અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો ન ચલાવવાના કમિશનરના જાહેરનામાનો ઉલાળિયો, હજુ કેટલાના જશે જીવ?
અમદાવાદમાં છેલ્લા બે દિવસ દરમિયાન થયેલા અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. શહેરમા દિવસ દરમિયાન ભારે વાહનો અને ખાનગી બસો ન ચલાવવાનું જાહેરનામુ છતા શહેરમાં બેરોકટોક ભારે વાહનો દોડી રહ્યા છે. પોલીસની રહેમનજર અને મિલિભગતને કારણે વાહન માલિકો જાહેરનામાને જાણે ઘોળીને પી ગયા છે અને નિયમોનો ઉલાળિયો કરી રહ્યા છે. જેનો ભોગ નિર્દોષ નાગરિકો બની રહ્યા છે. છેલ્લા ત્રણ દિવસમાં ગોજારા અકસ્માતની ત્રણ ઘટના સામે આવી છે જેમા 2 મહિલાના મોત થયા છે.

અમદાવાદ શહેરમાં દિવસ દરમિયાન દોડતા મોટા વાહનોના કારણે અકસ્માતનું પ્રમાણ સતત વધી રહ્યુ છે. છેલ્લા 24 કલાકમાં જ શહેરમા અકસ્માતની બે ઘટના સામે આવી છે જેમા 2 મહિલાના મોત થયા છે. શહેરમાં દિવસ દરમિયાન ભારે વાહનો પર પ્રવેશબંધી હોવા છતા ગેરકાયદે રીતે ટ્રાવેલ્સ સંચાલકો વાહનો ચલાવી રહ્યા છે. 26 નવેમ્બરે રવિવારે શિવરંજની ચાર રસ્તા પર ખાનગી ટ્રાવેલ્સની બસે અકસ્માત સર્જ્યો જેમા એક આશાસ્પદ યુવતી જેના બે મહિના બાદ જ લગ્ન થવાના હતા તેનુ મોત થયુ છે જ્યારે નરોડામાં આઈસર ટ્રક ચાલકની બેફામ ડ્રાઈવિંગના કારણે એક મહિલાએ જીવ ગુમાવ્યો છે.
સવારના 7 થી રાત્રિના 10 સુધી શહેરમાં ભારે વાહનો દોડાવવા પર પ્રતિબંધ
શહેર પોલીસ કમિશનરનાં જાહેરનામાનો ખુલ્લેઆમ ભંગ થઈ રહ્યો છે. ભારે વાહન અને ખાનગી બસને સવારના 7 વાગ્યાથી રાત્રિના 10 વાગ્યા સુધી પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જે જાહેરનામું હોવા છતાં પણ શહેરમાં બેરોકટોક રીતે ખાનગી બસો દોડી રહી છે.આ બસો દિવસ દરમિયાન રોડ પર દોડતા મોતની જેમ ફરી રહી છે. જે પોલીસ જાહેરનામાની કાર્યવાહી કરી રહી હોવા દાવા કરી રહી છે પરંતુ tv9ની ટીમે રિયાલિટી ચેક કરતા દિવસ દરમિયાન રોડ પર બેફામ બસો દોડી રહી છે અને ટ્રાફિક પોલીસ આવી ટ્રાવેલ્સ બસ વિરુદ્ધ નક્કર કાર્યવાહી કરવાની માત્ર વાતો કરી રહી છે.
શહેર પોલીસ કમિશનરના જાહેરનામુ માત્ર કાગળ પર, નિયમોનો સરેઆમ ઉલાળિયો
ખાનગી ટ્રાવેલ્સની બસ પોલીસની રહેમ નજર હેઠળ દોડી રહી છે. જે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. શિવરંજની,પાલડી, નરોડા, બાપુનગર, દાણીલીમડામાં ખુલ્લેઆમ જાહેરનામા ભંગ કરતી બસો દોડી રહી છે. શહેર પોલીસ કમિશનરનું જાહેરનામું માત્ર કાગળ પર હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. કોઈપણ વિસ્તારમાં ખાનગી બસ કે ભારે વાહનો સામે પોલીસની કાર્યવાહી જોવા મળી નથી. જેથી પોલીસની કામગીરી પર અનેક સવાલો ઉભા થઇ રહ્યા છે. ત્યારે બીજી બાજુ ખાનગી ટ્રાવેલ્સના માલિકનું કહેવું છે કે આ ઘટના ખૂબ જ દુઃખદ હતી અને મોટી બસના ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવામાં આવે છે..ટ્રાવેલ્સના માલિક જયેન્દ્રભાઈ દ્વારા જાહેરનામા ભંગને લઈને પૂછ્યું તો કહ્યું કે ભારતના તમામ રાજ્યોમાં શહેરમાં બસો ચાલી રહી છે તો અમદાવાદમાં કેમ નહીં અને ટ્રાવેલ્સ સંચાલકોને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે.
સતત ત્રીજા દિવસે અકસ્માત, બે અકસ્માતમાં બે મહિલાના મોત
શિવરંજની ચાર રસ્તા પાસે બસ ચાલક ગંભીરસિંહે અકસ્માત સર્જ્યો જેમા આશાસ્પદ યુવતી હિરલ જાદવનું મૃત્યુ નીપજ્યું હતું. તપાસમાં સામ આવ્યુ કે અકસ્માત કરનાર પટેલ ટ્રાવેલ્સ પાસે પરમિશન ન હોવા છતા શહેરમાં બપોરના સમયે બસ દોડી રહી હતી. જેને લઇ ટ્રાફિક પોલીસે જાહેરનામા ભંગનો વધુ એક ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. 24 કલાકમાં બે અકસ્માત સર્જાયા. જેમાં નરોડા પાટિયા પાસે આઇસર ટ્રકે એક મહિલાને અડફેટે લેતા મોત નીપજ્યું છે. મોટા વાહનો બેફામ બની રોડ પર ફરી રહ્યા છે. જેથી લાગી રહ્યું છે કે ભારે વાહન કે બસથી અકસ્માત સર્જી લોકોના મોતની પોલીસ રાહ જોઈ રહી છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો