Ahmedabad : અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચમાં મહિલા સહિત છ વ્યાજખોરો સામે ફરિયાદ, વેપારી પાસેથી 9.95 કરોડ પડાવી લીધા
અમદાવાદ (Ahmedabad) શહેરમાં વધુ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોઁધાઇ છે. એક મહિલા સહિત છ વ્યાજખોરો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે.
અમદાવાદ શહેરમાં દરેક પોલીસ સ્ટેશનમાં વ્યાજખોરોથી પીડિત લોકો ફરિયાદ આપી શકે તે માટે ફરિયાદ પેટીનો પાઇલોટ પ્રોજેક્ટ હાથ ધરાયો છે. ત્યારે અમદાવાદ શહેરમાં વધુ એક વ્યાજખોરો સામે ફરિયાદ નોઁધાઇ છે. એક મહિલા સહિત છ વ્યાજખોરો સામે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાઇ છે. ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે કે વેપારીએ વ્યાજખોરો પાસેથી 3.78 કરોડ વ્યાજે લીધા હતા.
જેની સામે વ્યાજખોરોને 9.95 કરોડ રૂપિયા ચૂકવ્યાં હતા. છતાં વ્યાજખોરો વધુ રૂપિયાની માગ કરી ધમકી આપતા હતા. એટલું જ નહીં વ્યાજખોરોએ બે મકાન, ચેક અને પ્રોમિસરી નોટ પણ લખાવી લીધી હોવાનો વેપારીએ આક્ષેપ કર્યો છે. ક્રાઇમ બ્રાન્ચે ફરિયાદને આધારે તપાસ હાથ ધરી છે.
ફરિયાદ પેટીનો નવો વિચાર મુકવામાં આવ્યો
રાજ્યમાં વ્યાજખોરો સામે ગુજરાત પોલીસ છેલ્લા કેટલાક સમયથી એક્શન મોડમાં છે. અત્યાર સુધી પોલીસે વ્યાજખોરો સામે કાર્યવાહી તો શરૂ કરી પરંતુ એમાં એક નાની અડચણ આવી રહી હતી. કેમકે માથાભારે વ્યાજખોરો સામે ફરિયાદ કરવાનું સામાન્ય માણસનું ગજુ નથી હોતું.
વ્યાજખોરોથી ડરતાં લોકો હિંમત કેમ ભેગી કરે તે પણ એક સવાલ હતો. જોકે એના માટે પોલીસે એક નવો જ કિમિયો વિચાર્યો અને એનો અમલ પણ શરૂ કરાયો. જેમાં પહેલાં પોલીસે લોક દરબાર શરૂ કર્યો અને એમાં સફળતા મળતાં ફરિયાદ પેટીનો નવો વિચાર તરતો મુક્યો. પોલીસના આ નવા અભિગમને લોકો પણ વધાવી રહ્યા છે.
વ્યાજખોરો ડરશે, લોકોનો ડર ઘટશે
આમ તો પોલીસની છાપ એવી છે કે તેનાથી સામાન્ય જનતા ડરતી રહે છે પરંતુ અમદાવાદ પોલીસે જે રીતે વ્યાજખોરોની હેકડી ઓછી કરી છે અને સાથે જ પોલીસ અને જનતા વચ્ચેનું અંતર ઘટે તે માટે પ્રયાસ હાથ ધરાયો છે તેને લોકો વખાણી રહ્યા છે. મહત્વનું છે કે રાજ્યમાં વધતાં જતાં વ્યાજખોરોના ત્રાસને જોતાં આવા લોકો સામે ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ પેટી મૂકવામાં આવી છે.
મહત્વનું છે કે, ઘણા લોકો વ્યાજખોરોના ડરે પોલીસને ફરિયાદ કરવા જતા નથી. જેથી હવે કોઈ પણ વ્યક્તિ પોતાની ઓળખ છુપાવી આ પેટીમાં વ્યાજખોર વિરુદ્ધ જે રજૂઆત હશે તે કરી શકશે.