Aravalli: મોડાસા SOG ટીમ પર હુમલો, હથિયાર પરવાના ચેક કરવાની કાર્યવાહી દરમિયાન એટેક કર્યો, 2 આરોપી ઝડપાયા
Attack on Modasa SOG: મેઘરજમાં હથિયાર પરવાના માટે ગયેલ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ પર હથિયાર લાયસન્સ ધરાવતા શખ્શ અને તેના પરિવારે હુમલો કરી દીધો હતો.
અરવલ્લી SOG ટીમ પર મેઘરજ તાલુકામાં હુમલાની ઘટના સામે આવી છે. અરવલ્લી પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ હથિયાર પરવાનાની તપાસ કરવા માટે મેઘરજ તાલુકાના ભૂવાલ ગામે પહોંચી હતી. જ્યાં પરવાના ચેક કરવા પહોંચેલી ટીમ પર હુમલો કરવાવામાં આવ્યો હતો. 2 મહિલાઓ સહિત 4 જણાએ પાંચ જેટલા પોલીસ કર્મીઓની ટીમ પર હુમલો કરી દીધો હતો. ઘટના બાદ મેઘરજ પોલીસે ફરીયાદ નોંધી આરોપીઓની ધરપકડ કરી છે.
જિલ્લામાં બેફામ બનેલા ગુનેગારો પર અંકુશ મેળવવા માટે પોલીસે રાત દીવસ એક કરી દીધો છે અને અસામાજીક તત્વો પર લાલ આંખ કરી છે. જોકે અરવલ્લીમાં ગુનેગારો પોલીસ પર પણ હુમલો કરતા ખચકાઈ રહ્યા નથી. આવો જ અનુભવ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપના 5 પોલીસ કર્મીઓને થયો હતો.
હથિયાર પરવાના ચેક કરવા જતા હુમલો કર્યો
સરદહી જિલ્લો હોવાને લઈ ગેરકાયદેસર હથિયાર હોવાના અંગે સાવચેતી રાખવી જરુરી છે. ગેરકાયદેસર હથિયારની હેરફેર ના થાય એ માટે પણ ચાંપતી નજર અને કાર્યવાહી જરુરી છે. આવી જ રીતે SOG ટીમના જયેશ લાલાભાઈ, દિલીપ રામાભાઈ, દિગ્વિજયસિંહ શેતાનસિંહ. પ્રફુલકુમાર વિરમભાઈ અને ભરતકુમાર ચંપકલાલનાઓ મેઘરજ તાલુકાના ભૂવાલ ગામે હથીયાર પરવાના અંગેના ચેકિંગ કરવા માટેની કાર્યવાહી માટે પહોંચ્યા હતા. આ દરમિયાન ટીમ પર હુમલો થયો હતો.
પોલીસની ટીમ તપાસ માટે હથિયાર પરવાનો ધરાવતા અમીનખાન હજૂરખાન પઠાણના ઘરે પહોંચી હતી. જ્યાં ટીમના માણસોએ પોતાની ઓળખ આપતા જ આરોપી શખ્શ ઉકળી ઉઠ્યો હતો. ટીમ દ્વારા હથિયાર પરવાનાનુ ચેકિંગ કરવાનુ બતાવ્યુ હતુ અને જેને લઈ આરોપીએ ગાળો આપવાનુ શરુ કર્યુ હતુ. તેના ઘરમાં હાજર અન્ય શખ્શો અને મહિલાઓએ પણ પોલીસ સાથે ઘર્ષણ કર્યુ હતુ. આ દરમિયાન શાહબાઝ ખાને પોલીસ હેડ કોન્સ્ટેબલ દીલીપભાઈની ફેંટ પકડી લઈને અહીં કેમ આવ્યા છો અને પોલીસ વાળા છો તો શુ થઈ ગયુ કહીને ઘર્ષણ સર્જયુ હતુ. જ્યારે શાહબાઝે લાકડાના હાથાવાળી ખોડી લઈને જયેશભાઈ પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અન્ય પોલીસે તેમને બચાવી લીધા હતા.
પોલીસે ઝડપ્યા આરોપી
આ દરમિયાન આરોપી શાહબાઝને પોલીસે પકડીને સરકારી જીપમાં બેસાડતા જ અન્ય આરોપીઓ અને મહિલાઓ હાથમાં લાકડી લઈને અને પથ્થર છુટા મારીને હુમલો કર્યો હતો. તેમજ પોલીસના કર્મીઓને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને હુમલો કરી સરકારી કામકાજમાં રુકાવટ કરતા મેઘરજ પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. આ દરમિયાન મેઘરજ પોલીસે ચાર પૈકી બે આરોપી શખ્શોની ધરપકડ કરી લીધી છે અને બે મહિલા આરોપીઓને ઝડપી લેવા માટે શોધખોળ શરુ કરી છે.
આ પણ વાંચોઃ Rinku Singh, IPL 2023: અમદાવાદના 5 છગ્ગા ફટાકરવા શુ કર્યુ હતુ? અંતિમ બોલ પર ચોગ્ગો ફટકાર્યા બાદ રિંકૂ સિંહે બતાવ્યુ ‘રાઝ’
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
સાબરકાંઠા, હિંમતનગર તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…