AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: અમદાવાદ: દરિયાપુરમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ કર્યો હુમલો

અમદાવાદમાં મદરેસાનો સરવે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હોવાનુ સામે આવ્યુ છે. દરિયાપુર ખાતે આવેલા સુલતાન મહોલ્લામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર હુમલો કરવામાં આવ્યો હતો. આચાર્ય બાપુનગર સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે.

Narendra Rathod
| Edited By: | Updated on: May 18, 2024 | 3:14 PM
Share

અમદાવાદમાં મદરેસાના સરવે દરમિયાન હુમલાની નીંદનીય ઘટના સામે આવી છે. દરિયાપુરમાં આવેલા સુલતાન મહોલ્લામાં સરવે કરવા ગયેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. આચાર્ય બાપુનગરની સ્મૃતિ સ્કૂલ વિદ્યાલયમાં ફરજ બજાવે છે. આચાર્ય મદરેસા બંધ હોવાથી પુરાવારૂપે ફોટો લઈ રહ્યા હતા એ સમયે ફોટો પાડી રહેલા આચાર્ય પર ટોળાએ હુમલો કર્યો હતો. શિક્ષણ વિભાગના આદેશને પગલે આચાર્ય સરવે કરવા પહોંચ્યા હતા.

રાજ્યની 1128 મદરેસાઓમાં સર્વેની કામગીરી

રાજ્ય શિક્ષણ વિભાગના આદેશ બાદ રાજ્યની 1128 મદરેસાઓમાં સર્વે હાથ ધરાયો છે. એ પૈકી કેટલીક મદરેસાઓમાં સહકાર ન મળી રહ્યો હોવાની વિગતો પણ સામે આવી રહી છે. આ સમયે દરિયાપુરમાં સુલતાન મહોલ્લામાં આવેલી મસ્જિદમાં સરવે માટે ટીમ ગઈ એ સમયે એકાએક ટોળુ એકત્રિત થઈ ગયુ હતુ.  અને તેમણે શિક્ષક પર હુમલો કર્યો હતો. આ ઘટના બાદ અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારી, ભોગ બનનાર શિક્ષક અને આચાર્ય મંડળના સભ્યોએ દરિયાપુર પોલીસ સ્ટેશને જઈ ટોળા સામે ફરિયાદ નોંધાવી છે.

મદરેસામાં સરવે માટે ગયેલી ટીમને યોગ્ય સહકાર ન મળતો હોવાની વિગતો સામે આવી

અનેક જગ્યા પર એવી પણ બાબતો સામે આવી છે કે મદરેસાના સંચાલકો સહકાર નથી આપી રહ્યા, આ ઉપરાંત આજુબાજુના લોકો મોટી સંખ્યામાં એક્ઠા થઈ જાય છે અને ડરનો માહોલ બનાવવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે. શિક્ષકોને અગાઉથી જ સૂચના આપવામાં આવેલી છે કે તેઓ જ્યાં સરવે માટે પહોંચે ત્યાં મસ્જિદ બંધ હોય તો તેનો ફોટો પાડવો. દરિયાપુરમાં આ જ સૂચનને અનુસરતા શિક્ષક ફોટો પાડી રહ્યા હતા તે સમયે જ શરૂઆતમાં 4,5 લોકો અને જોતજોતામાં 100 જેટલા લોકોનું ટોળુ એકત્રિત થઈ ગયુ હતુ અને ટોળાએ શિક્ષક પર હુમલો કર્યો હતો.

પોલીસે ટોળા સામે ફરિયાદ નોંધી હુમલાખોરોની ઓળખ મેળવવા હાથ ધરી તજવીજ

હાલ પોલીસે સુલતાન મહોલ્લા વિસ્તારમાં આવેલી મસ્જિદ અને આસપાસના સીસીટીવી મેળવી તપાસ હાથ ધરી છે. મસ્જિદના સંચાલકો અને સ્થાનિક અગ્રણીઓ પાસેથી પણ પોલીસ ઘટના અંગે જાણકારી મેળવી રહી છે. જેમા હુમલા કરનારા તોફાની તત્વો અંગે વિગતો મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે. સ્થાનિક અગ્રણીઓ દ્વારા જાણવા મળ્યુ છે કે આ પ્રકારે ડાયરેક્ટ ટીમ સરવે કામગીરી માટે પહોંચી જતા લોકોની લાગણી દુભાતી હોય છે. આ અંગે જો વકફ બોર્ડને સૂચના આપવામાં આવે અને ત્યારબાદ બોર્ડની સૂચના બાદ સરવે કામગીરી કરવામાં આવે તો ચોક્કસથી પૂરતો સહકાર મળી રહે . આજ સાંજ સુધીમાં જ સરવેની કામગીરી પૂર્ણ કરી વિગતો એકત્ર કરવાની હોવાથી વકફ બોર્ડનો સંપર્ક કરવાનો પ્રયાસ પણ સરવે ટીમ દ્વારા કરાઈ રહ્યો છે.

આ પણ વાંચો: ગુજરાતની 1128 મદરેસાઓમાં હાથ ધરાયો સર્વે, 11 મુદ્દા દ્વારા સમજો કઈ કઈ બાબતોની થશે ચકાસણી

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">