Ahmedabad: રાજસ્થાન હોસ્પિટલમાં લાગેલી આગમાં ફાયર ઓફિસરને ધુમાડાની થઈ અસર, ICUમાં કરાયા એડમિટ
Ahmedabad:રાજસ્થાનમાં હોસ્પિટલમાં વહેલી સવારે લાગેલી આગની ઘટનામાં ફાયર ઓફિસરને ધુમાડાની અસર થઈ છે. બેઝમેન્ટમાં લાગેલી આગમાં સૌપ્રથમ સ્થળ પર પહોંચનાર ફાયર ઓફિસરને ધુમાડાની ગંભીર અસર થઈ છે. તેમને ઉલ્ટીઓ શરૂ થઈ જતા ICUમાં શિફ્ટ કરવા પડ્યા છે.
Ahmedabad: અમદાવાદમાં વહેલી સવારના સમયે રાજસ્થાન હોસ્પિટલના બેઝમેન્ટમાં લાગેલી ભીષણ આગ પર આખરે 9 કલાકની જહેમત બાદ કાબુ કરી લેવાયો છે. જોતજોતામાં આગ એટલું વિકરાળ સ્વરૂપ ધારણ કર્યુ હતુ કે 30 જેટલ ફાયર ટેન્ડર આગ બુઝાવવાની જહેમતમાં લાગ્યા હતા. જો કે રાહતની વાત એ રહી કે આ આગમાં જાનહાનિના કોઈ સમાચાર હજુ સુધી સામે આવ્યા નથી.
આ આગમાં ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી ફેલાયા હતા. ધુમાડાને કારણે આગ બુજાવવામાં પણ મુશ્કેલી આવી રહી હતી. આગ લાગતા સૌપ્રથમ ઘટનાસ્થળે જે ફાયર ઓફિસર પંકજ રાવલ પહોંચ્યા હતા, તેમને ધુમાડાની ગંભીર અસર થઈ છે. આગ કાબુમાં આવ્યા બાદ ધુમાડાની અસરના કારણે તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા છે. નવરંગપુરામાં આવેલી હોસ્પિટલમાં ICUમાં શિફ્ટ કરવામાં આવ્યા છે.
આગ કાબુમાં લેતા સમયે ધુમાડાની અસર થતા ફાયર ઓફિસર પંકજ રાવલને ઉલ્ટીઓ થવા લાગી હતી. જે બાદ તેઓ હોસ્પિટલ પહોંચ્યા હતા, જ્યાં તેમને એડમિટ થવાનું કહેવામાં આવતા એડમિટ થયા હતા. હાલ તેમને ડૉક્ટરના ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે. ધુમાડો શ્વાસ મારફતે ફેફસામાં જતા તેમને અસર થઈ હતી.
આપને જણાવી દઈએ કે ધુમાડાના કારણે ઘટનાના 9 કલાક બાદ આગ પર કાબૂ મેળવી શકાયો છે. હોસ્પિટલમાં બે માળનું બેઝમેન્ટ હતું. જેમાં સૌથી નીચેના બેઝમેન્ટના ખૂણામાં પડેલા લાકડા, ડનલોપ સહિતના ફર્નિચરના સામાનમાં કોઈ કારણસર આગ લાગી ગઈ હતી. જેના કારણે બેઝમેન્ટના બંને ફ્લોર પર ધુમાડો પ્રસરી ગયો હતો.
ધુમાડો નીકળવા માટે ખુલ્લી જગ્યા ન હોવાના કારણે ફાયર બ્રિગેડ માટે આગ ઓલવવી ખૂબ જ પડકારજનક હતી. ઓક્સિજન સેટ સાથે પણ અંદર ઊભા રહી શકાય તેવી પરિસ્થિતિ નહોતી. જેના કારણે ફાયર બ્રિગેડના સાધનોની મદદથી ધુમાડો બહાર કાઢવામાં આવ્યો હતો. જ્યાં આગ લાગી હતી ત્યાં 15 કાર પાર્ક કરેલી હતી. જ્યાં ફાયર બ્રિગેડે આગ ઓલવવા ઉપયોગ કરેલું પાણી ભરાતા કારને નુક્સાન થયું છે પરંતુ અન્ય કોઈ નુક્સાન થયું નથી. આગ કાબૂમાં લેવા માટે 30થી વધુ ફાયરના વાહનો, 125 જેટલા કર્મચારીઓ કામે લાગ્યા હતા. જેમણે લાખો લિટર પાણીનો મારો ચલાવ્યો, બંધ વેન્ટિલેશનને ખુલ્લું કર્યું અને કલાકોની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો