Ahmedabad ISKCON Bridge Accident: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસ રિપોર્ટમાં થશે અનેક મોટા ખુલાસા
ઈસ્કોન બ્રિજ પર અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલની હાલમાં પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓને લઈને પૂછપરછ કરવામાં આવી રહી છે. આ પૂછપરછ દરમિયાન અનેક મહત્વના પુરાવા પોલીસને હાથ લાગી રહ્યા છે.
Ahmedabad Crime: અમદાવાદમાં ઈસ્કોન બ્રિજ (ISKCON Bridge) પર અકસ્માત કેસમાં અકસ્માત સમયે ગાડીની કેટલી સ્પીડ હતી તે અંગે હજી પણ આરોપી તથ્ય અલગ અલગ વાતો વાગોળી રહ્યો છે. ત્યારે બીજી બાજુ કેસમાં જોડાયેલા લોકોના નિવેદન લેવામાં આવી રહ્યા છે. જોકે આવતીકાલે એટલે કે સોમવારે મોટાભાગના રિપોર્ટ આવી જશે.
9 લોકોના જીવ લેનારો નબીરો તથ્ય પટેલ SG 2 ટ્રાફિક પોલીસની કસ્ટડીમાં રિમાન્ડ પર છે. ઇસ્કોન બ્રિજ પર ના ગોઝારો અકસ્માત સર્જનાર આરોપી તથ્ય પટેલને આ ઘટનાનો હજી કોઈ અફસોસ જોવા નથી મળી રહ્યો. જોકે પોલીસ સમગ્ર તપાસની અંદર વધુમાં વધુ સાંયોગિક પુરાવા એકત્રિત થાય તે માટે ના પ્રયત્ન કરો રહી છે.
પોલીસ એ તથ્ય પટેલ ની માતા, કાકા, ગાડીના માલિક સહિત અત્યાર સુધી માં લગભગ 30થી વધુ લોકોના નિવેદન સમગ્ર કેસમાં નોંધ્યા છે. સાથે જ પોલીસ દ્વારા અલગ અલગ બે ટીમો બનાવી સુરેન્દ્રનગર અને બોટાદ માં મૃતકના સગામાં નિવેદન નોંધવા માટે મોકલી આપેલ હતા.
તથ્ય પટેલના પિતા પ્રગનેશ પટેલની પૂછપરછમાં સામે આવ્યું છે કે પોતાની પાસે 5 લક્ઝુરિયસ ગાડીઓ હતી. જેમાં તથ્ય અલગ અલગ ગાડીઓ મોડી રાત્ર સુધી ચલાવતો હતો. જોકે 3 જુલાઈના રોજ સિંધુભવન રોડ પર થાર ગાડીમાં તથ્યએ પોતે અકસ્માત કર્યો હોવાનું કબૂલાત કર્યું છે. જ્યારે આરોપી તથ્યનો ફોન પણ કબ્જે કરવામાં આવ્યો છે. ઉપરાંત તેણે અગાઉ આ રીતે સ્પીડ માં ગાડી ચલાવી કોઈ રિલ્સ કે વિડિયો બનાવ્યો છે કે કેમ તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
આ પણ વાંચો : ભારે વરસાદમાં પોલીસ જવાનો અને અધિકારીઓની બહાદુરી બદલ ગૃહ રાજ્ય પ્રધાન હર્ષ સંઘવીએ પાઠવ્યા અભિનંદન
અકસ્માત કરનાર જેગુઆર ગાડીમાં તથ્ય સાથે તેના પાંચ મિત્રો હતા જેમનું નિવેદન લેતા સામે આવ્યું તથ્ય વાયએમસી કલબ પાસેથી પુરઝડપે ગાડી ચલાવતો હતો જેને ધીરે ચલાવવા માટે કહ્યું હતું. પણ તેને સ્પીડમાં ગાડી ચલાવતા અકસ્માત સર્જાયો. હાલ પોલીસે ગાડીની સ્પીડના રિપોર્ટની રાહ જોઈ રહ્યા છે. કાલ સુધીમાં RTO, FSl અને જેગુઆર કંપની રિપોર્ટ આવશે.