Ahmedabad: ભારતીય સૈન્ય દ્વારા ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન
ઇવેન્ટ સેન્ટરમાં ‘કુકરી નૃત્ય’, ‘ઝાંઝ પથક’, મિલિટરી પાઇપ/જાઝ બેન્ડ પરફોર્મન્સ જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી (Cultural activities) આ કાર્યક્રમમાં લોકોનો વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો.
અમદાવાદમાં (Ahmedabad) સાબરમતી રિવર ફ્રન્ટની (River front) નજીક આવેલા ઈવેન્ટ સેન્ટર ખાતે ‘તમારા સૈન્યને જાણો’ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું હતું. આર્મીમાં વધુમાં વધુ યુવાનો જોડાય તેમજ સરહદ પર વપરાતા આધુનિક હથિયાર અને સાધનો વિશે તેઓ માહિતગાર થાય તે ઉદ્દેશ સાથે સાબરમતી રિવરફ્રન્ટ પર આ કાર્યક્રમ યોજવામાં આવ્યો. કોણાર્ક કોર દ્વારા ગોલ્ડન કટાર ડિવિઝન અને નાગરિક પ્રશાસન સાથે મળીને આ આયોજન કરવામાં આવ્યુ. સામાન્ય લોકોમાં અને ખાસ કરીને યુવાનોમાં ‘સૈન્ય શૈલીમાં જીવન’ અંગે જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાન યોજવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદ્દેશ શહેરીજનોને પર્યાવરણ અને નદી પ્રત્યે જાગૃતતા લાવવા માટેનો પણ હતો. સાબરમતી નદીના પટાંગણમાં ઇન્ડિયન આર્મી, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તેમજ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા સંયુક્ત રીતે શહેરી જનો ને સૈનિક જીવનનો અનુભવ કરાવવા ‘તમારા સૈન્યને જાણો’(Know Your Army )પ્રોગ્રામનું આયોજન સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે કરવામાં આવ્યુ હતુ. જેમાં શહેરી જનો, આર્મીના જવાનો તેમજ એન.સી.સી ના લોકો તેમજ શાળાના વિદ્યાર્થીઓ એ ઉત્સાહપૂર્વક આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
ગોલ્ડન કટાર ડિવિઝનના જનરલ ઓફિસર કમાન્ડિંગ મેજર જનરલ મોહિત વાધવા, અમદાવાદ શહેરના મેયર કિરિટકુમાર, SRDCLના ચેરમેન કેશવ વર્મા સહિત અન્ય અતિથિ વિશેષની ઉપસ્થિતિના કારણે કાર્યક્રમની શોભા વધી હતી તો સાથે જ નેશનલ કેડેટ કોર (NCC)ના વિદ્યાર્થીઓ, શાળાના બાળકો સહિત મોટી સંખ્યામાં લોકો આ કાર્યક્રમના સાક્ષી બન્યા હતા. આ કાર્યક્રમમાં સ્વદેશી બનાવટના નવા શસ્ત્રો, ઉપકરણો, પ્રેરણાદાયક ફિલ્મોનું સ્ક્રીનિંગ અને મિલિટરી બેટલ ડ્રીલનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો.
ઈવેન્ટ સેન્ટરમાં ‘કુકરી નૃત્ય’, ‘ઝાંઝ પથક’, મિલિટરી પાઈપ/જાઝ બેન્ડ પરફોર્મન્સ જેવી વિવિધ સાંસ્કૃતિક પ્રવૃત્તિઓથી આ કાર્યક્રમમાં લોકોનો વધુ ઉત્સાહ જોવા મળ્યો હતો. સૈન્ય ભરતી સંગઠન અને NCC દ્વારા અહીં સ્ટોલ ઉભા કરીને વિવિધ પ્રકારની પ્રવેશ યોજનાઓ દ્વારા ભારતીય સૈન્યમાં જોડાવા માટેના અલગ અલગ પરિબળો અંગે લોકોમાં જાગૃતિ ફેલાવવામાં આવી હતી.
“તમારા સૈન્યને જાણો” અભિયાન એક સંયુક્ત પહેલ છે. જે સૌના માટે અનન્ય, યાદગાર અને પ્રેરણાદાયક અનુભવ રહ્યો છે અને તેનાથી દરેક લોકો ભારતીય સૈન્યના શૌર્યની લાગણી સાથે જોડાયા હતા.
વધુ સમાચાર વાંચવા માટે અમારી ટ્વીટર કોમ્યુનિટીમાં જોડાવા અહીં ક્લિક કરો