના સમાચાર આવ્યા છે. લાંબા સમયથી ખેડૂતો ડુંગળીની નિકાસબંધી હટાવવાની માગ કરી રહ્યા છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ડુંગળીની નિકાસ પર લગાવાયેલો પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કરાયો છે. કેન્દ્ર સરકારે 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની મંજૂરી આપી છે. બાંગ્લાદેશમાં 50 હજાર મેટ્રિક ટન ડુંગળીની નિકાસ કરાશે. ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા સરકારે નિકાસ પર પ્રતિબંધ મુક્યો હતો અને આ પ્રતિબંધની ડેડલાઈન 31 માર્ચ 2024 સુધથીની હતી. જો કે સરકારે ડેડલાઈન પહેલા જ પ્રતિબંધ હટાવી લીધો છે.
નિકાસબંધીના આ નિર્ણયને કારણે ડુંગળી પકવતા ખેડૂતોની સ્થિતિ ભારે કફોડી બની હતી અને ભારે આર્થિક નુકસાની વેઠવાનો વારો આવ્યો. ખેડૂતોને પાણીના ભાવે ડુંગળી વેચવાનો વારો આવ્યો હતો. ખાસ કરીને અમરેલી, તળાજા, મહુવા અને ભાવનગરના ખેડૂતોને નિકાસબંધીને કારણે મરણતોલ ફટકા જેવી સ્થિતિ સર્જાઈ હતી. ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.
જો કે સવાલ એ પણ થાય કે સરકારે ડેડલાઈન પહેલા નિકાસ પરનો પ્રતિબંધ શા માટે હટાવી લીધો. જેના પાછળનું એક કારણ એ પણ છે કે ગુજરાત અને મહારાષ્ટ્ર એમ બંને રાજ્યોમાં ડુંગળીનો પૂરતો સ્ટોક છે અને એટલે જ સરકારે ડુંગળીની નિકાસ પરનો પ્રતિબંધ હટાવી લીધો છે.
નિકાસબંધી વહેલી હટાવી હોત તો ખેડૂતોને ફાયદો થાત- ખેડૂત
સરકારના આ નિર્ણય અંગે જ્યારે ભાવનગર જિલ્લાના ખેડૂત સાથે tv9ની ટીમે વાત કરી અને સરકારના નિર્ણયથી કેટલો ફાયદો થશે તે જાણવાનો પ્રયાસ કર્યો. ખેડૂતના જણાવ્યા મુજબ સરકારે પ્રતિબંધ થોડો વહેલો ઉઠાવ્યો હોત તો કંઈક ફાયદો થતો. હવે ખરીફ પાકનું જે ઉત્પાદન હતુ તે તો મોટાભાગનું પતી ગયુ છે. ત્યારે હાલ તો માત્ર આંશિક રાહત મળે. બાકી જે નુકસાની થવાની હતી તે તો થઈ જ ચુકી છે.
કોંગ્રેસે સરકારના નિર્ણયને ગણાવ્યો નર્યો દેખાડો
ગુજરાત કોંગ્રેસના મનહર પટેલે સરકારના નિર્ણયને ઘોડા છુટા ગયા બાદ તબેલાને તાળા સમાન ગણાવ્યો. તેમણે જણાવ્યુ કે ખરીફ પાક ટોટલી પતી ગયા પછી તમે 3 લાખ મેટ્રિક ટન નિકાસ કરવાનો નિર્ણય કરો છો તે ગાર લીંપણ કરવા જેવી બાબત છે. તેમણે કહ્યુ સરકારના ખોટા નિર્ણય અને ખોટી નીતિને કારણે ખેડૂતોને પારાવાર નુકસાન વેઠવુ પડ્યુ છે.
મનહર પટેલે વધુમાં જણાવ્યુ કે કોઈપણ ડુંગળીની આવરદા 15 દિવસની હોય છે. ડુંગળીની આવરદા વધારવા કિપીંગ ક્વોલિટી વિકસાવવા માટે દેશના ભાભા એટોનોમિક રિસર્ચ સેન્ટરે એક ટેકનોલોડી ડેવલપ કરી છે. આ ટેકનોલોજીનું અમલીકરણ કરવામાં આવે તો ડુંગળીની આવરદા 15 દિવસથી વધારીને 6 મહિના સુધીની કરી શકાય છે. આ ટેકનોલોજી ગુજરાતના અને દેશના દરેક ખેડૂતને આપવી જોઈએ. જો ડુંગળીના આવરદા વધશે તો ખેડૂતો ડુંગળીને રાખી શકશે, યોગ્ય પ્લેટફોર્મ પર સંગહ કરી શકશે. અને આવા ભાવ નબળા પડે ત્યારે ખેડૂતો તેના યોગ્ય ભાવ મેળવી શકશે. પરંતુ સરકાર આ માળખાને ડેવલપ કરવાના મતમાં જ નથી.
તેમણે જણાવ્યુ કે દેશમાં 318 લાખ મેટ્રિક ટનના ઉત્પાદન સામે 3 લાખની નિકાસની છૂટ આપી છે. ત્યારે બાકીના ઉત્પાદનનું શું તે સવાલ પણ કોંગ્રેસ કરી રહી છે. હાલ નિકાસ બંધી હટાવી છે પણ હાલ ખેડૂતો પાસે ડુંગળી જ બચી નથી અને હાલ નવી ડુંગળી છેલ્લા દોઢ મહિનામાં આવવાની નથી તો ખેડૂતો નિકાસ શેની કરશે.
આ પણ વાંચો: ભાજપના રાષ્ટ્રીય અધિવેશનમાં PM મોદીનો હુંકાર, “હવે તો વિપક્ષ પણ કહે છે NDA સરકાર 400 પાર” ડુંગળીના નિકાસ પર છુટ આપવાથી ડુંગળીના ભાવ ઉંચકાયા છે. જેનો સીધો ફાયદો ખેડૂતો અને વેપારીઓને થશે. પરંતુ આ ફાયદો કોને કેટલો થશે તે તો આગામી સમય જ કહેશે.
Input Credit- Ajit Gadhvi, Narendra Rathod