ખ્યાતિ હોસ્પિટલના કાળા કારસ્તાનનો વધુ એક કિસ્સો ખૂલ્યો, ગાંધીનગરના શેરથા ગામના લોકોને પણ સારવારના નામે બનાવ્યા શિકાર- Video
અમદાવાદની મેડિકલ માફિયાગીરીમાં અવ્વલ કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલની એક બાદ એક કાળી કરતુત ખુલ્લી પડી રહી છે. ત્યારે ન માત્ર મહેસાણા તાલુકામાં પરંતુ ગાંધીનગરના શેરથા ગામના લોકોને પણ સારવારના નામે શિકાર બનાવી ચીરી નાખી પૈસા પડાવ્યા હોવાનુ સામે આવ્યુ છે.
અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટના કાળા કારસ્તાન એક બાદ એક સામે આવી રહ્યા છે. ફ્રી કેમ્પના નામે સારવાર માટે અમદાવાદ બોલાવી નાણા કમાવાનો જાણે ખ્યાતિએ વ્યવસાય બનાવી દીધો હતો. ફ્રી મેડિકલ કેમ્પ યોજી PMJAY દ્વારા દર્દીઓની જાણ બહાર સારવાર કરી નાણા કમાવવાના કૌભાંડમાં ખ્યાતિ હોસ્પિટલની મુખ્ય ભૂમિકા હાલ સામે આવી છે. ખ્યાતિ હોસ્પિટલના આ કારનામા માત્ર મહેસાણા જિલ્લા પૂરતા સિમિત નથી પરંતુ તેનુ કૌભાંડ રાજ્ય વ્યાપી ફેલાયેલુ છે તેમ કહીએ તો પણ અતિશયોક્તિ નથી. ખ્યાતિ હોસ્પિટલે મહેસાણાના કડીની જેમ જ ગાંધીનગરના શેરથા ગામના ભોળા ગ્રામજનોને પણ ડર બતાવી જરૂર ન હોવા છતા એન્જિયોપ્લાસ્ટી કરી સ્ટેન્ડ મુક્યા હતા. જેમા એક વૃદ્ધનું મોત થયુ હતુ.
શેરથા ગામમાંથી 17 લોકોને બસ ભરીને એન્જિયોપ્લાસ્ટી માટે અમદાવાદ લવાયા
બે વર્ષ અગાઉ શેરથા ગામમાં ખ્યાતિ હોસ્પિટલે ફ્રી કેમ્પ યોજીને 9 જેટલા દર્દીઓને અંધારામાં રાખી બારોબાર એન્જિયોપ્લાસ્ટી કરી નાખી હતી. દર્દીઓને અંધારામાં રાખી સારવાર કરવામાં આવતી હોવાની જાણ થતા જ 4 જેટલા દર્દીઓ તો સારવાર કરાવવી જ નથી તેમ કહી ત્યાથી ભાગી છૂટ્યા હતા અને આથી તેઓ બચી ગયા.
જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેતા હાલ જીવીએ ત્યા સુધી દર મહિને 3 હજાર રૂપિયાની દવા લેવી પડે છે
શેરથા ગામના એક વડીલે tv9 સમક્ષ તેમની વેદના ઠાલવી કે અમને જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દીધુ. સાજા સારા હોવા છતા સ્ટેન્ડ મુકી દીધુ. જેના કારણે હાલ દર મહિને 3 હજાર રૂપિયાની દવા લેવી પડે છે. દવાના પૈસા પણ જેમતેમ કરી ભેગા કરીએ છીએ. જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દીધા અને હવે જીવીએ ત્યા સુધી દર મહિને ત્રણ હજાર રૂપિયાની દવા લેવી પડે છે. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા આજીવન તેમની હોસ્પિટલની મેડિકલમાંથી અપાયેલી દવાઓ લેવાની પણ ફરજ પાડવામાં આવે છે. ભોગ બનેલા વૃ઼દ્ધ જણાવે છે કે સ્ટેન્ટ મુક્યુ એ પહેલા તેમણે ક્યારેય બીપીની દવા લીધી ન હતી અને સ્ટેન્ટ મુક્યા બાદ તેમને આજીવન દવા લેવી પડે તેવી સ્થિતિ છે.
21 જૂને 2022માં શેરથા ગામમાં કેમ્પ યોજ્યો અને 17 લોકોને એન્જિયોપ્લાસ્ટી માટે અમદાવાદ બોલાવ્યા
21 જૂન, 2022ના રોજ શેરથામાં ખ્યાતિ હોસ્પિટલે કેમ્પ કર્યો હતો. આ દરમિયાન 22 જૂને 17 ગામલોકોને બસમાં અમદાવાદ હોસ્પિટલે લવાયા હતા. ભોગ બનનાર જતિનભાઈએ જણાવ્યુ કે મારા પિતાની જરૂર ન હોવા છતા એન્જિયોપ્લાસ્ટી કરવામાં આવી હતી. જેમા સ્ટેન્ટ મુકાયા પણ તેમને છાતીમાં દુખાવો થતો હતો. એક દિવસ અચાનક વધુ દુખાવો થતા ગાંધીનગર સિવિલમાં લવાયા હતા. અહીં સારવાર દરમિયાન તેમનુ મૃત્યુ થયુ હતુ.
શેરથા ગામના 17 લોકો પૈકી જેમની પાસે આયુષ્યમાન કાર્ડ ન હતુ તેમને સારવાર કર્યા વિના જ પરત મોકલ્યા
ખ્યાતિ હોસ્પિટલ દ્વારા ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી. ગાંધીનગરના શેરથા ગામના 17 ગામલોકોને લઈ જવાયા હતા અને જેમની પાસે આયુષ્યમાન કાર્ડ ન હતા તેમને સારવાર વિના ઘેર મોકલી દેવાયા હતા અને 9 દર્દીઓને જરૂર ન હોવા છતા સ્ટેન્ટ મુકી દેવાયા હતા. જે પૈકી એક દર્દીનું તો બે દિવસમાં જ મૃત્યુ નિપજ્યુ હતુ. ખ્યાતિ હોસ્પિટલ પૈસા પડાવવા માટે દર્દીઓને અમદાવાદ બોલાવતી હતી અને સ્ટેન્ટ મુક્યા બાદ તરત જ એ જ દિવસે ડિસ્ચાર્જ કરી દેવામાં આવતા. જે દર્દીને સ્ટેન્ટ મુક્યુ હોય તેમને 24 કલાક ઓબ્ઝર્વેશનમાં રાખ્યા વિના જ રવાના કરી દેતી હોવાનું પણ સામે આવ્યુ છે. કડીના દર્દીઓ સાથે પણ આ જ પ્રકારની કરતુત કરવામાં આવી હતી. 7 દર્દીઓને સ્ટેન્ટ મુક્યા બાદ રાતોરાત ડિસ્ચાર્જ કરી દીધા હતા. કોઈ જ ઓબ્ઝર્વેશનમાં રાખવામાં આવ્યા ન હતા.
દર્દીઓને લેવા માટે બસ મોકલી અને ઓપરેશન બાદ ઘરે જવા માટે ગાડીની વ્યવસ્થા પણ ન કરી આપી
ખ્યાતિ દ્વારા ગામમાંથી દર્દીઓને લાવવા માટે બસ મોકલવામાં આવતી હતી પરંતુ ઓપરેશન કર્યા બાદ તેમને મોકલવા માટે કોઈ જ બસ રાખવામાં આવી ન હતી. દર્દીઓએ ખુદના ખર્ચે હોસ્પિટલથી પોતાના ગામ શેરથા પહોંચ્યા હતા. આ સમગ્ર મામલે આરોગ્ય વિભાગના રિપોર્ટમાં પણ મોટો ઘટસ્ફોટ થયો છે. જેમા ખ્યાતિ હોસ્પિટલ દ્વારા કરાયેલી અત્યાર સુધીની દરેક એન્જિયોપ્લાસ્ટી જરૂર વિના જ કરવામાં આવી છે. માત્ર આયુષ્યમાન કાર્ડમાંથી પૈસા લૂંટવા માટે દર્દીના જીવન સાથે ખેલ ખેલવામાં આવતો હોવાનો પર્દાફાશ થયો છે.