Ahmedabad: ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને નડ્યુ વરસાદનું વિઘ્ન, તોફાની પવનમાં દરબારનો મંડપ તૂટ્યો, કરા પડતા ભાવિકો આમ તેમ દોડ્યા
Ahmedabad: ઝુંડાલમાં બાબા બાગેશ્વરના દરબારને વરસાદનું વિઘ્ન નડ્યુ. તોફાની પવન સાથે ખાબકેલા વરસાદને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે વરસાદ પડતા દરબારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ભાવિકો ખુરશીઓ માથા પર લઈ આમતેમ દોડ્યા હતા.
અમદાવાદ સહિત આસપાસના પંથકમાં આવેલા ધોધમાર વરસાદને કારણે બાબા બાગેશ્વરના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડ્યુ. ગાંધીનગરમાં ઝુંડાલ સ્થિત આજે બાબાના દિવ્ય દરબારનું આયોજન હતુ. જો કે સાંજના સમયે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો. ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. ભારે પવનને કારણે બાબાના દરબારનો મંડપ તૂટી પડ્યો હતો. કરા સાથે ધોધમાર વરસાદ વરસતા ભાવિકો ખુરશીનો સહારો લેતા જોવા મળ્યા હતા. ટપોટપ કરા પડતા ભાવિકો ખુરશી માથા પર લઈ આમતેમ દોડતા દૃશ્યમાન થયા હતા.
ભારે પવનને કારણે ઝુંડાલમાં બાબાના દરબારનો મંડપ તૂટ્યો
બાબાના દરબારને પણ વરસાદનું વિઘ્ન નડતા દરબાર મુલતવી રાખવો પડ્યો હતો. દરબારમાં આવેલા ભાવિકોને પણ હાલાકી પડી હતી. કરા સાથે વરસાદ પડતા ભાવિકો દરબાર છોડી જવા લાગ્યા હતા. આ તરફ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદને કારણે અનેક જગ્યાએ પાણી ભરાયા હતા.
શહેરમા ભારે વરસાદને કારણે સાબરમતી નદી ગાંડીતુર બની હોય તેવા દૃશ્યો સોશિયલ મીડિયા પર વાયરલ થયા છે. તો વરસાદને જોતા સાબરમતી નદીમાંથી 4500 ક્યુસેક પાણીની જાવક કરવામાં આવી હતી. વાસણા બેરેજના બે દરવાજા ખોલવામાં આવ્યા હતા. 27 અને 28 નંબરના દરબાજા બે ફુટ સુધી ખોલવામાં આવ્યા હતા.
આજનું વાતાવરણ અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો