રાજસ્થાનથી કાર લઈને ગુજરાતમાં કાર ચોરવા માટે આવતા, ચોરેલી કાર ડ્રગ્સની હેરાફેરી કરવા લોકોને વેચી નાખતા- સ્કોર્પિયો ગેંગનો પર્દાફાશ
અમદાવાદ: થોડા દિવસ પહેલા સાણંદમાં સ્કોર્પિયો કારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરતા સાણંદ પોલીસે રાજસ્થાનથી સ્કોર્પિયો ગેંગને પકડી પાડી છે. આ ગેંગ રાજસ્થાનથી કાર ચોરી માટે ખાસ ગુજરાત આવતી હતી.
અમદાવાદ જિલ્લાના સાણંદમાં એક સ્કોર્પિયો કારની ચોરી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જેની તપાસ કરતા સાણંદ પોલીસે રાજસ્થાનથી સ્કોર્પિયો ચોર ગેંગ પકડી પાડી છે. આ ગેંગ રાજસ્થાનથી કાર ચોરી કરવા ખાસ ગુજરાત આવતી હતી. સાણંદ પોલીસે રાજસ્થાનથી ઓમપ્રકાશ બિશ્નોઇ અને માંગીલાલ બિશ્નોઇની ધરપકડ કરી છે. જેની પાસેથી પોલીસે એક સ્કોર્પિયો, મારુતિ સુઝુકી અને મોબાઈલ જપ્ત કર્યા છે. પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું કે આ ગેંગના હજી રસૂલખાન અને સુરેશકુમાર બિશ્નોઈ નામના બે આરોપીઓ સામેલ છે. જેની પોલીસે શોધખોળ હાથ ધરી છે. આ ગેંગ દ્વારા સાણંદ વિસ્તારમાંથી 4 કારની ચોરીઓ કરી હોવાની કબૂલાત કરી છે.
સ્કોર્પિયો ગેંગના સભ્યોએ કરેલી ગુનાની કબુલાત
- આજથી આશરે એક વર્ષ પહેલા વડોદરા શહેર હાઇવે પાસેથી ઓમપ્રકાશ અને માંગીલાલે સ્કોરપીયો એસ-11 સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરેલી છે.
- આજથી આશરે દશેક મહિના પહેલા કલોલ હાઇવે બ્રિજ પાસેથી ઓમપ્રકાશ અને માંગીલાલે સ્કોરપીયો એસ-11 સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરેલી છે.
- આજથી આશરે નવેક મહિના પહેલા અમદાવાદ શહેર હાઇવે રોડ ઉપરથી ઓમપ્રકાશ અને માંગીલાલ બંનેએ સ્કોરપીયો ક્લાસીક સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરી
- આજથી આશરે છ મહિના પહેલા વડોદરા શહેર રાજપીપળા ચોકડી નજીકથી ઓમપ્રકાશ અને માંગીલાલ બંનેએ સ્કોરપીયો એસ-5 સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરી.
- આજથી આશરે પાંચ-છ મહિના પહેલા સાણંદ મુનીઆશ્રમ રોડ નજીકથી ઓમપ્રકાશ અને માંગીલાલ બંનેએ સ્વીફ્ટ સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરી.
- આજથી આશરે ચારેક મહિના પહેલા વડોદરા શહેર રાજપીપળા ચોકડીથી આગળ આવેલ ચોકડી નજીકથી ઓમપ્રકાશ અને માંગીલાલ બંનેએ સ્કોરપીયો એસ-11 સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરી.
- આજથી ચાર મહિના પહેલા સાણંદ મંગલતીર્થ સોસાયટી ખાતેથી ઓમપ્રકાશ, માંગીલાલ, રસુલખાન ત્રણેય જણાએ સ્કોરપીયો ક્લાસીક સફેદ કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરી.
- આજથી દોઢેક મહિના પહેલા કલોલ હાઇવે રોડ પુલની બાજુમાંથી ઓમપ્રકાશ અને માંગીલાલ બંનેએ સ્કોરપીયો ક્લાસીક બ્લેક કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરી.
