માનહાનિ કેસમાં સજાને પડકારતી રાહુલ ગાંધીની અરજી પર આજે હાઇકોર્ટમાં સુનાવણી, જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં થશે સુનાવણી
માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની (Rahul Gandhi) અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાશે. આ પહેલા જસ્ટિસ ગીતા ગોપીએ અપીલને 'નોટ બીફોર મી' કરી હતી.
મોદી અટક મામલે માનહાનિના કેસમાં રાહુલ ગાંધીની અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં મહત્વપૂર્ણ સુનાવણી હાથ ધરવામાં આવશે. ગુજરાત હાઇકોર્ટમાં જસ્ટિસ હેમંત પ્રચ્છકની કોર્ટમાં આ સુનાવણી હાથ ધરાશે. આ પહેલા જસ્ટિસ ગીતા ગોપીએ અપીલને ‘નોટ બીફોર મી’ કરી હતી. જે બાદ આ મામલો જસ્ટિસ પ્રચ્છકની કોર્ટમાં મોકલવામાં આવ્યો હતો. 2 વર્ષની સજાના હુકમને પડકારતી અરજી સુરત સેશન્સ કોર્ટે ફગાવતા રાહુલે સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.
મહત્વનું છે કે સુરતની નીચલી કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજા સંભળાવી હતી. જેના કારણે રાહુલ ગાંધીનું સાંસદ પદ રદ થયું છે. જે બાદ રાહુલ ગાંધીએ નીચલી કોર્ટના ચુકાદાને સેશન્સ કોર્ટમાં પડકાર્યો હતો, પરંતુ સેશન્સ કોર્ટે પણ રાહુલની સજા પર સ્ટે મુકતી અરજી ફગાવી દીધી હતી. આથી હવે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટના ચુકાદાને હાઇકોર્ટમાં પડકાર્યો છે.
કોણ છે જસ્ટિસ હેમંત પ્રેચ્છકે ?
રાહુલ ગાંધીની અરજી પર સુનાવણી કરનારા જસ્ટિસ હેમંત પ્રેચ્છકે વર્ષ 1992માં પોરબંદર કોલેજમાંથી કાયદાની ડિગ્રી મેળવી હતી અને તે જ વર્ષે ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ તરીકે પ્રેક્ટિસ શરૂ કરી હતી. તેમણે વર્ષ 2002 થી 2007 દરમિયાન સહાયક સરકારી વકીલ તરીકે પણ કામગીરી કરી. તો વર્ષ 2015 થી 2019 દરમિયાન તેમણે કેન્દ્ર સરકારના સ્ટેન્ડિંગ કાઉન્સિલ તરીકે પણ કામ કર્યું છે. લગભગ 30 વર્ષની પ્રેક્ટિસ બાદ 18 ઓક્ટોબર, 2021ના રોજ હેમંત પ્રચ્છકની જજ તરીકે નિયુક્તિ થઇ.
શું છે સમગ્ર કેસ ?
સમગ્ર કેસની વિગત જોઇએ તો 2019ની લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન કર્ણાટકના કોલારમાં જનસભાને સંબોધિત કરતી વખતે રાહુલ ગાંધીએ મોદી અટકને લઇને ટિપ્પણી કહી હતી. જે બાદ ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ સુરતની કોર્ટમાં રાહુલ વિરૂદ્ધ માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ કેસમાં કોર્ટે 23 માર્ચે ચુકાદો સંભળાવી રાહુલ ગાંધીને 2 વર્ષની સજા ફટકારી હતી.
આ ચુકાદા બાદ રાહુલ ગાંધીના વકીલે જામીન માગતા કોર્ટ દ્વારા તરત જ રાહુલ ગાંધીને 30 દિવસના જામીન આપવામાં આવ્યા હતા. સજાના બીજા જ દિવસે એટલે કે 24 માર્ચે રાહુલ ગાંધીને સાંસદપદ ગુમાવવું પડ્યું હતું. ત્યાર બાદ રાહુલે 3 એપ્રિલના રોજ નીચલી કોર્ટના ચુકાદા સામે સેશન્સ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. જે બાદ 13 એપ્રિલના રોજ કોર્ટમાં બંને પક્ષો વચ્ચે અંદાજે 5 કલાક સુધી દલીલો થઇ. જ્યારે કે 20 એપ્રિલે સુરતની સેશન્સ કોર્ટે રાહુલ ગાંધીની અરજી ફગાવી દઇ તેમની સજા યથાવત રાખી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…