અમદાવાદ અને રાજકોટ રોગચાળાના સકંજામાં, પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળાએ વધારી તંત્રની ચિંતા
ચોમાસામાં અમદાવાદ (Ahmedabad) અને રાજકોટમાં (Rajkot) રોગચાળો વકર્યો છે તો અમદાવાદમાં 15 વર્ષ સુધીના 126 બાળકોને સ્વાઈન ફ્લૂ થયો છે.
અમદાવાદ (Ahmedabad) અને રાજકોટમાં (Rajkot) રોગચાળાએ ચિંતા વધારી છે. સ્વાઈન ફ્લૂ (Swine flu), વાઈરલ ઈન્ફેક્શન, પાણીજન્ય અને મચ્છરજન્ય તમામ પ્રકારના રોગો વધતાં શહેરીજનો હોસ્પિટલના ધક્કા ખાતા થઈ ગયા છે. અમદાવાદમાં સ્વાઈન ફ્લૂનું સંકટ વધુને વધુ ગંભીર બની રહ્યું છે. તેમાં પણ બાળકો સ્વાઈન ફ્લૂનો વધુ શિકાર બની રહ્યા છે. અમદાવાદમાં 15 વર્ષ સુધીના સવા સો જેટલા બાળકોમાં સ્વાઈન ફ્લૂ દેખાતા વાલીઓ ચિંતામાં છે. આ સિવાય રાજકોટમાં પણ ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા-ઉલ્ટીના કેસોનો રાફડો ફાટ્યો છે.
ચોમાસામાં અમદાવાદ અને રાજકોટમાં રોગચાળો વકર્યો છે. અમદાવાદમાં 15 વર્ષ સુધીના 126 બાળકોને સ્વાઈન ફ્લૂ થયો છે તો રાજકોટમાં ડેન્ગ્યુ, મેલેરિયા અને ઝાડા-ઉલ્ટીના કેસો પણ વધ્યા છે. અમદાવાદમાં સ્વાઇન ફ્લૂ આંકડાઓ પર નજર કરીએ તો ઓગસ્ટ મહિનાના 22 દિવસમાં જ સ્વાઈન ફ્લૂના 509 જેટલા કેસ નોંધાતા આરોગ્ય તંત્ર દોડતું થયું છે. કુલ દર્દીઓમાંથી 70 ટકા દર્દીઓને હોસ્પિટલમાં દાખલ થવાની ફરજ પડી છે તો બીજી તરફ સ્વાઈન ફ્લૂએ બાળકોને પણ ભરડામાં લેતા ચિંતા વધી છે. 0થી 5 વર્ષના 35 બાળકોને સ્વાઈન ફ્લૂ થયો છે. જ્યારે કે 5 થી 15 વર્ષના 91 બાળકો સ્વાઇન ફ્લૂથી સંક્રમિત થયા છે. 15થી 40 વર્ષના 145 લોકો, 40થી 55 વર્ષના 128 લોકો, જ્યારે કે 55થી વધુ ઉંમરના 144 લોકો સ્વાઇન ફ્લૂની ચપેટમાં આવ્યા છે.
અમદાવાદમાં માત્ર સ્વાઈન ફ્લૂ જ નહીં, અન્ય રોગોમાં પણ વધારો થયો છે. 23 ઓગસ્ટ સુધીમાં નોંધાયેલા કેસ જોઈએ તો ઝાડા ઉલ્ટીના 660, કમળાના 135, ટાઈફોઈડના 239, કોલેરાના 09 કેસો નોંધાયા છે. મચ્છરજન્ય રોગોમાં મેલેરિયાના 129, ડેન્ગ્યૂના 132, ચિકનગુનિયાના 25, ઝેરી મેલેરિયાના 15 કેસો નોંધાયા છે.
આ તરફ રાજકોટ શહેરમાં પણ તહેવારો પૂરા થતાં જ શરદી અને ઉધરસના કેસમાં વધારો થયો છે. એટલું જ નહીં મચ્છરજન્ય રોગચાળો પણ એ જ ગતિથી ફેલાયો છે. તાવ, શરદી, ઉધરસના અંદાજિત પોણા ત્રણસો જેટલા કેસ સામે આવ્યાં છે. જેને લઇ સિવિલ અને ખાનગી હોસ્પિટલ દર્દીઓથી ઉભરાઈ રહી છે. છેલ્લા 8 દિવસમાં શરદી, ઉધરસના 176 કેસ નોંધાયા છે. સામાન્ય તાવના 56 કેસ નોંધાયા છે. ઝાડા, ઉલ્ટીના 48 કેસ, 8 દિવસમાં ડેન્ગ્યુના 8, મેલેરિયાનો 1 કેસ નોંધાયા છે. હજી આગામી દિવસોમાં રોગચાળો વધે તેવી શક્યતા છે.
જો કે હજી આગામી દિવસોમાં રોગચાળો વધુ વકરે તેવી શક્યતા છે. જેને લઈ તંત્રની ચિંતામાં વધારો થયો છે અને રોગચાળાને નાથવા ફોગિંગ, જંતુનાશક દવાનો છંટકાવ સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે. પરંતુ લોકોએ પણ સાવચેત રહેવું જરૂરી છે.