અમદાવાદીઓની આતુરતાનો આવ્યો અંત, ત્રણ દાયકા બાદ વાસણાથી ચાંદખેડા વચ્ચે શરૂ કરાઈ ડબલ ડેકર બસ, બાળકોએ માણ્યો પિકનિકનો આનંદ- વીડિયો
અમદાવાદમાં 33 વર્ષ બાદ વાસણાથી ચાંદખેડા વચ્ચે ડબલ ડેકર AC બસ શરૂ કરવામાં આવી છે. બસમાં નીચે 29 અને ઉપરના ભાગમાં 36 પેસેન્જર્સને બેસાડી શકાય તે પ્રકારની વ્યવસ્થા છે. આગામી દિવસોમાં શહેરના તમામ ઝોન મુજબ એક AC ઈલેક્ટ્રીક ડબલ ડેકર બસ દોડાવવામાં આવશે. જેના માટે સાતેય ઝોનમાં ડેકોરેટિવ બસ શેલ્ટર મુકવામાં આવશે. મનપા દ્વારા હાલ એક ડબલ ડેકર AC બસ શરૂ કરાઈ છે જે આગામી એપ્રિલ મહિના સુધીમાં નવી 6 ડબલ ડેકર એસી ઈ-બસ મુકવાનું આયોજન છે.
અમદાવાદના રસ્તા ઉપર દોડતી ડબલ ડેકર બસ 33 વર્ષ પહેલા બંધ કરાઈ હતી. જે આજે ફરીવાર અમદાવાદના રસ્તા પર દોડતી દેખાઈ. શનિવારે મેયરે બસને ખુલ્લી મુક્યા બાદ રવિવારથી શહેરીજનો માટે બસની સવારી શરૂ થઈ છે. ડબલ ડેકર બસની સવારી કેવી રહે છે એ જાણવા ટીવી 9 ની ટીમે પણ મુસાફરી કરી.
વાસણાથી વાડજ વચ્ચે દોડી બે માળની બસ
ત્રણ દાયકા બાદ અમદાવાદમાં શરૂ થયેલ ડબલ બસ ની મુસાફરી માટે સવારથી જ અમદાવાદીઓનો ઉત્સાહ જોવા મળ્યો. આજે પ્રથમ દિવસે વાસણાથી વાડજ વચ્ચે ડબલ ડેકર બસ દોડાવવામાં આવી. નીચે 28 અને ઉપર 36 બેઠકો મળી 64 લોકોની બેઠક ક્ષમતા ધરાવતી ડબલડેકર બસ એક અલગ જ અનુભવ આપે છે. સીસીટીવીથી સજ્જ બસમાં ડ્રાઇવરના પાછળના ભાગેથી જ ઉપરના માળે જવાય છે. બસના ઉપરના ભાગે બેસી મુસાફરી કરવાનો આનંદ જ અલગ છે. ઇલેક્ટ્રિક અને ડબલ ડેકર હોવાથી બસને 30 થી 40 ની સ્પીડે ચલાવવામાં આવે છે. AMTSની સામાન્ય ટિકિટ જેટલા જ દર ધરાવતી ડબલ ડેકરમાં પ્રથમ દિવસે મુસાફરોએ કહ્યું કે ડબલ ડેકરની મુસાફરી પૈસા વસુલ છે.
લોકો બાળકોને લઇ પિકનિક કરવા પહોંચ્યા
અમદાવાદમાં ત્રણ દાયકા પહેલા ડબલ ડેકર બસ ચાલતી હતી જે બંધ થયા બાદ શરૂ થતા સાથે જ મોટેરાઓ તેમજ નાના બાળકો બસની મજા લેવા માટે પહોંચ્યા હતા. કેટલાક પરિવારો પોતાના બાળકોને લઈ સ્પેશિયલ રૂટનો આનંદ લેવા માટે પિકનિકની જેમ ડબલ ડેકર બસની મુસાફરી કરી. એક મુસાફરે જણાવ્યું કે હું મણીનગરથી બાળકોને લઈ માત્ર ડબલ ડેકરનો બસનો અનુભવ લેવા માટે આવ્યો છું. આવી સરસ વ્યવસ્થા ઉભી કરવા બદલ સરકારનો આભાર. અન્ય એક વરિષ્ઠ નાગરિકે જણાવ્યુ કે અમદાવાદમાં ડબલ ડેકર બસમાં બેસીને ત્રીસ વર્ષ જુના સંભારણાઓ યાદ આવી ગયા. સરકારે આવી ડબલ ડેકર વધારે બસો શરૂ કરવી જોઈએ.
આ પણ વાંચો : કેન્દ્ર સરકારની જાહેરાત બાદ આ કંપનીનો શેર બન્યો રોકેટ, રોકાણકારોએ શેરની ખરીદી માટે મચાવી લૂંટ
એપ્રિલથી અન્ય 6 ડબલ ડેકર બસ શરૂ થશે
હાલ અમદાવાદમાં માત્ર એક ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવી છે. જોકે આગામી એપ્રિલ મહિનાથી અન્ય 6 ડબલ ડેકર બસ પણ અમદાવાદના રસ્તાઓ પર દોડતી જોવા મળશે. મહાનગરપાલિકા AMTSના બજેટમાં સાત ડબલ ડેકર એસી બસ શરૂ કરવાનું જણાવ્યું હતું. જે પૈકી પ્રથમ ડબલ ડેકર બસ દોડતી થઈ ચૂકી છે.