અમદાવાદમાં માવઠાએ શેલા વિસ્તારની બગાડી નાખી દશા, થોડા વિસ્તારમાં ઠેર ઠેર રસ્તા બેસી ગયા, જ્યાં જુઓ ત્યાં ખાડા, જુઓ Video
છેલ્લા એક સપ્તાહથી રાજ્યમાં માવઠાની સ્થિતિ છે. આ દરમિયાન અમદાવાદમા અર્બન વિસ્તારમાં જેની ગણતરી થાય છે તે શેલા વિસ્તારમાં ઠેર ઠેર ખાડ પડ્યા, અનેક જગ્યાએ રસ્તાઓ બેસી ગયા. ઠેર ઠેર પાણી ભરાયા જેના નિકાલની ગયા ચોમાસે પણ કોઈ વ્યવસ્થા ન હતી. હદ તો એ છે કે સિઝન વિના વરસેલા માવઠાના વરસાદમાં પણ શેલામાં ઠેર ઠેર પાણી ભરાયા છે અને સ્થાનિકો બીચારા હાય તૌબા પોકરી રહ્યા છે.
રાજ્યભરમાં માવઠાનો માર છે. ચોમાસા પહેલાં જ આ માવઠુ તંત્રની પોલ ખોલી રહ્યું છે. અમદાવાદના “અર્બન એરિયા” તરીકે ઓળખાતા શેલાની સ્થિતિ દર ચોમાસામાં વણસતી જ હોય છે. પરંતુ, આ વખતે તો કમોસમી વરસાદ પણ શેલામાં મુસીબત બનીને ત્રાટક્યો છે. જો કે અર્બન એરિયા નહીં પરંતુ અર્બન સ્લમ કહેવુ જોઈએ. આ આક્ષેપો ખુદ શેલાના સ્થાનિકો જ કરી રહ્યા છે. અમદાવાદમાં બે દિવસ કમોસમી વરસાદ વરસ્યો અને રસ્તા કંઈક એવા ધોવાયા કે કેટલીક જગ્યાએથી ડામર જ ગાયબ થઈ ગયો.
શેલામાં ચાલતું ગટરનું કામ પૂર્ણ થવાનું નામ જ નથી લઈ રહ્યું. અને તેને લીધે સ્થિતિ એ છે કે અનેક સ્થળે ગટર ચેમ્બરની આસપાસ જ રસ્તા બેસી ગયા છે. રસ્તાઓ પર જાણે ખાડાઓનું સામ્રાજ્ય ખડકાયુ છે. તંત્ર દ્વારા વિકાસના દાવા તો બહુ થયા પરંતુ થોડા વરસાદમાં જ બદ્દ થી બદ્દતર સ્થિતિ થઈ જાય છે .તેના નમૂના શેલા વિસ્તારના આ દૃશ્યો આપી રહ્યા છે. તંત્રની કામગીરી દરમિયાન જ રસ્તા પર વિશાળકાય ખાડો પડી ગયો અને સમારકામ કરવા લવાયેલી ક્રેન જ ખાડામાં ગરક થઈ ગઈ છે. આ ક્રેન તો બહાર આવી છે પણ, લોકોના મનમાં ઘર કરી ગયેલો ડર સતત વધી રહ્યો છે કે શેલામાં ક્યારે કયા સ્થળે રસ્તો બેસી જાય તે કહેવાય નહીં.
ભર ચોમાસાની વાત જવા દો સામાન્ય વરસાદમાં પણ શેલામાં પાણી ભરાઈ જાય છે. એ હદે કે ઘરની બહાર નીકળવું પણ લોકો માટે મુસીબત બની જાય છે. લોકોનું કહેવું છે કે જ્યારે એક દિવસના વરસાદમાં આવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે ચોમાસામાં શું થશે તે મોટો સવાલ છે ? પાલિકાના પોકળ પ્લાનિંગ સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે. ભૂતકાળમાં ઓર્ચિડ સ્કાય પાસે પડેલા ભૂવાને લીધે લોકોના ધંધા પણ 6 મહિના માટે બંધ થઈ ગયા હતા. લોકો ટ્રાફિકની સમસ્યાથી પણ ત્રાહિમામ્ પોકારી રહ્યા છે.
ઊંચી કિંમતો ચુકવીને લોકોએ અમદાવાદના “ન્યૂ ડેવલપ એરિયા” શેલામાં મકાનો ખરીદ્યા હતા. પરંતુ, હવે સ્થિતિ એવી છે કે સમસ્યાઓ સમાપ્ત થવાનું નામ જ નથી લઈ રહી અને એટલે જ સ્થાનિકો તેને અમદાવાદનું “અર્બન સ્લમ” કહી રહ્યા છે. સવાલ એ છે કે તંત્ર ક્યારે જાગશે ?
Input Credit- Sachin Patil- Ahmedabad