Ahmedabad : ઓગણજમાં યોજાનારો બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર મુલતવી, નડ્યુ વરસાદી વિઘ્ન
Ahmedabad: ગાંધીનગરમાં ઝુંડાલ બાદ હવે ઓગણજમાં અગાઉથી આયોજિત બાબાના દરબારને વરસાદી વિઘ્ન નડ્યુ છે અને આજે યોજાનારો બાબા બાગેશ્વરનો દરબાર મુલતવી રખાયો છે. જેને કારણે ભાવિકો પણ થોડા નિરાશ જોવા મળ્યા છે.
Ahmedabad: ઓગણજમાં યોજાનાર બાગેશ્વરધામના પીઠાધીશ ધીરેન્દ્ર શાસ્ત્રીનો દિવ્ય દરબાર વરસાદના કારણે મુલતવી રાખવાનો નિર્ણય લેવાયો છે. બાબાનો દરબાર બે દિવસ ઓગણજમાં લાગનાર હતો. જો કે જે કાર્યક્રમ જ્યાં આયોજિત કરાયો હતો એ મેદાનમાં પાણી ભરાતા કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવાયો હતો. ગઈકાલે સાંજે ગાંધીનગરના ઝુંડાલમાં પણ વરસાદના કારણે બાબાનો દિવ્ય દરબાર રદ કરાયો હતો.
ઓગણજમાં સ્વામીનારાયણ નગર જ્યાં તૈયાર કરાયુ હતુ ત્યાં જ બાબાના દરબારનું આયોજન
અમદાવાદમાં પહેલા ચાણક્યપુરી ખાતે બાબાના બે દિવસીય દરબારનુ આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે બાબાના દરબારમાં મોટી સંખ્યામાં ભાવિકો આવતા હોવાથી કાર્યક્રમના સ્થળે લોકોની વ્યવસ્થાને લઈને પોલીસે સવાલ ઉઠાવ્યા હતા અને કાર્યક્રમ સ્થળ બદલવા તાકીદ કરાઈ હતી. ત્યારબાદ આયોજકો દ્વારા તાત્કાલિક કાર્યક્રમનું સ્થળ બદલી ઓગણજ નક્કી કરાયુ હતુ. ઓગણજમાં જે સ્થળે પ્રમુખ સ્વામી શતાબ્દી મહોત્સવ યોજાયો હતો તે જ સ્થળે બાબાના દરબારનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જો કે રવિવારે સાંજે વરસાદની ધમાકેદાર બેટિંગના કારણે શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા એમ ઓગણજના મેદાનમાં પણ પાણી ભરાઈ ચૂક્યું હતું. જેના કારણે કાર્યક્રમ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી આવ્યા ભાવિકો
વરસાદના કારણે કાર્યક્રમ સ્થળ પર સ્ટેજ તૈયાર થઈ શક્યું ના હતું. સવારથી જ અસમંજસતા જોવા મળી હતી કે કાર્યક્રમ આયોજિત થશે કે નહીં. જો કે 11 વાગ્યા સુધીમાં જ સ્થિતિ સ્પષ્ટ થઈ કે ધીરેન્દ્ર શાસ્ત્રીનો ઓગણજનો દિવ્ય દરબાર નહીં ભરાય. દરબારમાં ભાગ લેવા માટે યુપી, મધ્યપ્રદેશ, રાજસ્થાન તેમજ ગુજરાતના વિભિન્ન ભાગોમાંથી ભક્તો પહોંચવાની શરૂઆત થઈ હતી. તેમની ઈચ્છા હતી કે ખુલ્લા વતાવરણના કારણે દિવ્ય દરબાર ભરાવવો જોઈએ.
ગઈકાલે ઝુંડાલનો દિવ્ય દરબાર પણ થયો હતો રદ
ગઈકાલે અંબાજી દર્શન બાદ ધીરેન્દ્ર શાસ્ત્રીનો કાર્યક્રમ ઝુંડાલ પાસેના ફાર્મમાં આયોજિત કરાયો હતો. જ્યાં રાજ્યભરના સાધુસંતો અને પીઠાધીશો ઉપસ્થિત હતા. જોકે સાંજે વરસાદના કારણે એ કાર્યક્રમ પણ ગઈકાલે રદ કરાયો હતો. ભારે પવન અને વરસાદના કારણે ઝુંડાલમાં કાર્યક્રમ સ્થળે મંડપ પણ તૂટી ગયો હતો અને રાજ્યભરના સાધુ સંતો ધીરેન્દ્ર શાસ્ત્રને મળ્યા વગર જ રવાના થયા હતા. આજે બીજા દિવસે પણ તેમનો ઓગણજ નો દિવ્યદરબાર વરસાદના કારણે રદ કરવો પડ્યો છે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો