Crime News: દારૂના વેચાણ સાથે શરૂ કર્યો ડ્રગ્સનો વ્યાપાર, મોટી માત્રામાં ડ્રગ્સ મંગાવી નાના પેડલરોને વેચાણ કરતાં પોલીસે એક ઇસમને ઝડપી પાડ્યો
અમદાવાદમાં ફરી એક વખત મોટી માત્રામાં MD ડ્રગ્સ ઝડપાયું છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે એક મોટા ડ્રગ્સ પેડલરની ધરપકડ કરી લાખો રૂપિયાનું ડ્રગ્સ પકડી પાડ્યું છે. જોકે પકડાયેલો આ ડ્રગ્સ આરોપીનો ભૂતકાળ પણ કઈક અલગ છે. દારૂ વેચનારા આરોપીઓ હવે ડ્રગસ વેચવા નીકળી પડ્યા છે. મોટી માત્રામાં ડ્રગ્સ મંગાવી નાના નાના પેડલરને આપતો હતો. વજનકાંટો અને ઝીપર બેગ પણ મળી આવી.

અમદાવાદમાં દિવસે ને દિવસે નાના મોટા ડ્રગ્સ પેડલર પકડવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે ક્રાઇમ બ્રાન્ચે 23 લાખના MD ડ્રગ્સના જથ્થા સાથે આરોપીની ધરપકડ કરી છે. ક્રાઇમ બ્રાન્ચની કસ્ટડીમાં જોવા મળતા આ આરોપીનું નામ છે જાકિરહુસેન ઉર્ફે જીંગો શેખ. આ આરોપી ડ્રગ્સના જથ્થા સાથે વટવા નજીકથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે વોચ ગોઠવીને આરોપીને ડ્રગ્સની હેરાફેરી કરતા રંગે હાથે ઝડપી પાડયો છે. આરોપી પાસેથી 229.700 ગ્રામ MD ડ્રગ્સનો જથ્થો, બેટરીવાળો વજન કાંટો, પ્લાસ્ટિકની ઝીપર બેગ સહિતનો મુદ્દામાલ પણ મળી આવ્યો છે. સમગ્ર મામલે ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી.
આરોપી ડ્રગ્સ પેડલર અગાઉ પ્રોહીબિશનના ગુનામાં પકડાયો હતો. અગાઉ દારૂનો ધંધો કરતો બુટલેગર એવો જાકિરહુસેન ઉર્ફે જીંગો પૈસા કમાવવા ડ્રગ્સ પેડલર બન્યો હતો. પોલીસ તપાસમાં સામે આવ્યું છે આરોપી છેલ્લા 6 માસથી MD ડ્રગ્સનું વેચાણ શરૂ કર્યું હતું. રાજેસ્થાનના પ્રતાપગઢ જિલ્લાના દેવલદી ગામ માંથી MD ડ્રગ્સનો જથ્થો લાવીને અમદાવાદ શહેરના દરિયાપુર અને વટવા વિસ્તારમાં ડ્રગ્સ પેડલરોને વેચાણ કરતો હતો. જેને લઈને તે બેટરીવાળો વજનકાંટો પણ સાથે રાખતો હતો. આરોપી ડ્રગ્સનું વેચાણ વટવામાં કરવા ફરી રહ્યો હતો જે દરમ્યાન ક્રાઇમ બ્રાન્ચના હાથે ઝડપાઇ ગયો.
આ પણ વાંચો : Gujarat Rain: અમદાવાદ શહેરના વાતાવરણમાં આવ્યો પલટો, પવન સાથે મેઘરાજાની પધરામણી, જુઓ Video
ડ્રગ્સ કેસમાં પકડાયેલો આ પેડલર વિરુદ્ધ અગાઉ કારંજ, વેજલપુર, કાલુપુર અને રામોલમાં ગુના નોંધાયા છે. આ ડ્રગ્સ નેટવર્કમાં ક્રાઇમ બ્રાન્ચે પકડાયેલ ડ્રગ્સ પેડલરની વધુ પૂછપરછ હાથ ધરી છે અને તેની પાસે રહેલો ડ્રગ્સનો જથ્થો કોને કોને આપવાનો હતો તેની પણ પૂછપરછ કરવામાં આવશે.
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો