વિશ્વ ટીબી દિવસ : ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ અને 1000 દર્દીના મોત
આજે 24 માર્ચના રોજ વર્લ્ડ ટીબી દિવસની ઉજવણી કરવામાં આવે છે. અમદાવાદમાં પાલડીમાં ટાગોર હોલ ખાતે આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ટીબીના રોગ અંગેનો કાર્યક્રમનું આયોજન કરાયું છે.
24 માર્ચના રોજ વર્લ્ડ TB ડેની ઉજવણી કરવામાં આવે છે. TBનો રોગ હવે સાધ્ય છે. ભારત અને ગુજરાત સરકાર ટીબી રોગના નાબૂદી માટે પ્રયત્નો કરી રહી છે. દર્દીઓની દવા, ટ્રેકિંગ, સહાય જેવી ઘણી બધી બાબતોનું ધ્યાન રાખવામાં આવે છે. આજે ભારતમાં પણ ટીબીને લગતા આ નેશનલ પ્રોગ્રામને ખાસ્સી સફળતા મળી છે.
TBના ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ કેસ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના જણાવ્યા મુજબ, ગુજરાતમાં દર વર્ષે 1.70 લાખ અને અમદાવાદ શહેરમાં દર વર્ષે ટીબીના 18000 કેસ નોંધાય છે, જ્યારે 900થી 1000 લોકો મૃત્યુ પામે છે. ટીબીનાં લક્ષણો ધરાવતો દર્દી જો યોગ્ય સમયે યોગ્ય સારવાર ન લે અથવા જો એનું નિદાન ન થાય તો વર્ષે 10 લોકોને ચેપ લગાવી શકે છે.
અમદાવાદમાં 2021માં સાદા TBના 17,439 દર્દી
એક મીડિયાને આપેલી માહિતીમાં ડો. તેજસ શાહે જણાવ્યું કે વર્ષ 2020 અને 2021માં સાદા TB અને હઠીલા TBના દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. સાદા ટીબીના દર્દીઓમાં મૃત્યુનું પ્રમાણ વધારે જોવા મળ્યું છે. અમદાવાદ શહેરમાં વર્ષ 2021માં સાદા TBના કુલ 17,439 દર્દી નોંધાયા છે અને સાદા TBમાં 965 મૃત્યુ કેસ નોંધાયા છે. જ્યારે હઠીલા TBની વાત કરીએ તો કુલ 801 દર્દી અને 78 મોત થયા છે. અમદાવાદમાં સૌથી વધુ TBના દર્દીઓ અસારવા, રખિયાલ, અમરાઈવાડી, ઘાટલોડિયા, નવાવાડજ અને વેજલપુર-વાસણામાં નોંધાયા છે.
ગત વર્ષે TBના 943 બાળદર્દી, 18નાં મોત
TB હવે બાળકોમાં પણ જોવા મળે છે. વર્ષ 2021માં TBના 943 બાળદર્દી હતા અને 18 બાળદર્દીનાં મોત થયા છે, TBના લક્ષણો અને ટીબીના દર્દીઓ વચ્ચે ફેર છે. મોટા ભાગના લોકોમાં ટીબીનું ઇન્ફેક્શન જોવા મળે છે. અમદાવાદના રાયપુરમાં 800 લોકોનો TB અંગે સર્વે કરાયો હતો, જેમાં 48 ટકા લોકોમાં TBનું ઇન્ફેક્શન જોવા મળ્યું છે.
TBના લક્ષણો
વજનમાં સતત ઘટાડો થવો,શ્વાસ લેવામાં મુશ્કેલી થવી, સમયસર ભૂખ ન લાગવી, લાંબા સમય સુધી ખાંસી આવવી, ખાંસતી વખતે વધારે દુખાવો થવો, ગળફામાં લોહી આવવું, રાત્રે સતત તાવ આવવો, પેટમાં દુખાવો થવો, થૂંકનો રંગ બદલાઇ જવો, હાડકામાં સતત દુખાવો રહેવો.
આ પણ વાંચો : Gold Price Today : દુબઈ અને અમદાવાદમાં 1 તોલા સોનાનો ભાવ શું છે, આજે સોનુ સસ્તું થયું કે મોંઘુ? જાણો અહેવાલ દ્વારા