- 22 એપ્રિલના રોજ સાણંદ હજારીમાતાના મંદિર પાછળથી ઓમપ્રકાશ અને માંગીલાલ બંનેએ સ્કોરપીયો ક્લાસીક બ્લેક કલરની ફોરવ્હીલ ગાડીની ચોરી કરેલ.
ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાના ડિટેક્ટ થયેલ ગુના
- વડોદરા શહેર બાપોદ પોલીસ સ્ટેશન
- વડોદરા શહેર કપુરાઈ પોલીસ સ્ટેશન
- વડોદરા શહેર મકરપુરા પોલીસ સ્ટેશન
- કલોલ શહેર પોલીસ સ્ટેશન
- કલોલ શહેર પોલીસ સ્ટેશન
સ્કોર્પિયો ગેંગની મોડસ ઓપરેન્ડી
- આ કામના આરોપીઓ પોતાની ફોરવ્હીલ ગાડી લઈ ચોરી કરવા આવે છે. જેમાં કોઇ બીજા વાહનની ચોરી કરેલ નંબરપ્લેટ લગાવી ચોરી કરવા માટે આવે છે.
- સૌ પ્રથમ આ કામના આરોપીઓ રાત્રીના દશ વાગ્યા આસપાસ ખુલ્લી જગ્યામાં પાર્ક કરવામાં આવેલી ગાડીની રેકી કરી અને ગાડી જોઇ લે છે. ત્યારબાદ રાત્રિના બે-ત્રણ વાગ્યાની આસપાસ ગાડીની ચોરી કરે છે.
- ગાડીની ચોરી કરતી વખતે સૌ પ્રથમ આરોપીઓ ગાડીની નીચે જઈને કારની સાયરનનો વાયર કાપી નાખે. જેથી દરવાજો ખોલાવાથી સાયરન ન વાગે.
- ત્યાર બાદ કારની વચ્ચેના દરવાજામાં આવેલ બે કાચ પૈકી નાના કાચની રીબીન કાઢી ડીસમીસથી આખો કાચ કાઢી નાખે છે.
- ત્યારબાદ અંદર હાથ નાખી વચ્ચેનો દરવાજો ખોલી ગાડીની અંદર પ્રવેશ કરે છે.
- ત્યારબાદ સ્ટેયરીંગ વ્હીલની નીચે આવેલ ઇમોબીલાઇઝરના સ્ક્રુ ખોલી આખુ ઇમોબિલાઇઝર કાઢી નાખે છે અને પોતાની સાથે લાવેલ ઇમોબિલાઇઝર ફિટ કરી દે છે.
- ત્યારબાદ બોનેટ ખોલી બોનેટમાં આવેલ ઇસીએમ કાઢી અને પોતાની સાથે લાવેલ પોતાના સેટનુ ઇસીએમ લગાવી નાખે છે.
- ત્યાર બાદ ગાડી ચાલુ થઇ જાય તો ગાડી લઇને જતા રહે છે.
- ત્યાર બાદ અગાઉથી નક્કી થયેલ રૂટ મજબ પોતાની અને ચોરી કરેલ કાર લઇ હાઇસ્પીડથી પોતાની નક્કી કરલી જગ્યાએ જતા રહે છે.
કાર ચોરી કરી ચોરાઉ ગાડીનો ઉપયોગ
આ કામના આરોપીઓ ચોરી કરેલી ગાડીઓ ચોરી કર્યા બાદ રાજસ્થાનના લોકલ એન.ડી.પી.એસ.ની ગેરકાયદેસર હેરાફેરી સાથે સંકળાયેલા લોકોને નજીવી કિંમતે વેંચી નાખે છે. જેથી કરીને આવી ગુનાહીત પ્રવૃત્તિમાં આવી ગાડી પકડાય અને આરોપી નાસી જવામાં સફળ થાય તો તે પોતાની ઓળખ છુપાવી શકે તે સારૂ ઉપયોગમાં લે છે.