અમૂલ ડેરીએ દૂધના ખરીદ ભાવમાં કર્યો રુ. 20નો વધારો, આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા પશુપાલકોને થશે ફાયદો
આણંદની (Anand) અમૂલ ડેરી દ્વારા આજથી દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે.

આણંદ જિલ્લાની અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ આપવામાં આવી છે. અમૂલ ડેરી સાથે સંકળાયેલા પશુપાલકો માટે ખુશ ખબર છે. અમૂલે ડેરીએ ફરી દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે અમૂલ ડેરીએ રૂપિયા 20નો વધારો કર્યો છે. જેથી હવે ભેંસના દૂધનો ભાવ પ્રતિકિલો ફેટના 780 રુપિયા થયો છે. આ ભાવ વધારો આજથી એટલે કે 1 જાન્યુઆરી 2023થી અમલમાં આવ્યો છે. આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા પશુપાલકોને ફાયદો થશે.
અમૂલ ડેરી દ્વારા પશુપાલકોને નવા વર્ષની ભેટ
આણંદની અમૂલ ડેરી દ્વારા આજથી દૂધની ખરીદીમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવામાં આવ્યો છે. આ નિર્ણયને લીધે અમૂલ ડેરી સાથે સંકડાયેલ આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લાના 7 લાખથી વધુ પશુપાલકોને ફાયદો થશે. આ વર્ષે લીલા-સૂકા ઘાસચારામાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઉભી થયેલી છે. જેને ધ્યાનમાં લઈ અમૂલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે રૂપિયા 20નો વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
પ્રતિકિલો ફેટે રૂપિયા 90નો વધારો
અમૂલ ડેરી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ ભેંસના દૂધના 1.24થી 1.44 રૂપિયા પ્રતિ લિટર તેમજ ગાય દૂધમાં 0.85 થી 0.91 રૂપિયા પ્રતિ લિટરનો વધારો થયેલો છે. આમ છેલ્લા એક વર્ષ દરમ્યાન અમૂલ ડેરી દ્વારા દૂધ ઉત્પાદકોને ચૂક્વવામાં આવતા દૂધના ખરીદ ભાવમાં 13% જેટલો અટલે કે પ્રતિકિલો ફેટે રૂપિયા 90નો વધારો કરવામાં આવ્યો છે.
અગાઉ ઓગસ્ટ માસમાં કર્યો હતો ખરીદ ભાવમાં વધારો
આ પહેલા ઓગસ્ટ મહિનામાં પશુપાલકો માટે અમૂલે ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો હતો. ઓગસ્ટ મહિનામાં પણ ભેંસના દૂધના ભાવમાં પ્રતિ કિલો ફેટે અમૂલ ડેરીએ રૂપિયા 20નો વધારો કર્યો હતો. જેથી હવે ભેંસના દૂધનો ભાવ પ્રતિકિલો ફેટના 760 થયો હતો. જ્યારે ગાયના દૂધના પ્રતિ લિટરે 50 પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો..આ ભાવ વધારો આગામી 21 ઓગસ્ટથી અમલમાં આવ્યો હતો. આ નિર્ણયથી આણંદ, ખેડા અને મહીસાગર જિલ્લા પશુપાલકોને ફાયદો થયો.
(વિથ ઇનપુટ-ધર્મેન્દ્ર કપાસી, આણંદ)