Ahmedabad : GTU અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિ. વચ્ચે MOU, સ્ટાર્ટઅપને 50 લાખથી વધુની સહાય મળશે
Ahmedabad : જીટીયુ (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ માટે એમઓયુ કરવામાં આવ્યાં.

Ahmedabad : જીટીયુ (ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી) અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ વચ્ચે સ્ટાર્ટઅપ માટે એમઓયુ કરવામાં આવ્યાં. ગ્રોથ સ્ટેજ પર પહોંચેલા સ્ટાર્ટઅપને 50 લાખથી વધુની આર્થિક સહાય આપવામાં આવશે. સ્ટાર્ટઅપકર્તાને દરેક સ્તર પર મદદરૂપ થવા માટે જીટીયુ દ્વારા વિવિધ ઔદ્યોગીક એકમો સાથે પણ એમઓયુ કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં જીટીયુ અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિમિટેડ (જીવીએફએલ) વચ્ચે સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતા વિકસાવવા માટે એમઓયુ કરવામાં આવ્યાં છે.
આ સંદર્ભે જીટીયુના કુલપતિ પ્રો. ડૉ. નવીન શેઠે જણાવ્યું હતું કે, જીટીયુ અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુથી અનેક વિદ્યાર્થીઓ, સ્ટાર્ટઅપ, તેમજ ઉદ્યોગ સાહસિક લોકોને ટેક્નિકલી અને આર્થિક રીતે લાભ થશે. આ એમઓયુથી ગ્રોથ સ્ટેજ પર પહોચેલા સ્ટાર્ટઅપને ઈક્વિટી બેઝ્ડ પર વિવિધ ઔદ્યોગીક એકમો દ્વારા મેન્ટરીંગથી લઈને તેની પ્રોડક્ટને પેટર્નમાં રૂપાંતરીત કરવા, ઉપરાંત સ્ટાર્ટઅપના માર્કેટીંગ અને જે-તે પ્રોડક્ટને ટ્રાયલ માટે થતાં ખર્ચ સંદર્ભે 50 લાખથી વધારેની સહાય સ્ટાર્ટઅપની યોગ્યતા અને જરૂરીયાતને ધ્યાનમાં રાખીને 4થી 5 કરોડ સુધીનું પણ વેન્ચર ફંડિગ પૂરૂં પાડવામાં આવશે.

GTU અને ગુજરાત વેન્ચર ફાઇનાન્સ લિ. વચ્ચે MOU, સ્ટાર્ટઅપને 50 લાખથી વધુની સહાય મળશે
જીટીયુ જીઆઈસી દ્વારા અત્યારસુધી 409 જેટલા સ્ટાર્ટઅપને 4.75 કરોડ જેટલી આર્થિક સહાય ફાળવવામાં આવી છે. ઇન્ડિયન પેટન્ટ ઓફિસ(આઈપીઓ) ખાતે જીટીયુના સહયોગથી 142 વિદ્યાર્થીઓએ પેટન્ટ , ટ્રેડમાર્ક અને ડિઝાઇન રજીસ્ટ્રેશન કરાવેલ છે. જીટીયુ જીઆઈસી દ્વારા કરવામાં આવતી તમામ પ્રકારની મદદને કારણે અત્યાર સુધીના વિવિધ સ્ટાર્ટઅપ 16.10 કરોડની આવક પણ કરી ચૂક્યા છે. જીટીયુ અને જીવીએફએલ વચ્ચે થયેલા આ એમઓયુથી સ્ટાર્ટઅપકર્તાને અનેક સ્તરે લાભદાયી થશે.