Ahmedabad: શહેરમાં હેરિટેજ સ્થળોની જાળવણીનો અભાવ, સરખેજ રોજા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય
અમદાવાદ શહેરના હેરિટેજ સ્થળ એવા સરખેજ રોજા તળાવમાં ગંદકી જોવા મળતાં સ્થાનિકોના આક્ષેપ છે કે તંત્ર દ્વારા વર્ષોથી આ સરખેજ રોજાની જાળવણી પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું.
Ahmedabad: અમદાવાદ શહેરને હેરિટેજ સીટી (Heritage City) તરીકે દરજ્જો આપવામાં આવ્યો છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આ જ હેરિટેજ સીટીમાં હેરિટેજ સ્થળોની જાળવણી નથી થઈ રહી. કે જ્યાં વિદેશીઓ પણ મુલાકાતે આવે છે.
આ વાત છે સરખેજ વિસ્તારમાં આવેલ સરખેજ રોજા તળાવની. વર્ષો જૂના આ તળાવને અમદાવાદ શહેરને હેરિટેજ સિટીનો દરજ્જો મળ્યો તે હેરિટેજ સિટીના એક હેરિટેજ સ્થળ તરીકે સ્થાન મળ્યું છે.
જેની જાળવણી કરવા માટે કોર્પોરેશન, રાજ્ય સરકાર અને હેરિટેજ વિભાગને તકેદારી રાખવાની હોય છે. પરંતુ સ્થાનિકોના આક્ષેપ છે કે વર્ષોથી આ સરખેજ રોજાની જાળવણી પર ધ્યાન નથી આપવામાં આવી રહ્યું. જેના કારણે સરખેજ રોજા તળાવની હાલત ખરાબ બની ગઈ છે. કારણ કે સરખેજ રોજામાં ચોખા પાણીની જગ્યાએ હાલ ગંદા પાણી ભરાયેલા છે, પાણીમાં લીલ અને ગંદકીનો પ્રકોપ પણ છે, તો પગથિયાઓ અને અન્ય જગ્યા પર ઝાડ ઊગી ગયા છે, તેમ જ કચરો પણ ઠલવાયેલો જોવા મળે છે.
અહમદશાહ બાદશાહના પુત્ર મહંમદ શાહે સરખેજ રોજા બંધાવ્યો હતો અને સાથે જ સરખેજ રોજા તળાવ પણ બનાવવામાં આવ્યું હતું. આ સરખેજ રોજાને હેરિટેજ સ્થાન માંનું એક સ્થાન ગણવામાં આવે છે. જેની જાળવણી કરવી સરખેજ રોજા મેનેજમેન્ટ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, હેરિટેજ વિભાગ અને રાજ્ય સરકારની રહેલી છે.
જોકે આ તમામ લોકોના સંકલનના અભાવના કારણે સરખેજ રોજાની હાલત દિવસ અને દિવસે બગડી રહી છે. કારણ કે સરખેજ રોજામાં પથ્થરો તૂટી રહ્યા છે, તો તળાવમાં ગંદકી ફેલાઈ રહી છે, અને તેમાં પણ સરખેજ રોજા પાસે આવેલ શિંગોડા તળાવમાંથી ગંદા પાણી સરખેજ રોજા તળાવમાં વહી રહ્યા છે. જેની ગંદકી પણ સરખેજ રોજા તળાવમાં એકઠી થઈ રહી છે. જે બંને તળાવની ગંદકી અને ગરમી દરમિયાન થતી દુર્ગંધથી સ્થાનિકો પરેશાન છે.
સરખેજ રોજાની જાળવણી ન કરાતી હોવાના સ્થાનિકોના આક્ષેપ
વર્ષો જૂની આ ગંદકી અને હેરિટેજ સ્થાનની જાળવણીની અભાવની ફરિયાદો અને રજૂઆતો સ્થાનિકો અને સ્થાનિક કોર્પોરેટર દ્વારા અનેકવાર તંત્રને કરવામાં આવી છે. છતાં પણ તંત્રનું પેટનું પાણી હલી નથી રહ્યું અને માટે જ દર ચોમાસામાં પહેલા વરસાદમાં જ સરખેજ રોજા તળાવમાં ગંદા પાણી ભરાઈ જાય છે.
ઉનાળામાં સરખેજ રોજા તળાવ તળિયા ઝાટક બની જાય છે. સરખેજ રોજા તળાવની વર્ષોથી જાળવણી નહીં થતી હોવાના સ્થાનિકોના આક્ષેપ છે. જેના કારણે વિદેશી મહેમાનો સરખેજ રોજાની ખરાબ છબી લઈને વિદેશમાં પરત ફરે છે.
અમદાવાદમાં સરખેજ રોજા તેમજ સીદી સૈયદની જાળી, રાણીનો હજીરો, ઝૂલતા મિનારા, અડાલજ વાવ સહિત શહેરમાં આવેલી અન્ય વાવ તેમજ શહેરના મધ્યમાં સિટીમાં આવેલા દિલ્હી દરવાજા, પ્રેમ દરવાજા, દરિયાપુર દરવાજા, કાલુપુર દરવાજા, ખાનપુર દરવાજા, રાયપુર દરવાજા અને આસ્ટોડિયા દરવાજા સહિત અનેક હેરિટેજ સ્થાનો આવેલા છે.
જેમાં કેટલાક જ સ્થાનની જાળવણી થાય છે. પરંતુ મોટા ભાગના હેરિટેજ સ્થાનોની જાળવણી નથી થઈ રહી તેવા આક્ષેપો ઉઠ્યા છે. જેના પર હેરિટેજ વિભાગે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને અને રાજ્ય સરકારે ધ્યાન આપવાની જરૂર લાગી રહી છે. જેથી હેરિટેજ સ્થાનોની જાળવણી કરીને હેરિટેજ સિટીનો દરજ્જો પણ જાળવી શકાય.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો