Breaking News : અમદાવાદમાં મલાલાના પુસ્તક વાંચન કાર્યક્રમમાં બજરંગદળ અને CJP-કોંગ્રેસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ
અમદાવાદના વસ્ત્રાપુરમાં મલાલા યુસુફઝાઈના પુસ્તક વાંચન કાર્યક્રમ દરમિયાન બજરંગદળ અને CJP-કોંગ્રેસના કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારી થઈ.

અમદાવાદના વસ્ત્રાપુર નજીક આવેલા ઔડા ગાર્ડનમાં યોજાયેલા નોબેલ પારિતોષિક વિજેતા મલાલા યુસુફઝાઈના પુસ્તક વાંચન કાર્યક્રમમાં ભારે હોબાળો થયો હતો. આ કાર્યક્રમ CJP (Citizens for Justice and Peace) અને કોંગ્રેસના યુવાનો દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો. મલાલાના પુસ્તક વાંચનની માહિતી મળતા જ બજરંગદળના આશરે 20 થી 40 જેટલા કાર્યકરો સ્થળ પર પહોંચ્યા હતા, જેના પગલે બંને જૂથો વચ્ચે ઉગ્ર બોલાચાલી અને મારામારીના દ્રશ્યો સર્જાયા હતા. આ ઘટનામાં કેટલાક લોકોને ઇજા થતાં તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
બજરંગદળના કાર્યકરોનો મુખ્ય વાંધો મલાલા યુસુફઝાઈના કાશ્મીર અને હિન્દુત્વ અંગેના કથિત ભારત વિરોધી વિચારો સામે હતો. બજરંગદળે આક્ષેપ કર્યો હતો કે મલાલા ભારત વિરોધી વિચારધારા ધરાવે છે અને કાશ્મીર મુદ્દે પણ તેણે ભારતનો વિરોધ કર્યો હતો. તેઓએ આ કાર્યક્રમને ભારત વિરોધી અને વામપંથી વિચારધારાના પ્રચાર તરીકે ગણાવ્યો હતો. બજરંગદળના નિવેદન મુજબ, CJP અને કોંગ્રેસના યુવાઓએ રાષ્ટ્રગાનનું અપમાન કર્યું હોવાથી તેમને રોષ વ્યાપ્યો હતો.
બજરંગદળના કાર્યકરોએ ચેતવણી ઉચ્ચારી હતી કે મલાલા ભલે નોબેલ પારિતોષિક વિજેતા હોય, પરંતુ હિન્દુ અને ભારત વિરોધી તત્વોના પુસ્તકોનું વાંચન તેઓ ક્યારેય ચલાવી લેશે નહીં. તેઓએ યુવાનોને દેશ વિરોધી માનસિકતા ધરાવતા લોકોથી દૂર રહેવા અને આવી પ્રવૃત્તિઓ કરનારાઓને બજરંગદળના આક્રોશનો સામનો કરવો પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી.
બીજી તરફ, કાર્યક્રમના આયોજકોએ બજરંગદળના કાર્યકરો પર ગંભીર આરોપો લગાવ્યા હતા. આયોજકોએ જણાવ્યું હતું કે 30-40 જેટલા લોકો જય શ્રી રામના નારા લગાવતા, ગળામાં કેસરી સ્કાર્ફ પહેરીને આવ્યા હતા. તેમની બોડી લેંગ્વેજ આક્રમક હતી અને તેઓ મારપીટ કરવાના ઇરાદે જ આવ્યા હોવાનું લાગી રહ્યું હતું. આયોજકોના જણાવ્યા મુજબ, બજરંગદળના કાર્યકરો પાસે મેટલ રોડ, લાકડીઓ અને બેઝબોલ બેટ જેવા હથિયારો પણ હતા. તેઓએ પુસ્તકો ઉઠાવીને તમે શું કરી રહ્યા છો? તમે દેશભક્તિના ખિલાફ છો જેવા વાક્યો ઉચ્ચાર્યા હતા.
આયોજકોએ વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હોવા છતાં, બજરંગદળના કાર્યકરો વાત કરવાના મૂડમાં ન હોવાનો દાવો કર્યો હતો. મારામારી બાદ ઇજાગ્રસ્ત થયેલા લોકોને પોલીસ દ્વારા વાનમાં બેસાડીને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. આયોજકોએ બજરંગદળને “આતંકવાદી” ગણાવતી પોસ્ટ પણ કરી હોવાનો આરોપ બજરંગદળ દ્વારા મૂકવામાં આવ્યો હતો, જેનાથી મામલો વધુ ગરમાયો હતો.
સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થયો છે, જેમાં બંને પક્ષો વચ્ચેની બોલાચાલી અને ઘર્ષણ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હોવાના અહેવાલ છે. આ ઘટનાએ ફરી એકવાર અભિવ્યક્તિની સ્વતંત્રતા અને સંસ્કૃતિના સંઘર્ષ જેવા મુદ્દાઓને ચર્ચાના કેન્દ્રમાં લાવી દીધા છે.
અમદાવાદ BRTS કોરિડોરમાં ‘સ્વિંગ ગેટ’ બિસ્માર, તંત્રને તાત્કાલિક રિપેરિંગના આદેશ
