કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ચાર સ્માર્ટ શાળાઓનું ઈ- લોકાર્પણ કર્યું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ 9.54 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ 4 અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ(Amit Shah) અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજે અમદાવાદના(Ahmedabad) નવા વાડજ ખાતેથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, અમદાવાદ દ્વારા કુલ ₹ 9.54 કરોડનાં ખર્ચે તૈયાર કરવામાં આવેલી કુલ 4 અનુપમ(સ્માર્ટ) શાળાઓનું ઈ- લોકાર્પણ(Smart School) કરવામાં આવ્યું હતું. ગાંધીનગર શાળા નંબર-2, નારણપુરા ગુજરાતી શાળા નંબર-૬, ઘાટલોડિયા શાળા નંબર-૨ અને થલતેજ શાળા નંબર-૨નું આ પ્રસંગે ઈ- લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, બાળકોને નવી રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 ને અનુરૂપ અને આધુનિક પદ્ધતિ સાથેનું શિક્ષણ મળે તે માટે શરૂ કરાયેલી આ અનુપમ શાળાઓ ખરેખર રાજ્યમાં સ્થાપિત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થાની સાબિતી આપે છે.
શાળાઓનો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ 3200 જેટલા બાળકોને મળશે
કુલ 22 જેટલી અનુપમ શાળાઓનું કામકાજ પૂર્ણ થયું છે જેમાંથી આજે 4 શાળાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કુલ ₹ 9.54 કરોડનાં ખર્ચે તૈયાર થયેલી આ શાળાઓ નો ફાયદો શહેરના ગરીબ અને મધ્યમ વર્ગનાં કુલ 3200 જેટલા બાળકોને મળશે.તેમણે ઉમેર્યું હતું કે, ભારતીય જનતા પાર્ટીનાં શાસનમાં માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ છેલ્લા 20 વર્ષથી ગુજરાતનો અવિરત વિકાસ થઈ રહ્યો છે. કેન્દ્રીય ગૃહમંત્રી એ ઉમેર્યું કે લગભગ દરેક ક્ષેત્રે લોકકલ્યાણ અને જનસહાયની અનેકવિધ યોજનાઓના સુચારુ અમલીકરણ થકી આજે ગુજરાત દેશભરમાં વિકાસનું મોડલ બન્યું છે.
બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતા રમતા બાળકો ભણી શકે
આ પ્રસંગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળઆજે ડબલ એન્જિન સરકાર દ્વારા અનેકવિધ યોજનાઓના અમલીકરણ દ્વારા ગુજરાત દેશનું ગ્રોથ એન્જિન બન્યું છે. આજે રાજ્યનું દરેક બાળક આવનારા સમયમાં વૈશ્વિક સ્તરે કદમ મિલાવી શકે તથા દરેક ક્ષેત્રે આગળ વધી શકે તે માટે શિક્ષણ ક્ષેત્રે અભૂતપૂર્વ આયામો અમલમાં મુકવામાં આવ્યા છે. અનુપમ(સ્માર્ટ) શાળા આવું જ એક સોપાન છે જે બાળકોને ભણતર ભાર રૂપ ન લાગે તે રીતે અને રમતા રમતા બાળકો ભણી શકે તેવા વિવિધ ડિજિટલ પ્રોજેકટ અને મોડલ સાથે અભ્યાસ પૂરો પાડીને બાળકોનો સર્વગ્રાહી વિકાસ સાધવા માટે સંકલ્પબદ્ધ છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કુલ 20 અનુપમ શાળાઓ તૈયાર થઈ ગઈ છે તેમજ વધુ 63 શાળાઓ નવેમ્બર સુધી શરૂ કરવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આવનારા દિવસોમાં અંદાજે 1.5 લાખ બાળકોને અનુપમ શાળાઓનો લાભ મળે એવું આયોજન કરવામાં આવ્યું છે.કુલ 83 અનુપમ શાળાઓ થકી અમદાવાદ અને ગાંધીનગરનાં ગરીબ અને મધ્યમ વર્ગના બાળકોને અત્યાધુનિક શિક્ષણ સુવિધાઓ થકી ગુણવત્તા સભર પાયાનું શિક્ષણ પૂરું પાડવાનો સરકારનો લક્ષ્યાંક છે.
દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે
મુખ્યમંત્રી એ ઉમેર્યું હતું કે, દેશમાં સૌ પ્રથમ એવું વૈશ્વિક કક્ષાનું વિદ્યા સમીક્ષા કેન્દ્ર ગુજરાત પાસે છે. જેના દ્વારા શિક્ષણ ક્ષેત્રે રીયલ ટાઈમ ઓનલાઈન મોનિટરિંગ દ્વારા શિક્ષણની ગુણવત્તા માં ઉતરોઉતર વધારો કરી શકાય છે. આ સમીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓ અને શાળા સંબંધિત ડેટા, મશીન લર્નિંગ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના બીગ ડેટા એનાલિટીક્સના માધ્યમથી ૫૦૦ કરોડ જેટલા ડેટા સેટ્સનું મીનિંગફૂલ એનાલિસિસ કરવામાં આવે છે.