Ahmedabad: ધોળકાના ચંડીસર ગામમાં નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું, ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને નુકસાન
પોતાના ઉભા પાકમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી ફરી વળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ધરતીપૂત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી રહી.
અમદાવાદ (Ahmedabad)ના ધોળકાના ચંડીસર ગામ (Chandisar village)ના ખેડૂતો સાથે પડતા પર પાટું જેવો ઘાટ સર્જાયો છે. સરકારી તંત્ર એવું તો ઉંઘમાં છે કે કેનાલમાં ગાબડુ (Canal Leakage) થતા ખેડૂતો (Farmers)ના ખેતરમાં પાણી ફરી વળ્યા છે અને અધિકારીઓ ઠંડકથી પોતાની કેબીનમાં બેઠા છે. ખેડૂતો પોતાના પાકને નુકસાન જતા ચિંતામાં મુકાયા છે. બીજી બાજુ તંત્ર દ્વારા હજુ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી તો ખેડૂતો સરકારી તંત્ર આ મામલે તેમની સહાય કરે તેવી માંગ કરી રહ્યા છે.
સામાન્ય રીતે કેનાલનું પાણી ખેડૂતોના ખેતરને મળતા ખેડૂતો ખુશીનો અનુભવ કરતા હોય છે. કારણ કે પાક માટે પુરતા પાણીની જરુરિયાત હોય છે. જો કે અમદાવાદના ધોળકાના ચંડીસર ગામના ખેતરોમાં કેનાલનું આ જ પાણી મળતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. કારણ કે ચંડીસર ગામેથી પસાર થતી નર્મદાની મેઈન કેનાલમાં ગાબડું પડતા આસપાસના ખેતરોમાં ઉભા પાકમાં તેનું પાણી ફરી વળ્યું છે.
આ પાણી ખેતરોમાં જ નહીં ખેડૂતોના નસીબ ઉપર પણ ફરી વળ્યું છે એવું કહીએ તો ખોટું નથી. ઘઉંના તૈયાર પાકમાં પાણી ફરી વળતા હાથમાં આવેલો પાક નાશ થવાની ભીતિ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતોનો આરોપ છે કે આ અંગે વારંવાર તંત્રને રજૂઆત કરવા છતાં હજી સુધી કોઈ પગલા ભરવામાં આવ્યા નથી.
ખેડૂતોનું કહેવુ છે કે વારંવાર કેનાલોમાં ગાબડા પડવાને કારણે નુકસાન તેમને ભોગવવુ પડે છે. તેમનો મહામુલો પાક બરબાદ થઈ જાય છે. સરકારી તંત્રની બેદરકારીને કારણે કેનાલ તેમને ઉપયોગી થવાના સ્થાને નુકસાન વધુ પહોંચાડતી હોવાનું જણાવી રહ્યા છે.
પોતાના ઉભા પાકમાં તંત્રની ઘોર બેદરકારીને કારણે પાણી ફરી વળતાં ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ધરતીપૂત્રોની આ પીડા કોઈ અધિકારીને સમજાતી નથી રહી. લોહી પાણી એક કરીને જ્યારે જગતનો તાત અન્ન ઉગાડતો હોય છે અને જ્યારે પાક હાથમાં આવવાનો હોય ત્યારે જ આવું નુકસાન જાય તો ખેડૂતો કોની પાસે આશા રાખે? આ ખેડૂતોની માગ છે કે સરકાર સર્વે કરી તેમને વળતર આપે. સરકારી તંત્ર આ મામલે ખેડૂતોની સહાય માટે ઘટતું કરે તેવી આ ખેડૂતો આશા રાખી રહ્યા છે.
આ પણ વાંચો- Tapi: બાજીપુરામાં આજે સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાશે, અમિત શાહ લાખો પશુપાલકોને કરશે સંબોધન
આ પણ વાંચો- Ahmedabad: કોંગ્રેસના 20થી 25 ધારાસભ્યોએ રાહુલ ગાંધીને લખ્યો પત્ર, કયા મુદ્દા પર ચર્ચા કરશે તેના પર સૌની નજર