PM નરેન્દ્ર મોદી 31 ઓકટોબરે અમદાવાદમાં આપશે વિકાસ ભેટ, અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલી ઝંડી આપશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) 3 દિવસ દરમિયાન ગુજરાતમાં અનેક સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે તો તેઓ આ મુલાકાત દરમિયાન અમદાવાદમાં પણ અનેક વિકાસ ભેટ આપવાના છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે. આ ત્રણ દિવસ દરમિયાન વડાપ્રધાન મોદી ગુજરાતને કરોડોના વિકાસકાર્યોની ભેટ આપવાના છે તો આવતીકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદના કાર્યક્રમમાં હાજરી આપવાના છે. તેઓ અસારવા રેલવે સ્ટેશન પર ટ્રેનને લીલી ઝંડી આપશે. તેમજ અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે સભાને પણ સંબોધશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને અસારવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેલવે વિભાગે કામગીરી હાથ ધરી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 3 દિવસ દરમિયાન ગુજરાતમાં અનેક સભાઓ ગજવીને ઝંઝાવાતી પ્રચાર કરશે તો તેઓ આ મુલાકાત દરમિયાન અમદાવાદમાં પણ અનેક વિકાસ ભેટ આપવાના છે. તેઓ આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરે અસારવા રેલવે સ્ટેશન ખાતે અસારવા ઉદયપુર ટ્રેનને લીલી ઝંડી આપશે. જે બાદ અશોક મિલ કમ્પાઉન્ડ ખાતે સભાને સંબોધશે. આવતીકાલે સાંજે અસારવા ખાતે કાર્યક્રમમાં હાજરી આપવાના છે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને અસારવા વિસ્તારમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ રેલવે વિભાગે કામગીરી હાથ ધરી છે. ખરાબ રસ્તાઓનું સમારકામ કરવા તેમજ બીઆરટીએસ રેલિંગોને કલર કરવા તેમજ સાફ-સફાઈ સહિતની વિવિધ કામગીરીઓ તાબડતોડ શરૂ કરી છે. રેલવે સ્ટેશન અને સભા સ્થળ વચ્ચે વડાપ્રધાન એક કિલોમીટર ઉપરનો રોડ શો કરશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદમાં તેમના સભા સ્થળે 50 હજાર લોકોને સંબોધિત કરશે. વડાપ્રધાનના કાર્યક્રમને લઈને DRM ઓફિસ ખાતે બેઠક મળી હતી. આ બેઠકમાં ઉચ્ચ પોલીસ અધિકારી અને SPG હાજર હતા. અચાનક આયોજીત આ કાર્યક્રમમાં સુરક્ષામાં કોઈ ચૂક ન રહી જાય તે માટે બેઠક મળી હતી તો રેલવે વિભાગના કાર્યક્રમને લઈને રેલવે તેમજ ફાયર બ્રિગેડ વિભાગના અધિકારી પણ હાજર રહ્યા હતા. ઓચિંતા યોજાયેલ કાર્યક્રમમાં કોઈ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન અપાઈ રહ્યું છે.
નર્મદાના સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે 31મી ઓક્ટોબરે PM મોદી રાષ્ટ્રીય એકતા દિવસની ઉજવણીમાં ઉપસ્થિત રહેશે. સરદાર પટેલની જન્મ જયંતી નિમિતે સ્ટેચ્યુ ઓફ યુનિટીના સાનિધ્યમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં PM મોદી સૌપ્રથમ સરદાર પટેલને પુષ્પાંજલિ અર્પણ કરીને કાર્યક્રમની શરૂઆત કરાવશે. ત્યારબાદ એકતા પરેડ અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમ દ્વારા ઉજવણી કરાશે.
(વિથ ઇનપુટ- દર્શલ રાવલ, અમદાવાદ)