અમદાવાદમાં દિવસે દિવસે ગુનાખોરીનો વ્યાપ વધતો જઇ રહ્યો છે. અત્યાર સુધી લોકો પોતાના ઘર, ઓફિસ કે અન્ય જગ્યાઓ ભાડે આપી અન્ય લોકો પાસેથી પૈસા વસૂલી જુગાર રમાડતા હોય તેવા કિસ્સા સામે આવતા હતા. જો કે હવે તો જુગાર રમવા કે દારૂ પીવા માટે નહીં,પરંતુ ડ્રગ્સ સેવન માટે પણ ઘર ભાડે અપાતું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. એક હજાર ભાડું લઈને મિત્રોને ડ્રગ્સ સેવન કરવા આપતા પેડલર સહિત 5 અન્ય લોકોની ધરપકડ કરવામાં આવી છે.
અમદાવાદમાં એક ફ્લેટમાં ડ્રગ્સનું સેવન કરતા મિત્રો પાસેથી ભાડું વસૂલ કરી તેમને ડ્રગ્સ સેવન કરવા જગ્યા આપવામાં આવતી હતી. એસ.ઓ.જી પોલીસ દ્વારા દરોડો પાડી ડ્રગ્સ પેડલરો અને મકાનમાલિકની ધરપડક કરી છે.
અમદાવાદમાં એક વ્યક્તિએ પોતાનું ઘર ડ્રગ્સ સેવન કરવા માટે ભાડે આપ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદ SOGએ નારણપુરા વિસ્તારમાં આવેલા એલિફન્ટા સોસાયટીમાં માહિતીના આધારે દરોડો પાડ્યો હતો. જ્યાંથી છ જેટલા ડ્રગ્સ પેડલરોની ધરપકડ કરી છે. ઘરમાંથી 25 લાખથી વધુની કિંમતનો 256.860 ગ્રામ ડ્રગ્સનો જથ્થો મળી આવ્યો હતો.
અમદાવાદના એક ડ્રગ્સ પેડલરે મધ્યપ્રદેશના એક પેડલર પાસે ડ્રગ્સનો જથ્થો મગાવ્યો હતો. જે લેવા માટે અન્ય પેડલરો જીગ્નેશના ઘરે આવ્યા હતા.આરોપી જીગ્નેશ ઉર્ફે જીગો પંડ્યાનાં ઘરે અન્ય ડ્રગ્સ પેડલરો સાથે આવ્યા હતા. પોલીસે તમામની ધરપકડ કરી છે.
ઘરમાલિક જીગ્નેશ પંડ્યા છેલ્લા 40 વર્ષથી નશીલા પદાર્થોનું સેવન કરે છે અને તે એકલવાયું જીવન જીવતો હોવાથી તેના ઘરમાં અન્ય મિત્રોને બોલાવી દારૂ કે ડ્રગ્સ સેવન કરવા જગ્યા આપે છે, તેના બદલામાં તે 1000 રૂપિયા મેળવે છે. જીગ્નેશ અગાઉ બે થી ત્રણ વખત તેના મિત્રોને ઘરે બોલાવી ડ્રગ્સનું સેવન કરાવ્યું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
પોલીસે પકડેલા અન્ય આરોપીમાંથી અમદાવાદના જમાલપુરમાં રહેતો ડ્રગ્સ પેડલર મુસ્તકિમ ઉર્ફે ભૂરો શેખ છે જેણે મોહમ્મદ નામના પેડલર પાસેથી ડ્રગ્સ મંગાવ્યું હતું જેથી મધ્યપ્રદેશ થી ડ્રગ્સનો જથ્થો લાવનારો મુખ્ય પેડલર મોહમ્મદખાન પઠાણ પણ ડ્રગ્સના જથ્થા સાથે પકડાયો છે. આ ઉપરાંત ઘરમાં હાજર ડ્રગ્સ લેવા આવેલા ધ્રુવ પટેલ અને અન્ય બે પેડલરો મોહમ્મદ શેખ, અબરારખાન પઠાણની પણ ધરપકડ કરવામાં આવી છે.
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે અમદાવાદનાં આરોપી મુસ્તકીમ ઉર્ફે ભૂરો કે જેમણે ડ્રગ્સનો જથ્થો મંગાવ્યો હતો. તે ડ્રગ્સનો જથ્થો મધ્યપ્રદેશથી મોહમ્મદખાન પઠાણ આપવા આવ્યો હતો. મોહમ્મદખાન પઠાણે અમદાવાદના મુસ્તકીમ ઉર્ફે ભૂરાને ડ્રગ્સનો જથ્થો લેવા રાજસ્થાન બોલાવ્યો હતો. જેથી મુસ્તકીમ ઉર્ફે ભૂરો રાજસ્થાન ગયો હતો અને ત્યાં અન્ય એક આરોપી સમીર નામના વ્યક્તિ પાસેથી એમડી ડ્રગસનો જથ્થો મેળવી મુસ્તકીમ ઉર્ફે ભૂરો અને મોહમ્મદખાન અમદાવાદ આવ્યા હતા અને ધ્રુવ પટેલ, મોહમ્મદ એજાઝ, અબરાર ખાન તેમજ જીગ્નેશ પંડ્યા મુસ્તકીમ ઉર્ફે ભૂરાનો ડ્રગ્સનો જથ્થો મેળવી અન્ય જગ્યાઓ પર છૂટકમાં વહેંચવાના હતા.
પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે મધ્યપ્રદેશથી મોહમ્મદ ખાન અગાઉ બે થી ત્રણ વખત ડ્રગ્સ આપવા અમદાવાદ આવી ચૂક્યો છે. આ તમામ પેડલરો ડ્રગ્સ મેળવી તેનું શહેરમાં અલગ અલગ જગ્યા ઉપર છૂટક વેચાણ કરતા હતા. અમદાવાદના મુસ્તકીમ ઉર્ફે ભૂરા વિરુદ્ધ અગાઉ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. હાલ તો પોલીસ રાજસ્થાનના અન્ય એક ફરાર આરોપીની શોધખોળ હાથ ધરી છે. તેમજ આ ડ્રગસ શહેરમાં ક્યાં વેચાણ કરવાના હતા તેમજ અન્ય કોઈ ડ્રગ્સ પેડલર માલ લેવા આવવાનું હતું કે કેમ તે અંગે તપાસ શરૂ કરી છે.