Ahmedabad: ભાર વગરના ભણતરના નિયમનો ઉલાળિયો, tv9ના રિયાલિટી ચેકમાં સામે આવ્યા ભાર સાથેના ભણતરના દૃશ્યો-જુઓ Video
Ahmedabad: નવી શિક્ષા નીતિ, નવા નિયમો અને ભાર વગરના ભણતર અંતર્ગત નિયમ તો બનાવી દીધા પરંતુ આ અમલનો કાગળ પર આદેશ થઈ ગયો પરંતુ હકીકત અહીં જે વીડિયોમાં દેખાય છે તે જ છે.
Ahmedabad: ધોરણ.1થી 12ના વિદ્યાર્થીઓના સ્કૂલબેગના વજન અંગે નવો પરિપત્ર આવતા જ વિદ્યાર્થીઓ અને વાલીઓ બંને માટે આ ખુશીના સમાચાર છે. સરકારનો હેતુ સારો છે, ચોક્કસ વિદ્યાર્થીઓને મોટી રાહત મળશે, પરંતુ શું શાળાઓમાં આ નિયમોનું પાલન થાય છે ખરું ? આ સવાલનો જવાબ મેળવવા TV9એ રિયાલિટી ચેક કર્યું.
Tv9ની ટીમ દ્વારા શહેરની જૂદી જૂદી ખાનગી સ્કૂલો પર પહોંચ્યા અને વિદ્યાર્થીઓના સ્કૂલબેગના વજન વિશે તપાસ કરી તો ચોંકાવનારા દૃશ્યો જોવા મળ્યા. અહીં અહીં વિદ્યાર્થીઓ ભણતર માટે ભાર વેઠીને સ્કૂલે જતાં જોવા મળ્યા. ભારે ભરખમ સ્કૂલ બેગ સાથે નાના નાના ભૂલકા હોંશે હોંશે સ્કૂલ જઇ રહ્યા છે. નિયમ મુજબ સ્કૂલ બેગનું વજન બાળકના વજનનું દસમા ભાગ જેટલું જ હોવું જોઈએ. પરંતુ જ્યારે TV9એ તપાસ કરી તો જે સત્ય સામે આવ્યું તે શિક્ષણ વિભાગના અધિકારીઓની આંખો ખોલનારૂ હતું. આપને જણાવી દઇએ સચોટ સ્થિતિ જાણવા અમારી ટીમે સ્કૂલ બેગ સાથે બાળકોનું પણ વજન કર્યું. અને જે તફાવત સામે આવ્યો તે ચોંકાવનારો હતો. અહીં 30-32 કિલોગ્રામના બાળકોના સ્કૂલ બેગનું 8 કિલો, 8.5 કિલો, 7.5 કિલો વજન જોવા મળ્યુ.
નિયમોનો છડેચોક ભંગ, બાળકોના સ્કૂલબેગમાં 8-8 કિલો વજન
33 કિલો વજન ધરાવતા બાળકની સ્કૂલ બેગનું વજન નીકળ્યું 8.5 કિલો. તો બીજી તરફ સ્કૂલના સંચાલકો જ નિયમોની ઐસીતૈસી કરી બાળકોનો પુસ્તકો લાવવા દબાણ કરતા હોવાનો વાલીઓનો આક્ષેપ છે. છડેચોક ભાર વિનાના ભણતરના નિયમનો ભંગ થઈ રહ્યો છે. આ માત્ર એક સ્કૂલની વાત નથી. સચોટ તપાસ માટે tv9ની ટીમ દ્વારા અન્ય સ્કૂલ પર પણ તપાસ કરવામાં આવી. જો કે અહીં પણ સરકારી ચોપડે બનેલા નિયમોનો છેદ ઉડાડતા દૃશ્યો જ જોવા મળ્યા
tv9ના રિયાલિટી ચેકમાં ભાર વિનાનું નહીં ભાર સાથેના ભણતરના દૃશ્યો જોવા મળ્યા
આ બંને સ્કૂલોના રિયાલિટી ચેકમાં સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે સ્કૂલ સંચાલકો નિયમોની ઐસીતૈસી કરી રહ્યા છે. એટલે જ જ્યારે TV9ની ટીમની હાજરીની જાણ થઇ તો સ્કૂલ સંચાલકોએ અટકાવવાનો પ્રયાસ કર્યો. વાલીઓની ફરિયાદ છે કે સ્કૂલ સંચાલકો બાળકોને તમામ પુસ્તકો લાવવા માટે દબાણ કરે છે. તેના કારણે સ્કૂલ બેગના વજનના નિયમનું પાલન નથી થતું.
વધુ વજનની સ્કૂલબેગને કારણે બાળકો સ્કોલિયોસિસની સમસ્યાનો ભોગ બને છે
સૌથી ચિંતાજનક બાબત એ છે કે વધુ પડતી વજનદાર સ્કૂલ બેગના કારણે બાળકોને શારીરિક તકલીફોનો પણ સામનો કરવો પડે છે. એક સરવે મુજબ વજનદાર બેગથી 12 ટકા બાળકોને કરોડરજ્જૂની સમસ્યા સર્જાય છે અને બાળકો સ્કોલિયોસિસની સમસ્યાનો ભોગ બને છે. બાળકની કરોડરજ્જૂનો ભાગ પણ સાધારણ વળી જાય છે. સાંધાના ભાગે ઉપર-નીચે જેવા લક્ષણો દેખાય છે. તો પીઠના દુખાવાની પણ બાળકોની અવારનવાર ફરિયાદ રહે છે.
આ પણ વાંચો : Ahmedabad : કોંગ્રેસ જિલ્લા પ્રમુખોની બેઠકમાં શક્તિસિંહે કરી સ્પષ્ટ વાત, સક્રિય ન હોય એ સ્વેચ્છાએ પદ પરથી ઉતરી જાય
TV9ના રિયાલિટી ચેકમાં સ્પષ્ટ થઇ ચૂક્યું છે કે સરકારી નિયમોના સરકારી શાળાઓમાં જ રીતસર ધજાગરા ઉડી રહ્યા છે. TV9ના અહેવાલ બાદ શિક્ષણ વિભાગ જાગે અને ફક્ત જાહેરાત કરવાને બદલે નિયમોનું નક્કર અમલીકરણ કરાવે તો જ વિદ્યાર્થીઓનો બોજ ખરેખર હળવો થશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો