AMTS Accident : ‘મમ્મી આટો મારીને આવું’ આવું કહી ને યુવક ઘરેથી નીકળ્યો, 45 મિનિટમાં જ મોત, જુઓ Video
અમદાવાદમાં માર્ગ અકસ્માતોની હારમાળા વચ્ચે વધુ એક કરુણ ઘટના બની છે. વાડજમાં ભાવેશ ધવડ નામના 30 વર્ષીય યુવકનું AMTS બસની ટક્કરે મોત થયું છે.

અમદાવાદ શહેરમાં વધતા માર્ગ અકસ્માતોની વચ્ચે વધુ એક કરુણ ઘટના સામે આવી છે. વાડજ વિસ્તારમાં રહેતા 30 વર્ષીય યુવક ભાવેશ ધવડ ઘરેથી માતાને “હું આંટો મારીને આવું છું” કહીને નીકળ્યો હતો. પરંતુ ઘર છોડ્યાના માત્ર 45 મિનિટમાં જ AMTS બસની ટક્કરથી તેનું મોત થયું હતું.
મળતી માહિતી મુજબ, બુધવારે રાત્રે આશરે 8 વાગ્યે ભાવેશ ધવડ ઘરે જમ્યા બાદ રોજની જેમ ચાલવા માટે નીકળ્યો હતો. તેણે માતા ખીમીબેનને કહ્યું હતું કે, “હું આંટો મારીને આવું છું.” જોકે, થોડા સમય બાદ ચાલીમાં રહેતા એક યુવકે ખીમીબેનને જાણ કરી કે ભાવેશનો AMTS બસ સાથે ગંભીર અકસ્માત થયો છે.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો સ્થળ પર દોડી આવ્યા હતા. ત્યાં પહોંચતા જાણવા મળ્યું કે ભાવેશ BRTS કોરિડોર નજીક રોડ ક્રોસ કરી રહ્યો હતો ત્યારે રામાપીરના ટેકરા તરફથી આવી રહેલી AMTS બસે તેને ટક્કર મારી હતી. અકસ્માતમાં ભાવેશને માથા અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી.
આસપાસના લોકોએ તરત જ ભાવેશને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડ્યો હતો. જોકે, સારવાર દરમિયાન ડૉક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાના સમયે બસનો ડ્રાઇવર પણ સ્થળ પર હાજર હતો.
આ સમગ્ર મામલે બી ડિવિઝન ટ્રાફિક પોલીસે AMTS બસના ડ્રાઇવર વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસ દ્વારા સ્થળની તપાસ તેમજ અન્ય પુરાવાઓ એકત્રિત કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
સાબરકાંઠા અને અરવલ્લીના પશુપાલકો માટે મોટી ખુશખબર, પ્રતિ કિલો ફેટ 12 રૂપિયાનો વધારો, જુઓ Video
