AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, બે કર્મચારીઓ ઘાયલ, જુઓ Video

અમરેલીના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામ પાસે બીમાર સિંહના રેસ્ક્યુ દરમિયાન વન વિભાગની ટીમ પર હુમલો થયો. આ હુમલામાં ફોરેસ્ટર એમ.જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગડિયા ગંભીર રીતે ઘાયલ થયા.

Breaking News : અમરેલીમાં બીમાર સિંહને બચાવવા ગયેલી વન વિભાગની ટીમ પર હુમલો, બે કર્મચારીઓ ઘાયલ, જુઓ Video
| Updated on: Sep 27, 2026 | 12:13 PM
Share

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના નવી બારપટોળી ગામની સીમમાં એક બીમાર સિંહને બચાવવાના પ્રયાસ દરમિયાન વન વિભાગના કર્મચારીઓ પર સિંહે જીવલેણ હુમલો કર્યો હતો. આ ઘટનામાં વન વિભાગના બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને ચિંતાનો માહોલ છવાયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નવ વર્ષથી વધુ ઉંમરના એક બીમાર નર સિંહ અંગે વન વિભાગને માહિતી મળી હતી. આ સિંહ ઈજાગ્રસ્ત અને અશક્ત હોવાથી તેને રેસ્ક્યુ કરવા અને સ્કેનિંગ કરવા માટે વન વિભાગની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન અચાનક સિંહે ફોરેસ્ટર એમ.જે. ખાવડિયા અને ટ્રેકર ભરત જોગડિયા પર હુમલો કર્યો હતો. આ હુમલામાં બંને કર્મચારીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તાત્કાલિક તેમને સારવાર માટે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. વન વિભાગના અધિકારી ચિરાગ અમીન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે હાલ બંને કર્મચારીઓની તબિયત સ્થિર છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ઘટનાની ગંભીરતાને પગલે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ, જેમાં ક્ષેત્રુંજી ડીસીએફ, એસીએફ અને ગીર પૂર્વ એસીએફનો સમાવેશ થાય છે, તેઓ તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. સિંહના હુમલા બાદ તે સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. તેને શોધવા માટે વન વિભાગે રાજુલા અને જાફરાબાદ સહિતના વિસ્તારોમાં મધરાત્રીથી વહેલી સવાર સુધી મેગા સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

વન વિભાગના અધિકારીઓ દ્વારા સિંહનું લોકેશન મેળવવા માટે સઘન પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. સિંહને પકડવા માટે રીંગ પાંજરા સહિતના અલગ અલગ પાંજરા ગોઠવવામાં આવ્યા છે. આસપાસના વાડી વિસ્તારમાં અને ગાઢ જંગલ જેવા વિસ્તારોમાં સતત સ્કેનિંગ અને મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જોકે, રાતનો સમય અને આસપાસનો ગીચ વિસ્તાર હોવાથી સિંહનું ચોક્કસ લોકેશન મેળવવામાં મુશ્કેલી પડી રહી છે. વન વિભાગની ટીમો દિવસ-રાત ખડે પગે રહીને સિંહને ઝડપથી પકડવા માટે કાર્યરત છે.

સ્થાનિકોમાં આ ઘટનાને કારણે સિંહના અન્ય લોકો પર હુમલો કરવાના ભયને કારણે ચિંતાનો માહોલ છે. જંગલ આસપાસના ગામડાઓમાં અવારનવાર સિંહ આવી ચડતા હોય છે, પરંતુ બીમાર સિંહની સારવાર કરવા જતાં વનકર્મીઓ પર જ હુમલો થવાની આ ઘટનાએ સૌને આશ્ચર્યચકિત કર્યા છે. વન વિભાગના વેટનરી ઓફિસર્સ ટ્રેન્ક્યુલાઈઝર ગન અને ટ્રેકરની ટીમ સાથે સ્થળ પર હાજર છે અને ઝડપથી સિંહને રેસ્ક્યુ કરવાની કામગીરી ચાલી રહી છે. ટીવી9 અમરેલીના જયદેવ કાઠી દ્વારા આ ઘટનાની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વન વિભાગના અધિકારીઓએ ખાતરી આપી છે કે સિંહને સુરક્ષિત રીતે પકડી પાડીને પરિસ્થિતિને કાબૂમાં લેવામાં આવશે.

CEOના નકલી અવાજથી આવ્યો AI કોલ, બેંક ચેરમેને ટ્રાન્સફર કર્યા ₹1,034 કરોડ ! જાણો આખો ફ્રોડ

Follow Us
g clip-path="url(#clip0_868_265)">