Ahmedabad: બે કોન્ટ્રાક્ટરોની રેતી નાખવા બાબતે થયેલી અદાવતમાં એક નિર્દોષ નાગરિકનો લેવાયો ભોગ, રાહદારી પર ગાડી ચડાવી કરી હત્યા
Ahmedabad: બે કોન્ટ્રાક્ટરની રેતી નાખવા બાબતે થયેલી અદાવતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અન્ય કોન્ટ્રાક્ટરે અકસ્માત કર્યો, જેમાં રાહદારી પર ગાડી ચડાવીને હત્યા કરી નાખી હતી. વાસણા પોલીસે હત્યાનો ગુનો નોંધી 2 વ્યક્તિની અટકાયત કરી છે.

અમદાવાદમાં જીવરાજ પાર્ક હોસ્પિટલ બહાર ગાડીની ટક્કર મારીને એક નિર્દોષ રાહદારીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે. કન્સ્ટ્રક્શન સાઇટ પર બિલ્ડીગની રેતી ભરવા મામલે કોન્ટ્રાક્ટરો બાખડ્યા હતા. જેની અદાવત રાખીને એક કોન્ટ્રાક્ટરે બીજા કોન્ટ્રાક્ટરની હત્યા કરવા માટે અકસ્માતનો પ્લાન બનાવ્યો હતો. કન્સ્ટ્રકશન સાઈટ પર રાજુ વણઝારા અને રમેશ વણઝારા સહિત 3 પર હુમલો કર્યો. આજે સવારે ઈજાગ્રસ્ત બાઇક પર કોન્ટ્રાક્ટર સહિત ત્રણ યુવકો જઈ રહ્યા હતા, ત્યારે બીજા કોન્ટ્રાક્ટર દશરથ ઓડે કારની ટક્કર મારી હતી. ત્રણેય જણા જમીન પર નીચે પડી જતા એક રાહદારી અરવિંદ ચૌહાણ તેને બચાવવા માટે દોડી આવ્યો હતો. રાહદારી બચાવતો હતો ત્યારે કાર ચાલક કોન્ટ્રાક્ટરે ફરીથી ગાડી ચઢાવા આવ્યો અને રાહદારીને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે કરુણ મોત થયુ હતું.
કોન્ટ્રાક્ટરોની અદાવતમાં નિર્દોષ નાગરિક પર કાર ચલાવી કરાઈ હત્યા
ઘટનાની વાત કરીએ તો પાલડી વિસ્તારમાં આવેલા સુવિધા સર્કલ પાસે આવેલી કન્સ્ટ્રકશન સાઇટ પર સવારે રાજુ વણઝારા અને દશરથ ઓડ નામના કોન્ટ્રાક્ટરને રેતી ભરવા મામલે માથાકુટ થઇ હતી. બન્ને વચ્ચે ઝઘડામાં આમને સામને મારમારી થઈ હતી. જેમાં પાલડી પોલીસે ક્રોસ ફરિયાદ દાખલ કરી. ઇજાગ્રસ્ત રાજુ ગંગાજી વણઝારા પૂછપરછ કરતા કહેવું છે કે ઝઘડો થતાં તેના પિતરાઈ ભાઈને ફોન કરી ત્યાં બોલાવ્યા હતા. જેમાં રાજુ ભીખાજી વણઝારા અને રમેશ વણઝારા પહોંચ્યા હતા. ત્યારે દશરથ ઓડના લોકો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. જેમાં રાજુ ભીખાજી વણઝારાને પથ્થર વાગતા ગંભીર ઇજા પહોંચી હતી.
જેથી ઇજાગ્રસ્ત રાજુ ભીખાજી વણઝારાને સારવાર માટે જીવરાજ હોસ્પિટલ લઈ જઈ રહ્યા હતા ત્યાં હોસ્પિટલની બહાર દશરથ ઓડના સાગરીતો કાર વડે અકસ્માત કરી હત્યા કરવાનો પ્લાન કર્યો. જેમાં નિર્દોષ વ્યક્તિ જીવ ગુમાવવો પડ્યો. જેમાં રાજુ વણઝારા સાથે 3 લોકો બાઇક પર જઈ રહ્યા હતા ત્યારે બલેનો ગાડી ચઢાવી દીધી હતી. જેમાં ત્રણેય લોકો રોડ પર પડી જતાં રાહદારી અરવિંદ ચૌહાણએ મદદ કરવા આવ્યો હતો. જે 108ને કોલ કરી રહ્યા હતા ત્યારે બલેનો કારચાલકે ફરી ગાડી ચઢાવાનો પ્રયાસ કર્યો હતો જેમાં રાહદારી અરવિંદ ચૌહાણ અડફેડે લેતા તેનુ મોત નીપજ્યું હતુ. પોલીસ તપાસ કરતા સામે આવ્યું છે કે હત્યા કરનાર કાર ચાલક ધ્રુવીન ઓડ, તેની બાજુમાં દશરથ ઓડ અને વિનોદ ગાડીમાં બેઠા હતા.
બન્ને કોન્ટ્રાક્ટરોની બબાલનો ભોગ આજે નિર્દોષ વ્યકિત બન્યો છે. ત્યારે વાસણા પોલીસને જાણ થતાં તેઓ તાત્કાલીક ઘટના સ્થળે પહોચી ગયા હતા અને હત્યાનો ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કરી દીધો હતો. ત્યારે વાસણા પોલીસે હત્યા કેસમાં દશરથ ઓડ અને તેના સાગરીતની અટકાયત કરી છે. આ હત્યા કન્સ્ટ્રકશન સાઇટ ની રેતી નાખવાની અદાવત છે કે અન્ય કોઈ કારણ છે તે મુદ્દે વધુ પૂછપરછ હાથ ધરી છે.