અમદાવાદમાં ફરી એકવાર અનરાધાર વરસાદ વરસ્યો અને ભ્રષ્ટ તંત્રની નબળી કામગીરીની પોલ ખોલી નાખી. શહેરના પોશ વિસ્તારમાં પણ તંત્ર દ્વારા ડ્રેનેજની કોઈ સુવિધા કરવામાં આવી નથી. સ્ટ્રોમ વોટર ડ્રેનેજના નામે મસમોટા દાવાઓનો શહેરમાં વરસેલા સાત ઈંચ વરસાદે જ ફિયાસ્કો કરી નાખ્યો છે. દર વર્ષે પૂર્વ વિસ્તારમાં તો પાણી ભરાય છે પરંતુ શહેરના પોશ વિસ્તારોમાં ગણાતા સિંધુ ભવનના હાલ પણ બેહાલ જોવા મળ્યા. અહીં રોડ પરથી હોડી લઈને નીકળવુ પડે તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
આ વિસ્તારમાંથી અવરજવર કરનારા લોકોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે. ન માત્ર ટુવ્હીલર વાહનો પરંતુ લોકોની કાર પણ વરસાદી પાણીમાં બંધ પડી જતા લોકોએ રોડ વચ્ચે મુકીને જ ચાલીને જવાની ફરજ પડી રહી છે. શહેરના સિંધુ ભવન રોડની આઈકોનિક રોડ તરીકે ગણના થાય છે. અહીં દુકાનો પણ કરોડોની કિંમતમાં વેચાય છે. અત્યંત ધનાઢ્ય લોકો જ્યાં રહે છે એ સિંધુભવન રોડ પર પણ ઘૂંટણસમા પાણી ભરેલા જોવા મળ્યા. જે સ્પષ્ટપણે એ પુરાવો આપી રહ્યુ છે કે અમ્ય.કો.એ પ્રિમોન્સુન કામગીરીના નામે કરોડોના બજેટ ફાળવી માત્ર પ્લાન પાસ કર્યા છે જમીની સ્તર પર લેશમાત્ર કામગીરી જોવા મળતી નથી.
કરોડો ખર્ચીને પણ લોકોને પાયાની સુવિધા નથી મળી રહી અને દર વર્ષે એની એ જ હાલાકી વેઠવા લોકો મજબુર બને છે. દર વર્ષે અહીંથી જાણે નદીઓનો ત્રિવેણી સંગમ મળતો હોય એ પ્રમાણે પાણી ભરાય છે અને તંત્ર દર વર્ષે નફ્ફટ બની નવ- નવા મસમોટા દાવા કરતુ રહે છે અને થોડા વરસાદમાં આ તમામ દાવાઓ પોકળ સાબિત થાય છે. અહી પુષ્કળ પ્રમાણમાં ભરાયેલા પાણી જ તંત્રની શિથિલ, નબળી કામગીરીની સાબિતી આપી રહ્યા છે. અહીંથી પસાર થતા દરેક પરેશાન નાગરિકોનો તંત્રને એક જ સવાલ છે કે કરોડો ખર્ચીને અને લાખોનો ટેક્સ ભરીને પણ જો આ જ હાલાકી વેઠવાની હોય તો ટેક્સ શેનો વસુલો છો? લોકોને જો સુવિધા નથી આપી શક્તા તો ટેક્સ શાનો વસુલો છો?
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો