Ahmedabad: હાઇકોર્ટના કડક વલણ બાદ પણ રખડતાં ઢોરનો ત્રાસ યથાવત્, 6 મહિનામાં 3 લોકોએ ગુમાવ્યા જીવ
હાલ તો તંત્ર હાઇકોર્ટના (High court) આદેશ બાદ કામગીરીમાં લાગ્યું છે પણ તેની સામે નબળી કામગીરીના આક્ષેપો ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર ફરી હાઇકોર્ટ ના આદેશની રાહ જોઈ રહ્યું છે. ક્યારે શહેરમાં યોગ્ય કામગીરી થશે.

રખડતા ઢોર મામલે હાઇકોર્ટે કડક વલણ દાખવ્યું છે. જોકે તંત્ર હજુ ઢીલાશ અજમાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે હાઇકોર્ટના કડક વલણ બાદ પણ અમદાવાદ શહેરમાં પાંચ મહિનામાં રખડતા ઢોરને લઈને 1700 જેટલી ફરિયાદ મળી છે. તો છ મહિનામાં ત્રણ વ્યક્તિઓએ રખડતા ઢોરના કારણે જીવ ગુમાવવાનો વારો આવ્યો છે. જેને લઇને પ્રશ્ન થાય કે તંત્ર કડક કામગીરી ક્યારે કરશે
હાઇકોર્ટના કડક વલણ બાદ પણ તંત્રની ઠંડી કામગીરી
શહેરમાં ખરાબ રસ્તe, દૂષિત પાણીની સમસ્યાઓ જાણે સામાન્ય બની ગઈ છે ત્યારે હવે તેમાં રખડતા ઢોરની સમસ્યા અને તેનાથી સર્જાતી મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે. કારણકે શહેરમાં જ્યાં જુઓ ત્યાં રસ્તે રખડતા ઢોર નજરે ચડે છે. જેના કારણે ટ્રાફિક સમસ્યા તો સર્જાય છે. પણ સાથે જ લોકો ઇજાગ્રસ્ત થાય છે અને કેટલાક બનાવમાં તો વ્યક્તિને મહામૂલો જીવ ગુમાવવાનો વારો આવે છે. આવી ઘટનાઓનો મામલો ગુજરાત હાઇકોર્ટ સુધી પહોચ્યો હતો .
હાઇકોર્ટે લીધો તંત્રનો ઉધડો
હાઇકોર્ટમાં રખડતા ઢોરની રાવ પહોંચ્યા બાદ હાઇકોર્ટે સરકાર અને તંત્રનો ઉધડો લઈ કડક વલણ અજમાવ્યું અને રખડતા ઢોર મામલે કડક કાર્યવાહી કરવા આદેશ કર્યા હતા. જે બાદ ઓગસ્ટ મહિનામાં મ્યુનિસિપલ કમિશનરે એક પરિપત્ર કરી 48 વોર્ડમાંથી રખડતાં ઢોર દૂર કરવા 21 ટીમને ત્રણ શિફ્ટમાં રખડતા ઢોર દૂર કરવા માટે કામગીરી સોંપી. જો કે તેમ છતાં હજુ પરિસ્થિતિ જેમની તેમ છે. કેમ કે તાજેતરમાં મળેલા આંકડા પ્રમાણે છેલ્લા પાંચ મહિનામાં તંત્રને રખડતા ઢોર મામલે 1700 જેટલી ફરિયાદ મળી છે. જે તંત્રની નિરસ કામગીરીની પોલ ખુલી પાડે છે. જોકે સતાપક્ષ દ્વારા શહેરમાં રખડતા ઢોર મામલે યોગ્ય કામગીરી કરવામાં આવી રહી હોવાના દાવા કરવામાં આવ્યા છે પરંતુ લોકો જે ત્રાસ ભોગવે છે અને જેમના પરિવારજનો આવી ઘટનામાં મૃત્યુ પામ્યા છે તેમના પ્રમાણે હકીકત જુદી છે
ક્યા મહિનામાં, કેટલી ફરિયાદ નોંધાઇ અને કેટલા ઢોર પકડવામાં આવ્યા તેની સમગ્ર માહિતી
- ઓગસ્ટમાં 887 ફરિયાદ અને 1299 પશુ પકડાયા
- સપ્ટેમ્બરમાં 355 ફરિયાદ અને 2640 પશુ પકડાયા
- ઓક્ટોબરમાં 198 ફરિયાદ અને 1099 પશુ પકડાયા
- નવેમ્બરમાં 223 ફરિયાદ અને 1742 પશુ પકડાયા
- ડિસેમ્બરમાં 63 ફરિયાદ અને 612 પશુ પકડાયા
આ તો ફરિયાદ અને પશુ પકડાવાના આંકડાઓની વાત થઈ. પણ છેલ્લા 6 મહિનામાં શહેરમાં ત્રણ વ્યક્તિના મોત નિપજ્યાની પણ ઘટના બની છે. જે એક ગંભીર બાબત ગણી શકાય.
- ચાલુ વર્ષે જુલાઈ મહિનામાં ખાડિયામાં એક ગાયે 65 વર્ષના વૃદ્ધને અડફેટે લેતા ઇજા થતાં તેમનું મોત નીપજ્યું.
- ઓક્ટોબર મહિનામાં નરોડામાં ભાવિન પટેલને પશુએ અડફેટે લેતા ઇજા થતાં મોત નીપજ્યું હતું.
- ડિસેમ્બર મહિનામાં ઓઢવમાં એક 30 વર્ષીય ટેમ્પો ચાલકને પશુએ અડફેટે લેતા તેમનું મોત નીપજ્યું.
સતાપક્ષ ઉપર વિપક્ષના આકરા પ્રહાર
ત્યારે આ સમગ્ર કામગીરી અને ફરિયાદ અને મોતના આંકડાને લઈને વિપક્ષે amc અને સતાપક્ષને આડે હાથ લીધું. તેમ જ વિપક્ષે જણાવ્યું કે હાઇકોર્ટના આદેશ બાદ પણ પરિસ્થિતિ તેમની તેમ છે. તેમજ આ મામલે cncd ના અધિકારી ને સસ્પેન્ડ કરવાનું એક નાટક હતું. કેમ કે મ્યુનિસિપલ કમિશનરે અધિકારીને સસ્પેન્ડ કર્યા અને બાદમાં સ્ટેન્ડિંગ કમિટીએ ફરીથી તેઓને કામે રાખી લીધા. તો ઢોરવાળાની પણ હાલત ખરાબ હોવાનું જણાવી વિપક્ષે તંત્ર અને સ્થાપક્ષ પર ચાબખા માર્યા હતા.
હાલ તો તંત્ર હાઇકોર્ટના આદેશ બાદ કામગીરીમાં લાગ્યું છે પણ તેની સામે નબળી કામગીરીના આક્ષેપો ઉઠી રહ્યા છે. ત્યારે સવાલ એ થાય છે કે શું તંત્ર ફરી હાઇકોર્ટ ના આદેશની રાહ જોઈ રહ્યું છે. ક્યારે શહેરમાં યોગ્ય કામગીરી થશે. ક્યારે રખડતા ઢોરનો ત્રાસ દૂર થશે. ક્યારે આ ફરિયાદો અને મોતનો આંકડો દૂર થશે. કે પછી આ ફરિયાદો અને મોતનો આંકડો આગળ પણ ચાલતો રહેશે. જોકે જરૂરી છે કે તંત્ર આ મામલાને ગંભીરતાથી લે. જેથી ફરી કોઈ નિર્દોષ વ્યક્તિએ ઘાયલ થવા કે મોતને ભેટવાનો વારો ન આવે.