ફરી એકવાર મનપાની પ્રિમોન્સુન કામગીરીના ઉડ્યા લીરેલીરા, ન્યુ ડેવલપ શેલા વિસ્તારમાં ભરાયા 2-2 ફુટ સુધી પાણી

|

Jul 01, 2024 | 2:43 PM

અમદાવાદમાં દોઢ કલાક વરસેલા વરસાદમાં ઠેર-ઠેર પાણી ભરાયા છે. મનપાની પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર રહી ગઈ છે અને શહેરનો એકપણ વિસ્તાર એવો નથી જ્યા વરસાદી પાણી ન ભરાયા હોય. ડેવલપ વિસ્તારોમાં આવતા શેલા, સાઉથ બોપલ સહિતના વિસ્તારોમાં ઠેર ઠેર બે-બે ફુટ સુધીના પાણી ભરાતા શહેરીજનો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે.

અમદાવાદમાં દોઢથી બે કલાક વરસેલા વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. દોઢથી બે કલાકના વરસાદે ફરી એકવાર કોર્પોરેશનની શિથિલ કામગીરીની પોલ ખોલી નાખી. ન્યુ ડેવલપ વિસ્તારોમાં ગણાતા શેલા વિસ્તારમાંથી મનપાના પ્રિમોન્સુન પ્લાનના લીરેલીરા ઉડાડતા દૃશ્યો સામે આવ્યા છે.

ન્યુડેવલપ શેલા વિસ્તાર થયો જળમગ્ન

શેલામાં આવેલી સમત્વ સોસાયટીમાં 2 થી 2.5 ફુટ સુધી પાણી ભરાઈ ગયા છે. માત્ર બે કલાકના વરસાદમાં સમગ્ર શેલા વિસ્તાર જળમગ્ન બન્યો છે. સોસાયટીના સ્થાનિકો જણાવે છે કે અહીં દર વર્ષે વરસાદમાં આ જ પ્રકારે પાણી ભરાઈ જાય છે. મનપા દ્વારા માત્ર સ્ટ્રોમ વોટર લાઈનના બણગા ફુંકવામાં આવે છે પરંતુ કામગીરી કોઈ થતી નથી. જો થતી હોત તો આ દૃશ્યો જોવા પણ ન મળ્યા હોત. સ્થાનિકોનો આક્ષેપ છે કે દર વર્ષે તેમને આ જ પ્રકારે હાલાકી વેઠવાનો વારો આવે છે.

ક્લબ O-7 નજીક પડ્યો મસમોટો ભુવો

શેલામાં જ આવેલા  ક્લબ O-7 નજીક એક થી દોઢ ફુટ સુધી પાણી ભરાયા છે. આ રોડ પર જ જમીન ધસી જતા મસમોટો ભુવો પડ્યો છે. અહીં એ સવાલ ચોક્કસથી થાય કે દર વર્ષે શહેરીજનો પાસેથી કરોડોનો ટેક્સ વસુલતુ મનપા તંત્ર સુવિધા આપવામાં કેમ ઉણુ ઉતરે છે. દર વર્ષે ચોમાસામાં શહેરની સડકો દરિયા બની જાય છે અને બેશર્મ મનપા તમાશો જોતુ રહે છે. ચોમાસા પહેલા પ્રિમોન્સુન કામગીરીના નામે તગડુ બજેટ તો પાસ કરાવી લે છે પરંતુ જમીન પર ક્યારેય કોઈ કામગીરી જોવા મળતી નથી અને શહેરીજનો પારાવાર હાલાકી વેઠ્યા કરે છે.

આજનું રાશિફળ તારીખ : 04-07-2024
ગંભીરને ફરી આવ્યો ગુસ્સો? પાછળથી આવીને એક વ્યક્તિનું ગળું દબાવી દીધું
કયા વિટામીનની કમીને કારણે પેટ ખરાબ થાય છે?
ગૌતમ સિંઘાનિયા પર આવ્યા આ મોટા સમાચાર...રોકેટ બન્યા Raymond Share
મલ્ટીવિટામિન્સના રોજ ઉપયોગ શું ગેરફાયદા થાય છે?
શ્રાવણનો પહેલો સોમવાર ક્યારે છે? જાણો તમામ તારીખ

YMCAથી સાઉથ બોપલ જતા માર્ગો ગટરો બેક મારતા દૃશ્યો

માત્ર શેલા વિસ્તાર નહીં YMCAથી સાઉથ બોપલ જતા માર્ગો પર પણ ઠેર-ઠેર પાણી ભરાયા છે અને ગટરો બેક મારતા ગટરના પાણી પણ માર્ગો પર ફરી વળ્યા છે.  અસંખ્ય વાહનચાલકોને આ ગંદા પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો છે.  દર વર્ષે નજીવા વરસાદમાં જ માર્ગો પાણી પાણી થઈ જાય છે પરંતુ શહેરમાં ડ્રેનેજની કોઈ સુવિધા કરવામાં આવતી નથી. સ્માર્ટ સિટીના મોટાભાગના વિસ્તારોમાં સ્ટ્રોંમ વોટરના નિકાલની કોઈ સુવિધા નથી.

નીચેથી લઈને ઉપરના લેવલ સુધી બેઈમાન તંત્રના ભ્રષ્ટ અધિકારીઓ સામે જનતા લાચાર

દર વર્ષે દેશવાસીઓ ચોમાસામાં પૂરના પાણીથી હાલાકી ભોગવવા મજબુર બને છે. એસી ઓફિસોમાં બેસી માત્ર પ્લાન બનાવતા અધિકારીઓના પ્લાન દર વર્ષે ફેઈલ જાય છે છતા તેમની સામે કોઈ કામમાં લાપરવાહી માટેની એક્શન લેવાતી નથી અને તેની લાપરવાહીનો ભોગ દર વર્ષે બાપડી, બિચારી, લાચાર જનતા બનતી રહે છે. અમદાવાદની આજથી 50 વર્ષ પહેલા પણ આજ સ્થિતિ હતી અને સ્માર્ટ સિટી બન્યા બાદ પણ આજ સ્થિતિ છે તેમા કોઈ બદલાવ આવ્યો નથી.

માત્ર સારી સડકો બનાવી દેવાથી સંતોષ માનતી સરકારો પાણીના નિકાલની વ્યવસ્થા નથી કરી શક્તી. ભ્રષ્ટ અધિકારીઓએ પ્રિમોન્સુન કામગીરીના નામે કરેલો આચરેલો ભ્રષ્ટાચાર પૂર સ્વરૂપે અને અવ્યવસ્થાના સ્વરૂપે દર વર્ષે બહાર આવતો રહે છે છતા તેમની સામે કોઈ જ પગલા લેવાતા નથી. નીચેથી લઈને હાઈલેવલ સુધીના તમામ અધિકારીઓ ભ્રષ્ટ છે એના પાપે જ અગ્નિકાંડો સર્જાતા રહે છે અને એમની બેઈમાનીના પાપે જ સડકો તૂટી રહી છે.

દરેકે દરેક ઈન્ફ્રાસ્ટ્રક્ચરના કામોમાં નબળી ગુણવત્તાનું મટિરિયિલ વાપરી મોટા મોટા બિલ પાસ કરાવી લેતા અધિકારીઓના પાપે જ ક્યાંક નવનિર્મીત ઍરપોર્ટની કેનોપી માત્ર 11 મહિનામાં  ધડામ કરીને ધસી જાય છે તો ક્યાંક આખેઆખો રોડ બેસી જાય છે. ચોમાસુ આવતા જ અમદાવાદ શહેર ભૂવાનગર બની જાય છે આ બેઈમાન અધિકારીઓના પાપે નહીં તો કોના પાપે? આખરે ક્યાં સુધી આ બેઈમાન અધિકારીઓનો પાપે જનતા પિસાતી રહેશે?  આવા ખાઈ બદેલા ભ્રષ્ટ અધિકારીઓ સામે ક્યારેય કોઈ કાર્યવાહી થતી નથી કારણ કે આખેઆખું તંત્ર જ ભ્રષ્ટ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 4:42 pm, Sun, 30 June 24

Next Article