Breaking News : બનાસકાંઠા કલેક્ટર કચેરીને મળી RDX વિસ્ફોટથી ઉડાવવાની ધમકી, જુઓ Video
બનાસકાંઠા કલેક્ટર કચેરીને ઈમેલ દ્વારા બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા ભારે ખળભળાટ મચી ગયો છે. કચેરીના અલગ-અલગ સ્થળોએ 6 બોમ્બ હોવાનો ઉલ્લેખ હતો.

બનાસકાંઠા જિલ્લામાં આજે કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ગંભીર ધમકી મળતા તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. કલેક્ટર કચેરીના અધિકારીક ઈમેલ પર એક ધમકીભર્યો સંદેશ મળ્યો હતો, જેમાં કચેરીના અલગ-અલગ સ્થળોએ કુલ 6 બોમ્બ ગોઠવ્યા હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો.
ધમકી મળતાની સાથે જ પોલીસ અને પ્રશાસન તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. DySP સહિતનો વિશાળ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને સમગ્ર કલેક્ટર કચેરી પરિસરમાં સુરક્ષા વ્યવસ્થા કડક બનાવવામાં આવી હતી.
સુરક્ષાના ભાગરૂપે બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની મદદથી સઘન તપાસ શરૂ કરવામાં આવી હતી. સંભવિત જોખમને ધ્યાનમાં રાખીને કલેક્ટર કચેરીને તાત્કાલિક ખાલી કરાવવામાં આવી હતી. સાથે જ જનસેવા કેન્દ્ર, મામલતદાર કચેરી અને પ્રાંત કચેરીને પણ ખાલી કરાવી દેવામાં આવી હતી.
કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસે કચેરીના આસપાસના વિસ્તારમાં નાકાબંધી કરી હતી અને કચેરીની અંદર આવા પર મનાઈ ફર્મવવામાં આવી છે. હાલ ઈમેલ ક્યાંથી અને કોણે મોકલ્યો તેની તપાસ શરૂ કરવામાં આવી છે, જ્યારે સુરક્ષા એજન્સીઓ પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે.
ગતરોજ ગાંધીનગર કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવવાની ધમકી મળતા તંત્રમાં હડકંપ મચી ગયો હતો. કલેક્ટર કચેરીને બોમ્બ અંગેનો ધમકીભર્યો ઈમેઈલ મળતા જ સુરક્ષાના કારણોસર તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.
બોમ્બ હોવાની અફવા ફેલાતા જ ગાંધીનગર કલેક્ટર કચેરીને ખાલી કરાવવામાં આવી હતી. કચેરીમાં હાજર અધિકારીઓ અને કર્મચારીઓને તાત્કાલિક બહાર નીકળવાની સૂચના આપવામાં આવી હતી, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને.
ધમકી મળ્યા બાદ પોલીસ અને પ્રશાસન દ્વારા સુરક્ષા વ્યવસ્થા કડક કરવામાં આવી હતી અને સમગ્ર પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ ઈમેઈલ ક્યાંથી મોકલાયો અને કોણે મોકલ્યો તેની તપાસ ચાલુ છે.