મુખ્યમંત્રીની હાજરીમાં અમદાવાદ રિવરફ્રન્ટ પર યોગ શિબિર યોજાઈ, 15 હજારથી વધુ લોકોએ આપી હાજરી
અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં 'સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત' અભિયાન અંતર્ગત યોગ શિબિર યોજાઈ હતી. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ - 2025ની ઉજવણીના ભાગરૂપે આયોજિત યોગ શિબિરમાં 15 હજારથી વધુ શહેરીજનોએ હાજરી આપી હતી.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ – 2025ની ઉજવણીના ભાગરૂપે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તથા જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત નિ:શુલ્ક ‘યોગ શિબિર – કોમન યોગ પ્રોટોકોલ પ્રશિક્ષણ’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ યોગ શિબિરમાં વહેલી સવારે ખુશનુમા માહોલમાં 15 હજારથી વધુ શહેરીજનો આ યોગ શિબિરમાં ભાગ લીધો હતો અને તેના સાક્ષી બન્યા હતા. આ યોગ શિબિરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત સર્વે મહાનુભાવોએ પણ યોગાભ્યાસ કર્યો હતો.
યોગ શિબિરનું આયોજન
આ પ્રસંગે યુવા, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ તથા ગૃહ વિભાગના રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાન અંતર્ગત યોગ શિબિરનું આયોજન થયું છે. આ અભિયાન અંતર્ગત આ વર્ષે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ પર ગુજરાતના તમામ જિલ્લાઓ એક નવો ઇતિહાસ બનાવવા તરફ આગળ વધી રહ્યા છે.
તેમણે વધુમાં ઉમેર્યું કે, યોગ એ ભારતીય સંસ્કૃતિની ઓળખ છે. યોગ અને પ્રાણાયામ એ માત્ર શારીરિક-માનસિક કસરત નહીં, પરંતુ મન, શરીર અને આત્મા સાથે સંવાદ સ્થાપિત કરવાની પદ્ધતિ છે.
આ અવસરે મંત્રીએ ગુજરાતના તમામ જિલ્લાના નાગરિકોને યોગથી પ્રેરણા લઈને ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિત મુક્ત ગુજરાત’ અભિયાનમાં જોડાવવા અપીલ પણ કરી હતી.
શિબિર એક સશક્ત પગલું સાબિત થશે
આ યોગ શિબિરમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન તેમજ યોગસેવક શિશપાલ રાજપૂત તેમજ યોગના પ્રખર નિષ્ણાતો દ્વારા યોગાસન, પ્રાણાયામ અને ધ્યાનના વિવિધ અભ્યાસો અંગે માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ‘મન કી બાત’માં યોગ દ્વારા મેદસ્વિતા દૂર કરવા માટે સમગ્ર દેશની જનતાને મેસેજ આપવામાં આવ્યો હતો, જે અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્ય સરકારે પણ ‘સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતામુક્ત ગુજરાત’ અભિયાન શરૂ કર્યું છે. જેને પરિપૂર્ણ કરવાની દિશામાં આ શિબિર એક સશક્ત પગલું સાબિત થશે.
આટલા લોકો રહ્યા ઉપસ્થિત
આ યોગ શિબિરમાં અમદાવાદના મેયર પ્રતિભા જૈન, જિલ્લા પંચાયત પ્રમુખ કંચનબા વાઘેલા, અમદાવાદ પશ્ચિમના સાંસદ દિનેશભાઈ મકવાણા, સર્વ ધારાસભ્યો, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના અગ્ર સચિવ એમ.થેન્નારસન, અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, પદાધિકારીઓ તેમજ યોગસેવકો, યોગપ્રેમીઓ, શિક્ષકો, યુવાનો, વડીલો તેમજ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.