ભરૂચમાં જળસંકટના ભણકારા, પાણીકાપ ઝીંકી સમસ્યા સામે લાંબો સમય લડવા પાલિકાનો પ્રયાસ
પાલિકાએ પાણીકાપની જાહેરાત કરી છે.આજે ૦૫/૦૧/૨૦૨૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં બે વારના સ્થાને એકજ સમય પાણી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપુર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા અપીલ પણ કરાઈ છે.
ભર ઉનાળે પાણીનો કકળાટ સામાન્ય બાબત છે પણ ભરૂચમાં ભર શિયાળે પાણીનો કકળાટ શરૂ થયો છે. ભરૂચ શહેરમાં પાણીની સમસ્યામોં તંત્ર સામે પડકાર ઉભો થયો છે. આગામી 10 દિવસમાં સમસ્યા હલ ન થાય તો ભરૂચમાં જળસંકટ મોટી સમસ્યા તરીકે સામે આવે તો નવાઈ નહિ. ભરૂચ શહેરને મળતો પાણી પુરવઠો અટકી જવાના કારણે હવે પાલિકા રિઝર્વ સ્ટોક ઉપર નિર્ભર છે. સમસ્યા સામે લાંબો સમય લડવા માટે પાણીકાપ ઝીકવામાં આવ્યો છે.આ ઉપરાંત ભરૂચવાસીઓને ભરૂચ નગરપાલિકા દ્વારા શક્ય તેટલો પાણીનો વ્યય અટકાવવા અપીલ કરી છે.
\
નગરને પાણી પૂરું પાડતી કેનાલમાં ગાબડું પડ્યું
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ વર્ષ 2023ના પ્રથમ દિવસેજ ભરૂચ નગરને પાણી પૂરું પાડતી અમલેશ્વર બ્રાન્ચ કેનાલમાં કવિઠા નજીક ગાબડું પડ્યું હતું. નહેરમાં ભંગાણથી આસપાસના ગામના 300 એકર વિસ્તારમાં નહેરના પાણી ફરી વળ્યાં હતા.નહેરના પાણીએ ઘઉં, કપાસ, શેરડી, તુવેર, મગ, મઠ, દિવેલા, મઠના વાવેતર ખેતર પાણીમાં ગરકાવ કરી નાખ્યા છે. ખેતરો પાણીમાં ગરક થઇ જતા ભરૂચ જિલ્લા ખેડૂત સમાજ પ્રમુખ મહેન્દ્ર કરમરીયાએ આગેવાનો સાથે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ ચિતાર મેળવ્યો હતો. નહેર વિભાગના કર્મચારીઓ પણ સર્વે અને સમારકામ હાથ ધરવા સ્થળ ઉપર દોડી ગયા હતા. ખેડૂત સમાજ દ્વારા જિલ્લા વહીવટી તંત્રને નુકસાની અંગે રજુઆત કરી આવેદન આપવા માંગ કરી રહ્યું છે.બીજી તરફ આ નહેરનું ભંગાણ ભરૂચના નગરજનોને ભર શિયાળે તરસ્યા બનાવે તેવી નોબત ઉભી થઈ છે. અમલેશ્વર કેનાલમાંથી ભરૂચના માતરિયા તળાવમાં નર્મદાના નીર આવે છે.
પાણીકાપ ઝીકાયો
આ પાણી અયોધ્યાના ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે ફિલ્ટર કરી પાઇપલાઇન નેટવર્ક, સમ્પ, ટાંકીઓ થકી શહેરની પોણા બે લાખ પ્રજાને બે વાર પીવા અને વપરાશ માટે પુરવઠો અપાય છે.નહેરમાં ગાબડાંને લઈ માતરિયા તળાવમાં પાણી પુરવઠો મળતો બંધ થયો છે. માતરિયા તળાવમાં હવે ભરૂચને 9 થી 10 દિવસ અચાલે તેટલું જ પાણી છે. શહેરને રોજ 40 MLD પાણી અપાય છે. માતરિયામાં હાલ સ્ટોરેજ 300 થી 350 MLD જેટલું સ્ટોરેજ છે. જો થોડા દિવસમાં નહેરનું ગાબડું રીપેર ન થયું તો શહેરને જળસંકટનો સામનો કરવો પડશે. પાલિકાએ પાણીકાપની જાહેરાત કરી છે.આજે ૦૫/૦૧/૨૦૨૩ થી કેનાલ રિપેરીંગ પુર્ણ થયા સુધી ભરૂચ શહેરના તમામ વિસ્તારોમાં દિવસમાં બે વારના સ્થાને એકજ સમય પાણી આપવામાં આવશે. આ સમયગાળા દરમિયાન શહેરીજનોને પાણી કરકસરપુર્વક વાપરવા તેમજ પાણીનો સંગ્રહ કરવા અપીલ પણ કરાઈ છે.