રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે ત્રીજો દિવસ છે. આજનો દિવસ I.N.D.I.A ગઠબંધન માટે પણ ખાસ રહ્યો. ભરૂચ લોકસભા બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા પણ રાહુલ ગાંધી સાથે જોવા મળ્યા. આ દરમિયાન રાહુલ ગાંધીએ અનેક મુદ્દાઓ પર વાત કરી. જેમા ખાસ કરીને તેમનુ ફોક્સ આદિવાસીઓ રહ્યા. રાહુલ ગાંધીએ નિવેદન આપ્યુ કે દેશની 200 મોટી કંપનીના માલિકોની લિસ્ટમાં કેમ એકપણ આદિવાસી વ્યક્તિ નથી. રાહુલે કાસ્ટ સેન્સસનો મુદ્દો પણ ઉઠાવ્યો. રાહુલ ગાંધીએ જણાવ્યુ કે આદિવાસીઓને તેમની વસ્તી મુજબની હિસ્સેદારી મળવી જોઈએ. સૌથી વધુ વસ્તી હોવા છતા પછાત વર્ગના લોકોની ભાગીદારી નથી.
ગુજરાતમાં રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાના પ્રથમ દિવસથી જ તેઓ જાતિગત જનગણનાનો મુદ્દો ઉઠાવી રહ્યા છે. એ સિવાય બેરોજગારી અને મોંઘવારી જેવા મુદ્દાઓ પર પણ તેઓ બોલી રહ્યા છે. પરંતુ કાસ્ટ સેન્સસના મુદ્દે રાહુલ ગાંધી વધુ મજબુતાઈથી તેમની વાત રાખી રહ્યા છે. ન માત્ર ગુજરાત, આ અગાઉ મણિપુર હોય, અસમ, બંગાળ, યુપી, બિહાર, એમપીમાં પણ તેઓ આ મુદ્દા પર ફોક્સ કરતા જોવા મળ્યા હતા
આજની યાત્રા દરમિયાન પણ રાહુલ ગાંધીએ આદિવાસીઓના પ્રશ્નો મુદ્દે વાતો કરી. નેત્રંગની આજની સભામાં ખાસ વાત એ પણ જોવા મળી કે આપના ઉમેદવાર ચૈતર વસાવાના હાથમાં કોંગ્રેસનો ઝંડો જોવા મળ્યો. આ સમયે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ સાથે મળી આદિવાસીઓનું પરંપરાગત નૃત્ય કરતા પણ જોવા મળ્યા હતા. ચૈતર વસાવાએ પણ તેમની સાથે તાલ મિલાવતા જોવા મળ્યા હતા. રાહુલની યાત્રા નેત્રંગમાંથી નીકળી એ સમયે ચૈતર વસાવા રાહુલની કારમાં સાથે જોડાયા હતા. આ તકે કોંગ્રેસ અને આપ સાથે મળીને ચૂંટણી લડશે અને જીતશે તેવો આત્મવિશ્વાસ પણ ચૈતર વસાવાએ વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: લોકસભા ચૂંટણી પહેલા એક્શન મોડમાં આવ્યા પરશોત્તમ રૂપાલા, રાજકોટ જનસંઘના ભાજપના નેતાઓ સાથે કરી મુલાકાત
જો કે ભરૂચ લોકસભા બેઠક એટલે કોંગ્રેસના એકસમયના દિગ્ગજ નેતા અહેમદ પટેલનો મતવિસ્તાર ગણાય છે. પરંતુ રાહુલ ગાંધીની ન્યાય યાત્રા જ્યારે નેત્રંગમાંથી પસાર થઈ ત્યારે અહેમદ પટેલના પુત્ર ફૈસલ અને પુત્રી મુમતાઝની ગેરહાજરી ઉડીને આંખે વળગી હતી. અહેમદ પટેલના પરિવારે રાહુલની આ ન્યાય યાત્રાથી કિનારો કર્યો હોય તેવુ સ્પષ્ટ ચિત્ર ઉપસી આવ્યુ છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 9:22 pm, Sat, 9 March 24