Breaking News : ભરૂચમાં ટોળા વચ્ચે તલવાર લહેરાવી ભય ફેલાવનાર સામે પોલીસની લાલ આંખ, વાયરલ વીડિયોના આધારે ગુનો દાખલ કરી ધરપકડ કરાઈ
ભરૂચ : શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં જાહેરમાં તલવાર બતાવી ભય ફેલાવનાર શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેરમાં હથિયાર સાથે ફરી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર શખ્સ સામે ભરૂચ શહેર બી ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ : શહેરના મોટા ડભોયાવાડ વિસ્તારમાં જાહેરમાં તલવાર બતાવી ભય ફેલાવનાર શખ્સનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે. જાહેરમાં હથિયાર સાથે ફરી કાયદો અને વ્યવસ્થાને પડકાર ફેંકનાર શખ્સ સામે ભરૂચ શહેર બી ડિવિઝનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

વાયરલ વીડિયોના આધારે તપાસ શરૂ કરાઈ હતી
તાજેતરમાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વીડિયો ઝડપથી વાયરલ થયો હતો. વીડિયોમાં એક વ્યક્તિ લોકોના ટોળા વચ્ચે ખુલ્લી તલવાર સાથે દેખાઈ રહ્યો હતો. જાહેરમાં તલવાર સાથે દેખાતા આ વ્યક્તિના કારણે સ્થાનિકોમાં પણ ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની ગંભીરતા ધ્યાનમાં લઈ ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર કે.એલ. પટણીએ સમગ્ર મામલે ગુનો દાખલ કરી તપાસ શરૂ કરાવી હતી.
પોલીસે વાયરલ વીડિયોના આધારે ટેક્નિકલ અને ફિલ્ડ તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન તલવાર સાથે દેખાતો ઇસમ મલબારી દરવાજા વિસ્તારમાં રહેતો મોહંમદહુસેન મિયાએહમદ પટવા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે તેને ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લાવી પૂછપરછ હાથ ધરી હતી. પૂછપરછ દરમિયાન આરોપીએ વાયરલ વીડિયોમાં દેખાતો વ્યક્તિ પોતે જ હોવાનું સ્વીકારી લીધું હતું. ત્યારબાદ પોલીસે આરોપીની સત્તાવાર ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી હતી. ઘટનાને લઈને સ્થાનિક વિસ્તારમાં પણ ભારે ચર્ચા જાગી છે.

પોલીસે તલવાર કબજે કરી
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે ગત 30 મે, 2026ના રોજ રાત્રે આશરે સાડા આઠ વાગ્યે મોટા ડભોયાવાડ વિસ્તારમાં કેટલાક લોકો વચ્ચે અંદરોઅંદર ઝઘડો થયો હતો. આ દરમિયાન આરોપી ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાના ઘરેથી તલવાર લઈને ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ત્યારબાદ તેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પોલીસે આરોપી પાસેથી અંદાજે બે ફૂટ લાંબી તલવાર કબજે કરી છે. લોખંડની ગ્રીપ અને મખમલના કવરવાળી આ તલવારનો ઉપયોગ જાહેરમાં કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે તલવાર સહિતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધાયો
ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું અમલમાં છે. તેમ છતાં આરોપીએ જાહેરમાં તલવાર સાથે ફરી આ જાહેરનામાનો ભંગ કર્યો હોવાનું સામે આવ્યું છે. હેડ કોન્સ્ટેબલ જશવંતભાઈ બાબુભાઈએ આરોપી વિરુદ્ધ ગુજરાત પોલીસ એક્ટની કલમ 135 હેઠળ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસનો કડક સંદેશ
આ કાર્યવાહી દ્વારા પોલીસે સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે જાહેરમાં હથિયારો સાથે ધાક જમાવવાનો કે ભય ફેલાવવાનો પ્રયાસ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. વાયરલ વીડિયોના આધારે ઝડપથી કાર્યવાહી કરી પોલીસે કાયદો અને વ્યવસ્થાની જાળવણી માટે પોતાની પ્રતિબદ્ધતા ફરી એકવાર સાબિત કરી છે.
