Amreli: ધારીના જીરા ગામમાં ત્રણ વર્ષની બાળકીને દીપડો ખેંચી ગયો, બાળકીનું મોત
ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ આપ્યા બાદ વનવિભાગ (Forest Department) દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.

અમરેલી (Amreli) જિલ્લામાં વન્યપ્રાણીઓ હવે હિંસક બની રહ્યા છે. જિલ્લામાં વન્યપ્રાણીના હુમલાની ઘટનાઓ સતત વધી રહી છે. સૌથી વધુ દીપડાના (Leopard) કારણે લોકો ફફડી રહ્યા છે. રાત્રે બે વાગ્યાના આસપાસ ધારીના જીરા ગામના રહેણાંક વિસ્તારમાં દીપડો ઘુસી ગયો હતો અને 3 વર્ષીય બાળકી ચન્દ્રીકા ચારોલાને ઉઠાવી ગયો હતો. દીપડો બાળકીને દૂર દૂર સુધી ઢસડી લઈ ગયો હતો. જોકે બાળકીએ બૂમો પાડતા દીપડો બાળકીને ખેતી વાડી વિસ્તારમાં જ મૂકીને નાસી છૂટ્યો હતો. જો કે દીપડાએ બાળકી પર હુમલો (Attack) કરતા બાળકીનું મોત નીપજ્યુ હતુ. જે પછી ગ્રામજનોએ વનવિભાગને (Forest Department) જાણ કરતા વનવિભાગની ટીમ ગામમાં પહોંચી હતી અને તપાસ શરૂ કરી હતી. તો બીજી તરફ બાળકીના મૃતદેહને પી.એમ. માટે ધારી હોસ્પિટલ ખસેડાયો છે.
#Amreli : Leopard mauled kid to death in Dhari #Gujarat #TV9News pic.twitter.com/yTxf0e19Ev
— Tv9 Gujarati (@tv9gujarati) July 31, 2022
દીપડાને પકડવા DCFએ આદેશ આપ્યા
ધારી ગીર પૂર્વ ડીવીઝનના ડી.સી.એફ. રાજદીપ સિંહ ઝાલાએ દીપડો તાકીદે પાંજરે પૂરવા આદેશ આપ્યા બાદ વનવિભાગ દ્વારા ગામમાં 4 જેટલા પાંજરા ગોઠવી દેવાયા છે. વનવિભાગની ટીમ દ્વારા દીપડાનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે અને બપોર બાદ વધુ પાંજરા ગોઠવી રાત્રિના દીપડાને ઓપરેશન હાથ ધરી પાંજરે પૂરવા માટેની તૈયારી શરુ કરી દેવાઇ છે.
સમગ્ર મામલે DCF રાજદીપ સિંહ ઝાલાએ ટીવી નાઇન ડિજિટલને જણાવ્યુ હતુ કે, ”આ ઘટના રાત્રે બે વાગ્યાની આસપાસ ઘટી હતી. હાલ 4 પાંજરા ગોઠવી દેવામાં આવ્યા છે. વધુ પાંજરા બપોર બાદ ગોઠવાશે દીપડાને પાંજરે પૂરવા સૂચના આપી દેવાઇ છે. હાલ કાર્યવાહી ચાલુ છે.”
સતત હુમલાની ઘટનાના પગલે વનવિભાગ ચિંતિત
તાજેતરમાં જ સાવરકુંડલા તાલુકાના જાબાળ ગામમાં દીપડાએ એક મહિલાનો શિકાર કરતા તેનું મોત થયું હતું. ત્યારબાદ ધારીના ડાભાળી જીરા વચ્ચે સિમ વિસ્તારમાં દીપડાએ એક બાળકીને ઉઠાવી તેનો શિકાર કર્યો હતો. ત્યારબાદ જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામમાં સિંહણ દ્વારા 6 વ્યક્તિ ઉપર હુમલાની ઘટના બની હતી. છેલ્લે ખાંભાના નાનીધારી ગામમાં સિંહે એક ખેતમજૂર પર હુમલો કરતા તેનું મોત થયું હતું. આમ છેલ્લા એકથી સવા મહિના સુધીમાં સતત વન્યપ્રાણીના હુમલાની ઘટના વધી રહી છે.
(વીથ ઇનપુટ-જયદેવ કાઠી, રાજુલા, અમરેલી)