Ahmedabad : અદાણી ગુજરાત જાયન્ટ્સે પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝન માટે NYP ટ્રાયલ્સ યોજી
સફળતાપૂર્વક ટ્રાયલ્સને હાથ ધર્યા બાદ ગુજરાત જાયન્ટ્સની ટીમ 4 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરશે અને તેમને આગામી સિઝન માટેના સ્કવોર્ડમાં સામેલ કરશે.

Ahmedabad : પ્રો-કબડ્ડી લીગની (Pro-Kabaddi League) 10મી સિઝનનાં પ્રારંભ અગાઉ અદાણી સ્પોર્ટ્સ લાઈનની (Adani Sports Line) માલિકીવાળી ગુજરાત જાયન્ટ્સે ન્યૂ યંગ પ્લેયર્સ (એનવાયપી) ની આગામી સિઝન સંદર્ભે પસંદગી માટે ટ્રાયલ્સનું આયોજન કર્યું હતું. 2017માં લીગમાં પ્રથમવાર ઉતરનાર ગુજરાત જાયન્ટ્સની ટીમે ચેન્નઈ, નવી દિલ્હી અને અમદાવાદમાં ટ્રાયલ્સનું આયોજન કર્યું હતું. જેમાં 250થી વધુ કબડ્ડી ખેલાડીઓએ ભાગ લીધો હતો. આ ટ્રાયલ્સનો અંતિમ રાઉન્ડ અમદાવાદની ઓએનજીસી કોલોની ખાતે યોજાયો હતો.
આ પણ વાંચો-Mehsana: વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું મહેસાણા રેલવે સ્ટેશન ખાતે સ્વાગત સન્માન
યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે
ફ્રેન્ચાઈઝ દ્વારા શોર્ટલિસ્ટ કરવામાં આવેલા ખેલાડીઓની યાદી ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. આ શોર્ટ લિસ્ટેડ ખેલાડીઓમાંથી સિઝન રમવા તૈયાર હોય તેવા ખેલાડીઓની પસંદગી કરાશે. સફળતાપૂર્વક ટ્રાયલ્સને હાથ ધર્યા બાદ ગુજરાત જાયન્ટ્સની ટીમ 4 શ્રેષ્ઠ ખેલાડીઓની પસંદગી કરશે અને તેમને આગામી સિઝન માટેના સ્કવોર્ડમાં સામેલ કરશે.
ગુજરાત જાયન્ટ્સનો ગત સિઝનનો સૌથી સફળ ખેલાડી એવો રેડર પ્રતિક દહિયા પોતે પણ આ ન્યૂ યંગ પ્લેયર પ્રોગ્રામની જ શોધ છે. જેણે ગત સિઝનમાં શાનદાર પ્રદર્શન કરતા ઘણાં પોઈન્ટસ હાંસલ કર્યા હતા. હેડ કોચ રામ મહેર સિંઘ આ વખતે પણ એનવાયપી થકી એવા જ ટેલેન્ટ મળશે તેવી આશા રાખી રહ્યાં છે.
સ્કવૉડમાં સારા ખેલાડીઓ ઈચ્છીએ છીએ- હેડ કોચ
હેડ કોચ રામ મહેર સિંહે કહ્યું કે,”અમે એનવાયી ટ્રાયલ્સ પૂર્ણ કર્યા છે અને આગામી સિઝન માટે અમને અમુક એવા ખેલાડી દેખાયા છે જે તે સ્તર સુધી પહોંચી શકે તેમ છે. અમે સ્કવૉડમાં સારા ખેલાડીઓ ઈચ્છીએ છીએ અને તે અનુસાર જ ટીમની પસંદગી કરીશું. આ પ્રક્રિયા પૂર્ણ નથી થઈ, અમે ખેલાડીઓના નામ વિશે અંતિમ નિર્ણય લીધા બાદ તેને જાહેર કરીશું. આ અંગે નિર્ણય લેવો અમારી માટે સરળ નહીં હોય. અદાણી સ્પોર્ટ્સલાઈનના મેનેજમેન્ટે અમને ખેલાડીઓની પસંદગી માટે ફ્રિહેન્ડ આપ્યો છે. આશા છે કે આગામી સિઝન શ્રેષ્ઠ રહેશે.”
અદાણી સ્પોર્ટ્સલાઈનના હેડ સત્યમ ત્રિવેદીએ કહ્યું કે,”અદાણી સ્પોર્ટ્સલાઈન એનવાયપી પ્રોગ્રામ ટ્રાયલ્સને મળેલા પ્રતિસાદને જોઈ ઘણું ખુશ છે. અમારો મૂળ હેતુ ગુજરાતમાં કબડ્ડીની રમતને પ્રોત્સાહન આપવાનો છે. આ સાથે ટેલેન્ટેડ ખેલાડીઓને પ્રોફેશનલ લીગમાં તક આપવા માગીએ છીએ. એથ્લિટ્સે શાનદાર સ્કિલ્સ દેખાડી છે. કોચિંગ સ્ટાફ પ્રો-કબડ્ડી લીગની 10મી સિઝન માટે સાવચેતીપૂર્વક શાનદાર ખેલાડીઓની પસંદગીમાં લાગેલું છે. આશા છે કે ટીમ સફળતા માટે તમામ પ્રયાસ હાથ ધરશે”
અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો