બ્રેક અપ થયુ તો મુંબઈનો યુવક બની ગયો ‘રાધે ભૈયા’, પ્રેમિકાના મોબાઈલ નંબર સિવાય કંઈ ન રહ્યુ યાદ, પોલીસે પરિવાર સાથે કરાવ્યુ મિલન
અમદાવાદમાં તેરે નામ ફિલ્મ જેવો કિસ્સો સામે આવ્યુ છે. પ્રેમમાં બ્રેક અપ થતા મુંબઈનો યુવક તેની ગર્લફ્રેન્ડના નંબર સિવાયનું બધુ જ ભૂલી ગયો. તેરેનામના રાધે ભૈયાની જેમ માનસિક સંતુલન ગુમાવી ચુકેલા મુંબઈના આ યુવકની વહારે અમદાવાદ પોલીસ આવી અને પરિવાર સાથે મિલન કરાવ્યુ.
વર્ષો પહેલા રિલિઝ થયેલી અને ખૂબ જ જાણીતી બનેલી ફિલ્મ “તેરે નામ” જેવો એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. મુંબઈથી એક 25 વર્ષીય યુવક ગઈકાલે રાત્રે અચાનક જ અમદાવાદ પહોંચી ગયો. જોકે આ યુવક જાહેરમાં પોતાના કપડાં કાઢી નાખ્યા હતા, જેથી રાહદારીએ પોલીસને જાણ કરી હતી. પોલીસ દ્વારા આ યુવકને પૂછપરછ કરતા યુવકને તેની પ્રેમિકાના મોબાઈલ નંબર સિવાય કંઈ પણ યાદ ન હતું. જે બાદ પોલીસે યુવકની ઓળખ માટે પ્રયત્ન શરૂ કર્યા અને મુંબઈ રહેતા તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.
ફિલ્મ tere naam કે જે ફિલ્મ વર્ષો પહેલા રિલીઝ થઈ હતી અને ખૂબ જ લોકપ્રિય બની હતી. આ ફિલ્મમાં પ્રેમી પ્રેમિકા વચ્ચે થયેલા બ્રેકઅપ ને કારણે પ્રેમી પર તેની માનસિક અસર જોવા મળી હતી. જોકે આવો જ કિસ્સો અમદાવાદમાં પણ સામે આવ્યો છે, જેમાં મુંબઈ રહેતા એક યુવકને તેની પ્રેમિકા સાથે બ્રેકઅપ થયું હતું . જે બાદ તે મુંબઈથી નીકળી અમદાવાદ પહોંચી ગયો હતો અને તેને તેની પ્રેમિકાના ફોન નંબર સિવાય કશું જ યાદ ન હતું.
આ કોઈ ફિલ્મની સ્ટોરી નથી પરંતુ સત્ય ઘટના છે
વાત છે અમદાવાદના શાહીબાગ વિસ્તારની કે જ્યાં ગઈકાલે રાત્રે સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરી હતી કે એક યુવક ગિરધરનગર મહાકાળી મંદિર પાસે તેના કપડા ઉતારી બેઠો છે. જેથી શાહીબાગ પોલીસ દ્વારા આ યુવકની પૂછપરછ કરી હતી. જોકે યુવકની માનસિક સ્થિતિ યોગ્ય ન લાગતા તેને પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યો હતો અને તેની યુક્તિ પ્રવૃત્તિથી પૂછપરછ કરતા તે યુવકને ફક્ત તેની પ્રેમિકાનો નંબર જ યાદ હોવાનું સામે આવ્યું હતું. જેથી પોલીસે આપેલા પ્રેમિકાના નંબર પર ફોન કરતા સમગ્ર હકીકત સામે આવી હતી અને આ યુવકનું બ્રેકઅપ થયું હોવાની વાત પણ પોલીસને જાણ થઈ હતી, જેથી પોલીસ દ્વારા આ યુવકના પરિવારજનોનો નંબર મેળવી તેનો સંપર્ક કરી સમગ્ર હકીકત જણાવી હતી.
પોલીસની તપાસમાં સામે આવ્યું કે મુંબઈ થી અમદાવાદ પહોંચનારો આ યુવકનું નામ નીરજ સોલંકી છે. નીરજને કોઈ છોકરીના પ્રેમમાં દગો થયેલો હોવાથી તે માનસિક તણાવમાં આવી ગયો હતો અને અસ્વસ્થ થઈને 28 નવેમ્બરના દિવસે ઘરેથી નીકળી ટ્રેનમાં ચાલ્યો ગયો હતો. નીરજ મુંબઈથી વિરમગામ રેલ્વે સ્ટેશન અને ત્યારબાદ ભાવનગર અને ત્યાંથી અમદાવાદ શાહીબાગ વિસ્તારમાં ભૂલો પડી ગયો હતો, ત્યાં પોલીસે તેના પરિવારનો સંપર્ક કરાવી પરિવાર સાથે તેનો મિલન કરાવ્યું હતું. નીરજને છેલ્લા દસ પંદર દિવસથી કોઈ છોકરીના પ્રેમમાં દગો થયેલો હોવાથી તે માનસિક અસ્વસ્થ હતો. પોલીસે નીરજના માતા પિતાને અમદાવાદ ખાતે બોલાવી તેમને આપ્યો હતો જેથી પોલીસની કામગીરીથી પરિવાર પણ ખુશ થયો હતો.