ભાવનગરમાં ડુંગળીની આવક વધતા ભાવ ગયા તળિયે, ખેડૂતોને પડતર કિંમત પણ ન મળતા મોટુ આર્થિક નુકસાન
ભાવનગરમાં ડુંગળીનો ભરપૂર પાક થવા છતાં ભાવ ઘટીને તળિયે ગયા છે અને ખેડૂતોને પડતર ભાવ પણ નથી મળી રહ્યા. મહુવા યાર્ડમાં ડુંગળીનો પુષ્કળ ભરાવો થતા હાલ પુરતી આવક બંધ કરાઈ છે. કેન્દ્ર સરકારે 20% એક્સપોર્ટ ડ્યુટી લાદતા નિકાસ અટકી છે. ખેડૂતો સરકાર પાસે ટેકાના ભાવ અથવા યોગ્ય ભાવ મળે તેવી માંગ કરી રહ્યા છે.
ગુજરાત રાજ્યમાં ડુંગળી નું ઉત્પાદન સૌથી વધારે ભાવનગર જિલ્લામાં થાય છે. ત્યારે આ વર્ષે પણ ડુંગળી નું મબલખ ઉત્પાદન આવશે તેવું લાગી રહ્યું છે. કારણકે ભાવનગર, તળાજા, મહુવા અને ગોંડલ સહિતના માર્કેટિંગ યાર્ડ માં ડુંગળીની ખુબજ મોટી આવક થઈ રહી છે વેચાણ માટે, મહુવામાં બે દિવસ પહેલા 3 લાખ ગુણીની આવક થતા આખરે મહુવા યાર્ડ ડુંગળીની આવક પર ટેમ્પરરી પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો, ત્યારે ખેડૂતો માટે સૌથી મોટી ચિંતાનો વિષય એ છે કે ડુંગળી ની આવક વધતાની સાથે જ આજે ડુંગળીના ભાવ માં ભારે ઘટાડો આવ્યો હતો, જેને લઈને ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી વેચનાર અનેક ખેડૂતો ભારે નિરાશ જોવા મળ્યા હતા, ત્યારે કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળી ના એક્સપોર્ટ પર 20 ટકા ડ્યુટી લેવાઈ રહી છે તે તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવે તેવી ખેડૂતો અને ડુંગળી ના વેપારીઓ દ્વારા માંગ કરાઈ છે. જેથી કરીને ખેડૂતોને ડુંગળીના ભાવ સારા મળી રહે.
ભાવનગર જિલ્લામાં ઉત્પાદન થતી ડુંગળીની ક્વોલિટી ખૂબ જ સારી હોય છે. જે રીતે મહારાષ્ટ્રની નાસિકની ડુંગળી વખણાય છે તે જ રીતે ખાવા માટે ભાવનગરની ડુંગળીની કવોલેટી ખૂબ સારી હોય છે અને એટલા માટે ભાવનગર જિલ્લામાં ખાસ કરીને મહુવા તળાજામાં ઉત્પાદન થતી ડુંગળીની માંગ અન્ય રાજ્યમાં પણ ખૂબ છે. હાલની જો વાત કરવામાં આવે તો ડુંગળીનો મબલખ પાક ધીરે ધીરે ઉત્પાદન થઈ રહ્યો છે અને ભાવનગર સહિત સૌરાષ્ટ્રના અનેક યારડો માં વેચાણ માટે આવી રહ્યો છે. 15 દિવસ પહેલાની જ વાત કરવામાં આવે તો ડુંગળીના ભાવ 20 કિલોના એટલે કે એક મણનો ભાવ 700 થી 800 રૂપિયા હતા જેને લઈને ખેડૂતોને બહુ મોટી આશા બંધાણી હતી કે આ વખતે ડુંગળીના ભાવ મળશે, પરંતુ ખેતરમાં જ્યારે ડુંગળી પડી હતી ત્યારે ભાવ 700 થી 800 હતા અને એ જ ડુંગળી ઉત્પાદન થઈને યાર્ડમાં વેચાણ માટે આવી ત્યારે ડુંગળીના ભાવ 250 રૂપિયા સુધી પહોંચી ગયા છે.
ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં આજે 35 થી 40 હજાર જેટલી ડુંગળીની આવક થવા પામેલ છે. અને આજની હરાજીમાં 150 થી 250 રૂપિયા વચ્ચે ડુંગળીની વેચાણ થવા પામેલ છે. હાલમાં ખેડૂતોને ડુંગળીનું ઉત્પાદન ખૂબ જ મોંઘુ થતું હોય બિયારણ, મજૂરી, ટ્રાન્સપોર્ટેશન, પેકિંગ બધો જ ખર્ચ મોંઘો પડતો હોય આવી સ્થિતિમાં 150 થી 250 રૂપિયા વચ્ચેના ભાવમાં ડુંગળી વેચીને ખેડૂતો કાયદેસર રીતે આર્થિક ફટકો પડી રહ્યો છે. અને ડુંગળી પકવીને ખેડૂતો જાણે પાયમલ થતા હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. ત્યારે ખેડૂતો સરકાર પાસે માંગ કરી રહ્યા છે કે કાં તો ટેકા ના ભાવ જાહેર કરવામાં આવે અને કાં તો ખેડૂતોને ડુંગળીના પોષણ ક્ષમભાવ મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે.
કેન્દ્ર સરકાર દ્વારા ડુંગળીના એક્સપોર્ટ પર 20 ટકા ડ્યુટી લાદવામાં આવેલ છે. ત્યારે ખેડૂતો અને વેપારીઓ દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા લખાયેલી આ ૨૦ ટકા ડ્યુટી તાત્કાલિક ધોરણે જો રદ કરવામાં આવે તો ખેડૂતોની આ ડુંગળી વધારે માત્રામાં એક્સપોર્ટ થઈ શકે તેવી સ્થિતિ છે. અને જો ડ્યુટી હટે તો મોટા પ્રમાણમાં ડુંગળી એક્સપોર્ટ થતા ખેડૂતોને ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. બીજી તરફ પાકિસ્તાનમાં પણ ડુંગળીનું ઉત્પાદન થયેલ હોવાને લઈને ત્યાંના ખેડૂતો પણ વિદેશમાં ડુંગળી એક્સપોર્ટ કરી રહ્યા છે પરંતુ ત્યાં ડ્યુટી ઝીરો છે જેને લઈને પાકિસ્તાન પણ આજુબાજુ ના દેશો માં ડુંગળી એક્સપોર્ટ કરી રહ્યું છે.
જ્યારે બાંગ્લાદેશમાં હાલમાં વણસેલ હોવાને લઈને બાંગ્લાદેશ તરફ ડુંગળી એક્સપોર્ટ કરવા પર પ્રતિબંધ હોવાને લઈને પણ ભાવમાં ઘટાડો આવ્યો હોવાનું વેપારીઓનું માનવું છે. અને આ સિવાય અન્ય રાજ્યોમાં પણ ડુંગળી ઉત્પાદન થતા ગુજરાતની ડુંગળીની માંગ ઘટવા પામેલ છે. ત્યારે સરકાર દ્વારા તાત્કાલિક ધોરણે 20 એક્સપોર્ટ ડ્યુટી હટાવીને ખેડૂતોની ડુંગળી અન્ય દેશોમાં હાલમાં એક્સપોર્ટ થવાની શક્યતાઓને લઈને એક્સપોર્ટ કરવામાં આવે તો ખેડૂતોને પુરા ભાવ મળવાની શક્યતાઓ રહેલી છે. હાલ તો ખેડૂતો જો અને તો ની રાહ જોઈ રહ્યા છે અને ના છુટકે 150 થી 250 રૂપિયા વચ્ચે પોતાની ડુંગળી વેચાણ કરીને પાયમલ થયા હોવાનું મનોમન સમજી રહ્યા છે.