લૉ ગાર્ડનમાં બાળકી અપહરણકાંડ, ચાર દિવસ બાદ મહિલા ઝડપાઈ
અમદાવાદમાં ચાર દિવસ પહેલા લૉ ગાર્ડનમાંથી એક બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ચાર દિવસ બાદ સીસીટીવીને આધારે અપહરણ કરનારી મહિલાની ધરપકડ કરી છે.

અમદાવાદમાં ચાર દિવસ પહેલા લૉ ગાર્ડનમાંથી એક બાળકીનું અપહરણ થયું હોવાની ઘટના સામે આવી હતી. પોલીસે ચાર દિવસ બાદ સીસીટીવીને આધારે અપહરણ કરનારી મહિલાની ધરપકડ કરી છે. પોલીસે સતત ચાર દિવસ અલગ અલગ જગ્યાઓના સીસીટીવી તપાસ કર્યા હતા અને તેને આધાર બાળકીને શોધી કાઢી હતી. જે મહિલા દ્વારા બાળકીનું અપહરણ કરવામાં આવ્યું તેની પૂછપરછ કરતા ચોંકાવનારી હકીકત સામે આવી છે.
અમદાવાદમાં ’24 મે’ના દિવસે સાંજે 5.30 થી 7 વાગ્યાની વચ્ચે લૉ ગાર્ડનમાંથી બાળકીનું અપહરણ કરવામાં આવ્યું હતું. બાળકીનો પરિવાર લૉ ગાર્ડન આસપાસ છૂટક વસ્તુઓ વેચતો હતો અને બાળકી તેના દાદી સાથે લૉ ગાર્ડનમાં બેઠી હતી. આ દરમિયાન બાળકી ગાર્ડનમાંથી ગુમ થતા તેના પરિવારે પોલીસનો સંપર્ક કર્યો હતો.
ઘટનાની ગંભીરતાને જોઈને નવરંગપુરા પોલીસ સ્ટેશન, ઝોન-1 એલસીબી ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા બાળકીની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચની અલગ અલગ 7 ટીમોના 70 થી વધુ અધિકારીઓ અને પોલીસકર્મીઓએ બાળકીની શોધખોળ શરૂ કરી હતી. અધિકારીઓ અને પોલીસકર્મીઓની આ શોધખોળ આખરે આજે રંગ લાવી હતી. વાત એમ છે કે, આજે ક્રાઈમ બ્રાન્ચને એલિસબ્રિજ રિવરફ્રન્ટ વિસ્તારમાંથી બાળકી અને અપહરણ કરનાર મહિલા નિકિતા દંતાણી બંને મળી આવ્યા હતા. ક્રાઇમ બ્રાંચે બાળકીને તેના માતા પિતાને પરત કરી છે જ્યારે અપહરણકર્તા મહિલાની ધરપકડ કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
અપહરણ કરવા પાછળનું કારણ ‘અજીબ’
આરોપી નિકિતાની પૂછપરછમાં સામે આવ્યું છે કે, નિકિતાનો પહેલો પતિ બીમારીને કારણે મૃત્યુ પામ્યો હતો જે બાદ તેને અન્ય પુરુષ સાથે પ્રેમલગ્ન કર્યા હતા. પ્રેમલગ્નને કારણે નિકિતાના પરિવારે તેની સાથે સબંધ તોડી નાખ્યા હતા. બીજી બાજુ બીજા લગ્ન બાદ નિકિતાને સંતાન નહીં થતું હોવાથી તેના પતિએ તેને ઘરમાંથી કાઢી મૂકી હતી, જે બાદ નિકિતા છૂટક મજૂરી કરી એકલવાયું જીવન જીવતી હતી.
આરોપી નિકિતા ત્રણ દિવસ પહેલા લૉ ગાર્ડનમાં બેઠી હતી, ત્યાં તેણે આ બાળકીને રમતી જોઈ અને પોતે પણ બાળકીને રમાડવા લાગી હતી. બાળકી સાથે રમતા રમતા તેને મનમાં વિચાર આવ્યો કે આ બાળકીને તે લઈ જશે તો કદાચ તેનું લગ્ન જીવન સારું થઈ જશે અને તેનો પતિ પણ ખુશ થઈ જશે. આ વાત ધ્યાનમાં રાખીને નિકિતાએ એકાદ કલાક બાળકીને રમાડી અને સમય મળતા જ બાળકીને લઈને રફૂચક્કર થઈ ગઈ હતી. આ ઘટના બાદ નિકિતા રિવરફ્રન્ટની અલગ અલગ જગ્યાઓ પર રહેતી હતી.
સીસીટીવી ફૂટેજને આધારે ઝડપાઈ મહિલા આરોપી
પોલીસની તપાસમાં સામે આવ્યું કે, આરોપી નિકિતા બાળકીને લૉ ગાર્ડનથી લઈને નીકળી ત્યારે બાળકીને માથે કપડું ઢાંકી કાઢ્યું હતું. આટલું જ નહીં પોલીસ અને અન્ય પરિવારજનોથી બચવા નિકિતાએ બાળકીના કપડા બદલાવી નાખ્યા અને તેના વાળ પણ કાપી નાખ્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે અલગ અલગ સીસીટીવી ફૂટેજને આધારે આ મહિલાને એલિસબ્રિજની નીચે રિવરફ્રન્ટ પર પાસેથી શોધી કાઢી હતી.
ક્રાઈમ બ્રાન્ચ જ્યારે તપાસ કરવા અલગ અલગ સીસીટીવી જોઈ રહી હતી ત્યારે જાણવા મળ્યું કે, લૉ ગાર્ડનની આસપાસના સીસીટીવી બંધ હાલતમાં છે. આને કારણે પોલીસને બાળકી સુધી પહોંચતા ત્રણ દિવસ લાગ્યા. જો કે, પોલીસ દ્વારા એએમસીને સીસીટીવી કેમેરા બંધ હોવાની જાણ કરવામાં આવશે.