સેવન્થ ડે સ્કૂલે બેદરકારી ન દાખવી હોત તો આજે મૃતક નયન સંતાણી જીવિત હોત, ગાડી અને બસ હાજર હોવા છતા હોસ્પિટલ ન લઈ જવાયો
અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં બે વિદ્યાર્થીઓ વચ્ચેની બબાલમાં નયન સંતાણી નામના વિદ્યાર્થીનું બુધવારે 20 ઓગસ્ટે મૃત્યુ થયુ હતુ. જે બાદ માતાપિતા અને વાલીઓનો રોષ સાતમા આસમાને છે. વાલીઓ શાળાની માન્યતા રદ્દ કરવાની સતત માગ કરી રહ્યા છે, બીજી તરફ ક્રાઈમબ્રાંચની તપાસમાં પણ સ્કૂલની બેદરકારી મામલે મોટા ઘટસ્ફોટ થયા છે.

છેલ્લા ત્રણ દિવસથી અમદાવાદમાં ટોક ઓફ ધ ટાઉન બનેલી સેવન્થ ડે સ્કૂલમાં વિદ્યાર્થીના મોતની ઘટનાએ ન માત્ર ગુજરાત પરંતુ સમગ્ર દેશમાં ચકચાર જગાવી છે. આ ઘટના બાદ તમામ માતાપિતાઓમાં તેમના સ્કૂલે જતા બાળકોને લઈને ડર અને ભયનું મોજુ ફેલાઈ ગયુ છે. શાળાએ ગયેલુ બાળક જ્યા સુધી હેમખેમ ઘરે પરત ન ફરે ત્યા સુધી એ દરેક માતાપિતાના જીવ પડીકે બંધાયેલા રહે છે. છેલ્લા બે દિવસથી આ ઘટનાને લઈને સમગ્ર અમદાવાદમાં રોષનો માહોલ છે. સર્વ સમાજના અગ્રણીઓ, વિદ્યાર્થી યુનિયનો, વેપારી આલમ સહિતના તમામે વર્ગના લોકો આ ઘટનાને વખોડી રહ્યા છે અને શાળા સામે તેમજ આરોપી વિદ્યાર્થીને ફાંસી આપવાની માગ કરી રહ્યા છે.
લોહીલુહાણ હાલતમાં નયન તરફડિયા મારતો રહ્યો પરંતુ સ્કૂલ સ્ટાફે કોઈ મદદ ન કરી
છેલ્લા બે દિવસથી ચાલી રહેલી તપાસને અંતે ક્રાઈમ બ્રાંચે સેવન્થ ડે સ્કૂલ સામે પણ FIR નોંધવાની તજવીજ હાથ ધરી છે. ક્રાઈમ બ્રાંચની તપાસમાં પણ સ્કૂલ દ્વારા ગંભીર બેદરકારી દાખવવાનો ઘટસ્ફોટ થયો છે. શાળા છુટ્યા બાદ વિદ્યાર્થીઓ વચ્ચે થયેલી બોલાચાલી બાદ આરોપી વિદ્યાર્થીએ જ્યારે નયન સંતાણી નામના વિદ્યાર્થીને પેટમાં ચાકુના ઘા મારી દીધા બાદ નયન સંતાણી 38 મિનિટ સુધી સ્કૂલના ગ્રાઉન્ડમાં જ તરફડિયા મારતો ઈજાગ્રસ્ત હાલતમાં પડેલો હતો. તેની સાથે રહેલા તેના સહાધ્યાયી મિત્રો પણ આ ઘટનાથી ડઘાઈ ગયા હતા. ગંભીર રીતે ઈજાગ્રસ્ત નયન 30 મિનિટ સુધી સ્કૂલના પાર્કિંગમાં તરફડિયા મારતો, દર્દથી કણસતો પડી રહ્યો હતો પરંતુ સ્કૂલના સ્ટાફ દ્વારા તેનો જીવ બચાવવા માટેની કોઈ જ મદદ કરવામાં આવી ન હતી. 30 મિનિટ બાદ નયનના માતા સ્કૂલે પહોંચ્યા અને તેને રિક્ષામાં સારવાર અર્થે હોસ્પિટલ લઈ ગયા હતા. આટલી ગંભીર ઘટનામાં શાળાએ સંપૂર્ણપણે ઉદાસીનતા સેવી હતી અને સમગ્ર ઘટના મામલે ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો હતો.
શાળાની સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં ન આવી
શાળાની સિક્યોરિટીની પણ ગંભીર બેદરકારી સામે આવી છે. 8 થી 10 વિદ્યાર્થીઓ એક વિદ્યાર્થીને માર મારી રહ્યા છે પરંતુ સિક્ટોરિટી શોભાના ગાંઠિયાની જેમ મૂક પ્રેક્ષક બની રહી તેમણે વિદ્યાર્થીઓને છૂટા પાડવાની કે વિદ્યાર્થીને રોકવાની કોઈ કોશિશ કરી ન હતી.
શાળા દ્વારા ક્રાઈમ સીન પરથી પુરાવાનો નાશ કરાયો
શાળામાં અનેક ફોર વ્હીલર કાર, સ્કૂલ બસ હાજર હોવા છતા શાળાએ વિદ્યાર્થીને હોસ્પિટલ લઈ જવાની કે તેને કોઈ પ્રાથમિક સારવાર આપવાની જહેમત લીધી ન હતી. માનવીય મૂલ્યોને નેવે મુકી શાળાએ વિદ્યાર્થીનુ લોહી જ્યા પડ્યુ હતુ તે પણ પાણીનું ટેન્કર બોલાવી ક્રાઈમસીન પરથી પુરાવાનો નાશ કર્યો હતો.
આરોપી વિદ્યાર્થી હથિયાર લાવતો હોવાનું શિક્ષકો- આચાર્ય જાણતા હતા
ક્રાઈમ બ્રાંચ દ્વારા હાલ સ્કૂલના CCTV મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જો તેમા સ્કૂલની બેદરકારી સામે આવશે તો શાળા સામે ગુનો નોંધવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ શાળાને નોટિસ આપી આચાર્ય અને શાળા સંચાલકો સામે ખૂલાસો રજૂ કરવા આદેશ કર્યો છે, શાળા દ્વારા હજુ આ અંગે પણ કોઈ ખૂલાસો કરવામાં આવ્યો નથી. આ તરફ વિદ્યાર્થીના વાલીઓનો શાળા સામે સીધો આક્ષેપ છે કે જે વિદ્યાર્થીએ નયન સંતાણીની હત્યા કરી છે તેની સામે અનેકવાર અનેક વાલીઓ દ્વારા ફરિયાદ કરવામાં આવી છે. શાળાના શિક્ષકોને અને આચાર્યને પણ આરોપી ઘાતક હથિયાર લાવતો હતો તેની જાણ હતી છતા તેને કંઈ કહેવાની કોઈએ હિંમત કરી ન હતી.
આરોપી વિદ્યાર્થી સામે અનેક ફરિયાદો થઈ હોવા છતા શાળાએ કોઈ કાર્યવાહી ન કરી
હાલ શાળા સામે અનેક સવાલ ઉઠી રહ્યા છે. સૌથી મોટો સવાલ તો એ છે આરોપી વિદ્યાર્થી ઘાતક હથિયાર લાવતો હોવાની શાળાને જાણ હોવા છતા શાળા દ્વારા કેમ કોઈ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં ન આવી ? આખરે શાળા એવા તો કોના દબાણ હેઠળ હતી કે આવા ઘાતકી માનસિક્તા ધરાવતા વિદ્યાર્થીઓને શાળામાં રાખે છે અને અન્ય વિદ્યાર્થીઓના જીવ પણ જોખમમાં મુકે છે. શાળાને માથાભારે આરોપી વિદ્યાર્થી અંગે અનેક ફરિયાદો મળ્યા બાદ, ખુદ વાલીઓએ ફરિયાદ કર્યા બાદ પણ શાળા દ્વારા કેમ તેની સામે કોઈ કાર્યવાહી કરવામાં ન આવી, જો શાળા દ્વારા અગાઉ જ માથાભારે વિદ્યાર્થી સામે એક્શન લેવામાં આવી હોત તો આજે નયન સંતાણીને જીવ ગુમાવવો ન પડ્યો હોત.
સ્કૂલ મેનેજમેન્ટ સામે થશે કાર્યવાહી?
ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ પાસેથી મળતી માહિતી અનુસાર સ્કૂલ મેનેજમેન્ટને સત્તાવાર રીતે આરોપી બનાવવા માટે કોર્ટની મંજૂરી મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. સમગ્ર મામલે સ્કૂલ મેનેજમેન્ટની ગંભીર બેદરકારી ઉડીને આંખે વળગે એ રીતે છતી થઈ છે.
Input Credit- Mihir Soni- Ahmedabad